બોટાદ જતી ટ્રેનો એપ્રિલ મહિનાથી ગાંધીગ્રામના બદલે સરખેજથી દોડશે

અમદાવાદ: રાજ્યના સરકારના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને અનુલક્ષીને અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી બોટાદ જતી અાવતી મીટર ગેજ ટ્રેનને અાગામી એપ્રિલ માસથી સરખેજ દોડાવવામાં અાવશે. જેના કારણે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન અને વસ્ત્રાપુર રેલવે સ્ટેશનથી અપડાઉન કરનારા સેંકડો મુસાફરોએ સરખેજથી ટ્રેન પકડવી પડશે. જો કે અા અંગે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને ઉક્ત બંને સ્ટેશનથી સરખેજ લાવવા અને લઈ જવાની વ્યવસ્થા કરવામાં અાવશે.

મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા)ના બેનર હેઠળ મેટ્રો રેલની કામગીરી હાથ ધરવામાં અાવી રહી છે. અા મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત ભાવનગર રેલવે ડિવિઝન હેઠળના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી વસ્ત્રાપુર રેલવે સ્ટેશન વચ્ચેના કેટલાક ભાગમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પિલર ઊભા કરવામાં અાવનાર છે. અા કામગીરીના અંતર્ગત મેટ્રો રેલ પ્રોજેક્ટ (મેગા) દ્વારા ભાવનગર રેલવે ડિવિઝન પાસે અાવા પિલર ઊભા કરવાની મંજૂરી માંગવામાં અાવી છે. જેના અંતર્ગત કેટલાક સમય માટે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી વસ્ત્રાપુર રેલવે સ્ટેશન વચ્ચે પિલરની કામગીરી માટે ટ્રેન બંધ કરવાની ફરજ પડશે તેમ રેલવે તંત્રને જણાવવામાં અાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મેટ્રો રેલની કામગીરી અંતર્ગત અાગામી એપ્રિલ માસથી ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી વસ્ત્રાપુર રેલવે સ્ટેશન વચ્ચે કામગીરી શરૂ કરવામાં અાવશે. જેના કારણે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી બોટાદ જતી અાવતી 10 ટ્રેનને સરખેજથી દોડાવવાનો નિર્ણય કરાયો છે.

જેના અંતર્ગત ગાંધીગ્રામ અને સરખેજ રેલવે સ્ટેશનથી બોટાદ તરફ જતા અાવતા મુસાફરોને બસ દ્વારા સરખેજ રેલવે સ્ટેશનથી લાવવા અને લઇ જવામાં અાવશે. અા કામગીરી કેટલો સમય ચાલશે તેની કોઈ માહિતી રેલવે તંત્રને મેટ્રો રેલ દ્વારા અપાઈ નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ અા કામગીરી સંભવત ચારેક મહિના ચાલે તેવી શક્યતા છે. અાથી એ‍પ્રિલ માસથી ગાંધીગ્રામથી બોટાદ જતી અાવતી 10 ટેન સરખેજથી બોટાદ અવર જવર કરશે.

અા અંગે ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિ‍ઝનલ કોમર્શિયલ મેનેજર સી.એસ. કુરિલે જણાવ્યું હતું કે મેગા દ્વારા મેટ્રો રેલવે માટે રેલવેની જગ્યામાં પિલર ઊભા કરવાની મંજૂરી માંગવામાં અાવી છે.  અને ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ કરવામાં અાવશે. અા કામગીરીને અનુલક્ષીને રેલવે તંત્ર દ્વારા ગાંધીગ્રામથી બોટાદ ટ્રેનને સરખેજથી દોડાવવામાં અાવશે. જેના કારણે ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર રેલવે સ્ટેશનથી અવર જવર કરતાં મુસાફરોને જે તે સ્ટેશનથી સરખેજ લાવવા લઈ જવા માટે બસની વ્યવસ્થા કરાશે. જો કે મેટ્રો રેલ દ્વારા ક્યારથી કામગીરી શરૂ કરવામાં અાવશે તેનો ડિટેલ પ્રોગ્રામ અાપ્યો નથી. જ્યારે તેઅો ડિટેલ પ્રોગ્રામ અાપશે ત્યારથી અા ટ્રેનોને સરખેજથી દોડાવવાની શરૂ કરી દેવામાં અાવશે.

You might also like