Categories: Art Literature

બોર – એક લવસ્ટોરી

બોર વેચવાનો મથુરનો આજે પહેલો દિવસ હતો. આ કામ પ્રત્યેનો તેનો અણગમો તેના ચહેરા પર ચોખ્ખો દેખાઈ આવતો હતો. મથુરને આમ ચણીબોર વેચવાનું જરાયે ગમતું નહોતું, પણ બાપા સામે કંઈ બોલી શકે એટલી હિંમત તેનામાં હતી નહીં અને જો બોર વેચવા ના જાય તો બાપા સાથે મજૂરીકામમાં જવું પડે જે પણ મથુરને ગમતું નહોતું એટલે નાછૂટકે તેને આ બોર વેચવાના બિઝનેસમાં આવવું પડ્યું. તેના ભાઈબંધ અને આ બિઝનેસના અનુભવી એવા રામલાએ તેને બધું બરોબર સમજાવી દીધું હતું. બંને હાથમાં ચણીબોર ભરેલી પાંચ-પાંચ પ્લાસ્ટિકની થેલીઓ પકડીને વિલાયેલા મોઢા સાથે તે શિવશક્તિ હોટલપાસે ઊભો ઊભો બસ આવવાની રાહ જોવા માંડ્યો.

દૂરથી એસ. ટી.ની બસ આવતી દેખાઈ. ડ્રાઇવરે બ્રેક મારી. કંડક્ટરે બૂમ પાડી,

ચા-પાણી, નાસ્તો જે કરવું હોય તે કરી લો…૧૦ મિનિટનો હોલ્ડ છે.રામલો દોડ્યો અને તેને જોઈને મથુર પણ દોડ્યો… બોર લઈ લ્યો…બોર…! એક થેલીના ૧૦ રૂપિયા! તાજા, મીઠાં બોર… ૧૦ રૂપિયાની એક થેલી!બસમાંથી ઊતરતા મુસાફરોએ કાંઈ ખાસ રસ ન દેખાડ્યો એટલે મથુર બૂમ પાડતો-પાડતો બસની બારીઓ પાસે જઈને ત્યાં બેઠેલા મુસાફરોને બોર વેચવા માંડ્યો. બેન, બોર લઈ લ્યો…એક બારી પાસે બેઠેલી છોકરીને જોઈ મથુર બોલ્યો. એકદમ તાજા છે…!મથુરે એક હાથ ઊંચો કરીને થેલી બતાવી…પેલી છોકરીએ થેલી જોઈ અને બાજુમાં બેઠેલી પોતાની બેનપણીને પૂછ્યું, ‘શિખા, બોર લેવા છે?’ મથુરે ડોક ઊંચી કરીને જોયું તો બાજુમાં પોતાનો અડધો ચહેરો દુપટ્ટાથી ઢાંકેલી, આંખો મીંચેલી એક છોકરી સીટનો ટેકો લઈને આરામથી બેઠી હતી. તેણે કોઈ રિસ્પોન્સ ના આપ્યો એટલે પેલી છોકરીએ વજનદાર અવાજ સાથે, કોણી મારીને ફરી પૂછ્યું, ‘ઓ શિખા મેડમ, બોર ખાશો?’ શિખાએ આંખો ખોલી, ચહેરા પરથી દુપટ્ટો કાઢ્યો, મથુરે પગ ઊંચા કરીને જોયું અને બસ જોતો જ રહ્યો…! શિખાનો સુંદર ચહેરો અને અણિયાળી આંખો મથુરના દિલમાં સોંસરવ ઊતરી ગયા! મથુરના ચહેરા પરનો અણગમો ગાયબ થઈ ગયો અને ચહેરા પર એક કુદરતી ચમક આવી ગઈ! શિખાએ કાનમાંથી ઇઅરફોન કાઢ્યા અને ચિડાયેલા અવાજે બોલી,

શું છે સારિકા …?’

ત્રીજી વખત પૂછંુ છું, બોર ખાવા છે?’

હવે, એક તો હું અહીંયાં બોર થાઉ છું અને ઉપરથી તું બોર ખાવાનું કહે છે! મારે નથી ખાવા… તું ખા…મોં મચકોડી શિખા ફરી પોતાના ઇઅરફોન કાનમાં નાંખવા માંડી ત્યાં જ મથુર મલકાતા ચહેરે બોલ્યો, ‘મેડમ, લાઈફ બોર થવા માટે નથી, લાઈફ તો બોર ખાવા માટે છે!મથુરના આ શબ્દોએ શિખાને તેના તરફ જોવા મજબૂર કરી. મારા બોર ખાશોને એટલે ગમે તેવી બોર લાઈફ પણ જોર મારવા માંડશે! એકદમ મીઠાં અને તાજા છે. એક વાર ખાઈને તો જુઓ આવા મીઠા બોર તમે ક્યારેય નહીં ખાધા હોય, ગેરંટી!

મથુરને કોઈ અનુભવ ન હોવા છતાં આટલું બોલી ગયો એ શિખાનો જ પ્રભાવ હતો! મથુરના ભોળા ચહેરા પર ધીમું-ધીમું હાસ્ય રેલાતું હતું. તેની આંખોમાં બાળક જેવી નિર્દોષતા હતી જે સૌ કોઈને પોતાના તરફ ખેંચી લે. શિખા પણ તેમાં ખેંચાઈ રહી હતી, પણ તેણે પોતાની નજર ફેરવી લીધી.

તારે ખાવા હોય તો લઈ લે… મને ડિસ્ટર્બ ના કરતી હવે!શિખાએ પોતાના ઇઅરફોન કાનમાં નાખી ફરી આંખો મીંચી લીધી. મથુરના ચહેરા પરનું સ્મિત અદ્રશ્ય થઈ ગયું. સારિકાએ મથુર સામું જોયું, મથુર ખોટું-ખોટું હસ્યો. સારિકાએ બોરની બે થેલીઓ ખરીદી, એક પોતે રાખી અને એક પરાણે શિખાને આપતાં બોલી, ‘શિખા મેડમ, આટલો ગુસ્સો ના કરીશ. હવે તો તું આને આદત બનાવી લે. ૨ મહિના સુધી તારે દરરોજ આમ જ, આ જ બસમાં ટ્રાવેલ કરવાનું છે અને આ જ રસ્તેથી નીકળવાનું છે.આ સાંભળતા જ મથુર ચમક્યો, ‘૨ મહિના સુધી મેડમ દરરોજ અહીંથી નીકળશે!ઊડી ગયેલું સ્મિત ફરી પાછું મથુરના હોઠ પર બેસી ગયું. તે ઉત્સાહમાં આવી ગયો. એટલામાં જ કંડક્ટરે બેલ વગાડી અને બસે ચાલતી

પકડી. ઉત્સાહિત મથુરે બસની પાછળનું બોર્ડ વાંચી લીધું ઃ  અમદાવાદથી ધંધુકા‘.

મથુર ધંધુકા પાસેના એક નાનકડા ગામ રાયકામાં રહેતો ગરીબ પરિવારનો છોકરો હતો. ૧૨મું પાસ કરીને તેણે ભણવાનું છોડી દીધું હતું. થોડાક મહિના રખડપટ્ટી કરી અને પછી બાપા સાથે મજૂરીકામમાં જવા માંડ્યો, પણ થોડા જ દિવસોમાં મથુરને સમજાઈ ગયું કે શા માટે બાપા દરરોજ રાડો પાડીને કહેતા કે, ‘ભણવામાં ધ્યાન આપ, મજૂરી કરવી સહેલી નથી.બાપાએ આપેલા અલ્ટીમેટમના ફળસ્વરૂપે મથુરને આ ફળ વેચવાની ફરજ પડી. અમદાવાદથી ધંધુકા અને એ રૂટ પર આગળ જતી બસો રાયકાના પાટિયે આવેલી હોટલ પર ઊભતી ત્યારે આ બોર વેચવાવાળા પોતાની હાટ માંડતા. મથુરે વિચાર્યું હતું કે થોડા દિવસમાં આ કામ છોડી દેશે અને ધંધુકામાં કોઈ નાનું-મોટું કામ શોધી લેશે, પણ આજે શિખાને જોયા પછી મથુરે પોતાનો નિર્ણય બદલી નાખ્યો કે ૨ મહિના સુધી તો બોરનો બિઝનેસજ કરવો છે.

પછી બીજું વિચારશું!

બીજા દિવસે મથુર રામલા કરતાં વહેલો આવી ગયો અને આતુરતાથી બસની રાહ જોવા માંડ્યો. દૂરથી બસ આવતી દેખાઈ, મથુરે ઝીણી નજર કરી બોર્ડ વાંચી લીધું અમદાવાદથી ધંધુકા‘. તેણે પોતાનાં વાળ અને કપડાં સરખા કર્યાં અને ખુશ થઈને દોડ્યો. બોર લઈ લ્યો… બોર…બૂમ

પાડતો-પાડતો બસની બારીઓ જોવા માંડ્યો. એક બારી પાસે શિખા બેઠી હતી. આજે તેણે દુપટ્ટા વડે પોતાનો ચહેરો ઢાંક્યો નહોતો. બ્લુ કુરતામાં તે વધુ સુંદર દેખાતી હતી. મથુરનો શ્વાસ બે ઘડી રોકાઈ ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને શિખા પાસે ગયો, ‘મેડમ, બોર?’ તે થેલી ઊંચી કરી, હસતા ચહેરે બોલ્યો. શિખાએ મથુર સામે જોયું. તું..? સારું થયું તું આવી ગયો. શું કેતોતો તું કાલે? કે તારા બોર બોવ મીઠાં છે! જે ખાય એ ખાતા જ રહી જાય! એકદમ મીઠાં અને તાજા! ગેરંટી! એક પણ બોર મીઠું નહોતું. બધાં ખાંટાં બડાસ હતાં. ધંધો કરવા માટે તમે લોકો કંઈ પણ બોલો છો અને ગ્રાહકોને છેતરો છો! મને બોર નહીં કર અને જા અહીંથી, નથી લેવા મારે બોર.શિખાએ પોતાનો બધો ગુસ્સો મથુર પર ઠાલવ્યો. મથુરનો ચહેરો પડી ભાંગ્યો…તેની આંખો નમી ગઈ. તે દુઃખી થઈ ગયો. તેણે સોરી કહ્યું અને ત્યાંથી જતો રહ્યો અને થોડે દૂર જઈ બેસી ગયો.

બસ હજુ ઊભી હતી, પણ મથુરની હિંમત ન થઈ શિખા તરફ જોવાની. દૂરથી રામલો બોલ્યો, ‘મથુરિયા, મેં કીધું તું કે ઈ બોર ખાટા હશે, તોયે તું ના માન્યો. મીઠાં બોર તો પેલી કાંટાવાળી બોરડીમાં ઊગે સે, ઇના માટે મેનત કરવી પડે અને તારે તો મેનત કરવી નથ!મથુરને શિખાના શબ્દોની ખૂબ જ અસર થઈ. મથુરને ખબર હતી કે વાંક પોતાનો જ છે. પાદરમાં થોડી બોરડીઓ એવી છે જેમાં કાંટા વધુ છે, પણ તેના બોર મીઠાં હોય છે. પોતાને ખબર હોવા છતાં પોતે બીજી બોરડીમાંથી બોર તોડ્યાં અને બીજા ખરી ગયેલાં બોર વીણી લીધાં જેમાં પોતાને ઓછી મહેનત પડી. પોતે કોઈ મોટો ગુનો કર્યો હોય તેવા અપરાધ ભાવ સાથે તે કંઈક વિચારતો રહ્યો. બસનો જવાનો સમય થયો એટલે કંડક્ટરે બેલ વગાડી અને બસ ચાલવા માંડી. મથુર જતી બસને જોતો રહ્યો.

પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવા માટે મથુર સીધો ગામના પાદરે દોડ્યો. ત્યાં કાંટાળી બોરડીમાંથી મહેનત કરીને બોર તોડ્યા. હાથમાં કાંટા વાગ્યા, પણ ગણકાર્યું નહીં. બોરની મીઠાશની ખરાઈ કરવા તે બોર ચાખતો પણ જતો હતો. તેના મનમાં એક જ વાત ઘૂમતી હતી કે કાલે મેડમને ફરિયાદનો એક પણ મોકો નથી આપવો.

બીજા દિવસે મથુર તૈયાર થઈને શિવશક્તિ હોટલપર પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો. બસ આવી એટલે દોડીને સીધો શિખા પાસે ગયો, ‘મેડમ, આજે બોર એકદમ મીઠાં છે. એકવાર ચાખો, જો મીઠાં હોય તો જ રૂપિયા આપજો. આજે તો પાક્કી ગેરંટી.

મથુર થેલી ઊંચી કરી એકશ્વાસે બધું બોલી ગયો. શિખાએ જોયું કે મથુરના હાથમાં કાંટા વાગવાને લીધે ઉઝરડા પડી ગયા છે. શિખાએ કંઈ પણ બોલ્યા વિના થેલી લીધી અને તેમાંથી એક બોર ચાખ્યું, બીજું બોર ચાખ્યું. જેમ ભણવામાં નબળો કૉલેજિયન રિઝલ્ટના દિવસે નોટિસબોર્ડમાં પાસના લિસ્ટમાં પોતાનું નામ શોધતો હોય તેવી જ રીતે મથુર શિખાના ચહેરા પરના ગૂઢ ભાવોમાં પાસનો ભાવ શોધવા માંડ્યો. હમમમ…મીઠાં છે…શિખા બોલી. મથુર રાજીના રેડ થઈ ગયો જાણે તપસ્યા ફળી, ‘મીઠાં કેમ ના હોય મેડમ, આ બોર પેલી કાંટાળી બોરડીમાંથી મેં મારા હાથે તોડ્યા છે અને ચાખી ચાખીને લાવ્યો છું, ખાસ તમારા માટે.હરખઘેલો મથુર સડસડાટ બોલી ગયો.

ખાસ મારા માટે?’ શિખાએ સાશ્ચર્ય પૂછ્યું.

હા…‘, મથુરે એટલી જ સહજતાથી જવાબ આપ્યો.

અને તું ચાખીને લાવ્યો?’

હા..મથુર જોશમાં બોલ્યો.

એટલે તું તારી જાતને શબરી માને છે કે તું મારે માટે ચાખીને બોર લાવ્યો છે!મથુર ગભરાઈ ગયો. બોલ, તું મને તારા એઠાં બોર ખવડાવે છે?’

મથુર મૂંઝાયો, ‘ના ના મેડમ…! હું તો… મીઠા બોર… એટલે કે તમારા માટે…!તે થોથવાઈ ગયો કે શું કહેવું! મથુરનું ભોળપણ જોઈને શિખા હસવા માંડી. મથુરે આજે પેલી વાર શિખાને હસતાં જોઈ. શિખાના દાડમના દાણા જેવા દાંત, કમળની કળી જેવા હોઠ…! મથુરે આની પહેલાં કોઈ છોકરીને આટલી નીરખીને નહોતી જોઈ. થોડી વાર માટે મથુર કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયો. તેણે શ્વાસ છોડ્યો, હળવો થયો અને હસ્યો. શિખાએ ગઈકાલ કરેલા ગુસ્સા માટે સોરી કહ્યું અને દરરોજ આવા જ મીઠા બોર લાવવાનું કહ્યું. મથુરને તો જાણે સ્વર્ગ મળી ગયું! તે બમણા ઉત્સાહ સાથે બીજા મુસાફરોને પણ બોર વેચવા માંડ્યો.

હવે દરરોજ મથુર બોરની કોથળીઓ લઈને હોટલ પહોંચી જતો. ૧૦ મિનિટ બસ ઊભે ત્યાં સુધી મથુર કોઈ ને કોઈ બહાનું કાઢી શિખા સાથે વાતો કરતો અને શિખા બોર ખાતી ખાતી વાતો સાંભળતી અને ઠળિયા ફેંકતી. શરૂ શરૂમાં શિખા વધારે કંઈ બોલતી નહીં, પણ જેમ-જેમ દિવસો પસાર થતા ગયા શિખાને મથુરના બોરની અને વાતોની આદત પડી ગઈ. મથુર શિખાને પોતાની બધી વાતો કરતો. મથુર ભોળો અને સાફ દિલનો છે તે શિખા ઓળખી ગઈ હતી એટલે શિખા પણ પોતાની વાતો મથુર સાથે શેઅર કરતી. મથુરને ખબર પડી કે શિખાને અમદાવાદમાં એક પ્રાઇવેટ સ્કૂલમાં પ્રાયમરી ટીચરની જોબ મળી છે. એ પ્રાઇવેટ સ્કૂલની એક બ્રાંચ રાણપુરમાં પણ છે. એટલે મૅનેજમેન્ટે શિખાને રાણપુરની બ્રાંચમાં ૨ મહિના સુધી ટ્રેનિંગ માટે મોકલી છે,

૨ મહિનાની ટ્રેનિંગ પછી શિખા અમદાવાદની મેઇન બ્રાંચ જોઇન કરશે.

પરંતુ શિખાને આ ટ્રેનિંગથી ચીડ છે. કેમ કે તેને દરરોજ બસમાં અપ-ડાઉન કરવું પડે છે. બસમાં ધક્કા ખાતા-ખાતા જાવું પડે છે. અમદાવાદથી ધંધુકા અને ફરી ધંધુકાથી બસ બદલીને રાણપુરની બસ પકડવી પડે છે અને એટલે જ તે ગુસ્સામાં રહેતી હોય છે, પરંતુ જ્યારે મથુર તેની સાથે રહેતો ત્યારે તે શિખાને પોતાની ભોળી અને રમૂજી વાતોથી હસાવતો. શિખા હસતી અને મથુર ખુશ થતો.

મથુરને શિખા પહેલી જ નજરમાં ગમી ગઈ હતી અને તેને પ્રેમ કરવા લાગ્યો હતો. મથુર મનમાં ને મનમાં વિચારતો કે, ‘મને તો મેડમ, ગાયને વાછરડું ગમતું હોય એવા ગમે છે, પણ શું હું મેડમને ગમતો હોઈશ?’ મથુરના મનમાં એક જ પ્રશ્ન ઘૂંટાયા કરતો. તેને વાતવાતમાં એ તો ખબર પડી ગઈ હતી કે મેડમની લાઇફમાં બીજો કોઈ છોકરો નથી, પણ પોતે મેડમની લાઇફમાં છે કે નહીં તે હજી નક્કી નહોતો કરી શકતો. એક દિવસ બોર ખાતા ખાતા શિખા બોલી, ‘તું યંગ છો, સ્માર્ટ છો, તારે તો હજુ આગળ ભણવું જોઈએ, કૉલેજ કરવી જોઈએ. તું ભણતો કેમ નથી?’

તમે મને ભણાવશો મેડમ?’ મથુરે શિખાના દિલની વાત જાણવાની કોશિશ કરી. શિખા હસવા માંડી, ‘હું તો નાના બાળકોને ભણાવું છું અને હા, આગળ ભણવું હોય તો તારે અમદાવાદ આવવું પડે.

તમે કહો તો આવી જાઉં અમદાવાદ.શિખાએ મથુર સામું જોયું, મથુર મૂંઝાયો કે આ શું બોલી ગયો! પણ તે શિખાના રિસ્પોન્સની રાહ જોતો રહ્યો. શિખા તરફથી કોઈ સંકેત ન મળ્યો એટલે તેણે વાત વાળી લીધી, ‘છોડોને મેડમ ભણવાનું. આપણે તો આ બિઝનેસમાં સારા. પણ મેડમે મને સ્માર્ટ કીધો, મને યંગ કીધો એટલે હું મેડમ ને ગમું છુંએ વાતનો દિલાસો લઈ મથુર ખુશ થઈ ગયો.

દિવસો પસાર થતા જતા હતા અને મથુર અને શિખાની મુલાકાતો વધુ ગાઢ બનતી જતી હતી. શિખાના દિલમાં શું છે તે ઘણી વખત વાતો-વાતોમાં જાણવાની કોશિશ મથુર કરતો, પણ તેને કોઈ અણસાર મળતો નહીં. પોતાના એક પ્લાન મુજબ એક દિવસે વાત-વાતમાં મથુરે શિખાને પૂછ્યું, ‘મેડમ, પ્રેમ કોને કહેવાય?’

શિખાએ મથુર સામે આશ્ચર્યથી જોયું, ‘શું વાત છે મથુર, આમ પ્રેમ-વેમની વાતો કરવા માંડ્યો?’ મથુર શરમાઈ ગયો,

આ તો ખાલી એમ જ યાદ આવ્યું એટલે પૂછ્યું. આપણને કેમ ખબર પડે કે કોઈ

આપણને પ્રેમ કરે છે?’

સાવ સહેલું છે, તે વ્યક્તિને પૂછી લેવાનું, તું મને પ્રેમ કરે છે?’ શિખા હસવા લાગી.

એ જ તો નથી કરી શકતો!મથુર મનમાં બોલ્યો.

શિખા બોર ખાતી-ખાતી ઠળિયા ફેંકતી બોલી, ‘જયારે કોઈની સાથે કોઈ પણ કામ વિના બેસી રહેવાનું મન થાય, વાતો કરવાનું મન થાય, તેને દરરોજ જોવાનું, તેને દરરોજ મળવાનું મન થાય, તેની સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનું મન થાય… એને પ્રેમ કહેવાય અને એવું તે વ્યક્તિને થાય તો સમજી લેવાનું કે તે તમને પ્રેમ કરે છે.

મને આવું જ થાય છે મેડમમથુરને મન થયું કે શિખાને પોતાના દિલની હકીકત કહી દે, પણ દિલની વાત દિલમાં જ રહી.

પણ તેં તો કોઈ શોધી જ રાખી હશે ને તારી હિરોઇન? મથુરની મહારાણી!શિખાએ મથુરની મસ્તી કરતા પૂછ્યું. મથુરે શિખા સામે જોયું, થોડો ગંભીર થયો અને હસ્યો, ‘મેડમ, અમે તો ઠળિયા! આ બોરના ઠળિયા! અમને કોઈ ન ચાખે, અમને તો નાંખે, ફેંકે, ખાઈ ખાઈને. જેમ તમે ફેંકો છો!મથુરની વાત સાંભળી બોર ખાતી શિખા અચાનક અટકી ગઈ. તે મથુરની સામે તાકી રહી.

શિખા જ્યારે બસથી અને અપ-ડાઉનથી કંટાળાની વાત કરતી ત્યારે મથુર તેને ખુશ રાખવા કહેતો કે, ૨ મહિના તો આમ ચપટીમાં નીકળી જશે અને ખરેખર ચપટીમાં જ નીકળી ગયા! મથુરને ખબર નહોતી કે ત્યારે રમૂજમાં કરેલી વાત હકીકત બનશે ત્યારે કેવી અસહ્ય લાગશે. શિખાની ટ્રેનિંગના ૨ મહિના પૂરા થવા આવ્યા. થોડા દિવસ પછી મેડમને નહીં મળી શકાય એ વાત મથુરને કાંટાથી પણ વધારે ખૂંચતી હતી, પણ શિખા સામે તે કંઈ જાહેર ન થવા દેતો. એક દિવસ શિખા ઉદાસ દેખાતી હતી. મથુરે કારણ પૂછ્યું.

માંડ ૨ મહિના પૂરા થવા આવ્યા અને મારી આ હાલાકીનો અંત આવવાનો હતો ત્યાં જ  સ્કૂલવાળાઓને ખબર નહીં શું થયું.શિખા ગુસ્સો કરતી બોલી.

કેમ? શું થયું મેડમ?’ મથુરે કુતૂહલવશ પૂછ્યું.

મૅનેજમેન્ટે મારી ટ્રેનિંગ ૧ મહિનો લંબાવી દીધી છે.આ એક વાક્ય મથુર માટે એક મહિનાનો ઓક્સિજન લઈને આવ્યું! મથુરના ચહેરા પર લોહીનું પરિભ્રમણ ડબલ થઈ ગયું! ભગવાને મારી સાંભળી લીધી.તેની ખુશીનો પાર ન રહ્યો. હજુ એક મહિનો મેડમ સાથે વિતાવવા મળશે, મેડમને દરરોજ જોવા મળશે. પોતાને સ્વસ્થ કરી તેણે શિખાને જૂઠું આશ્વાસન આપ્યું, ‘મેડમ, એમાં પણ ભગવાનની કંઈક સારી ઇચ્છા હશે. લો બોર ખાવ.

પોતાના પર થયેલી પ્રભુકૃપાથી મથુર ખુશ હતો. બોનસમાં મળેલા મહિનાને તે પૂરેપૂરો માણતો હતો, પણ મથુરનું મન હજી પણ અસ્થિર હતું. તેને શિખાના દિલની વાત જાણવી હતી જેમાં તેને નિષ્ફળતા જ મળતી હતી. જોતજોતામાં અધિક માસ પણ પૂરો થવા આવ્યો. ટ્રેનિંગ પૂરી થયાના બીજા જ દિવસે શિખાને અમદાવાદમાં સ્કૂલ જોઈન કરવાની હતી. એટલે શિખા ફરી ક્યારેય આ રસ્તા પર, આ બસમાં, આ દિશામાં નહીં દેખાય. જે વિચારતા જ મથુર દુઃખી થઈ જતો હતો. છેલ્લા દિવસોમાં શિખા પણ બહુ બોલતી નહીં. બસ બોર ખાયા કરતી.

કાલે તો છેલ્લો દિવસ ને મેડમ?’,

હા…મને બોવ યાદ આવશે.શિખા બોર ખાતાં-ખાતાં બોલી.

કોણ?’ મથુરે પોતાનું નામ સાંભળવાની આશા સાથે ફટાકથી પૂછી નાખ્યું.

આ બોર!

મથુરનું મોં પડી ગયું. શિખાએ જોયું અને બોલી, ‘આ બોર અને એના આ ઠળિયામથુરે શિખા સામું જોયું. શિખા હસી. મથુર હસ્યો, હરખાયો અને વિચાર્યું કે કંઈ પણ થાય કાલે તો મેડમને મોઢેમોઢ પૂછી જ લઈશ.

શિખા માટે તો ટ્રેનિંગનો છેલ્લો દિવસ હતો, પણ મથુર માટે તો જાણે એક યુગનો અંત હતો. આજે તો મન મક્કમ કરીને મેડમને પૂછવું જ છે.પોતાને જ હિંમત આપતો મથુર ખૂબ આતુરતાથી પોતાની જગ્યાએ આવીને બસની રાહ જોવા માંડ્યો. બસ આવી એટલે દોડીને સીધો બારી પાસે ગયો, પણ ત્યાં શિખા ન હતી. એક પછી એક તેણે બધી બારીઓ જોઈ લીધી, પણ ક્યાંય શિખા ન દેખાઈ. તે બીજી બાજુ ગયો અને બધી બારીઓ જોઈ ત્યાં પણ ઉક્યાંય શિખા ન દેખાઈ. તેના હૃદયના ધબકારા વધી ગયા. તે ઉતાવળ કરી બસની અંદર ગયો અને મટકું માર્યા વિના બસની પિસ્તાળીસ સીટ પર આંખ દોડાવી દીધી! પણ ક્યાંય શિખા ન દેખાઈ. મથુરના ચહેરાનો રંગ ઊતરી ગયો. ઉદાસ ચહેરે તે બસની બહાર નીકળ્યો, હસ્યો, ‘હું પણ પાગલ છું! ક્યાં હું ને ક્યાં શિખા મેડમ! ઠળિયા કોને ગમે!તેણે ઊંડો નિસાસો નાખ્યો અને ચાલ્યો ગયો.

 * * *

મથુર બંને હાથમાં પાંચ-પાંચ થેલીઓ લઈ બોર વેચવા ઊભો હતો. તે ગુમસુમ, ચૂપચાપ હતો. ચહેરા પર કોઈ ભાવ નહોતા. બસ આવી. બસની બારીઓ પાસે જઈને તે બોર વેચવા માંડ્યો. બોર લઈ લ્યો બોર, ૧૦ રૂપિયાની એક થેલી…!ત્યાં જ તેને એક અવાજ સંભળાયો.

એ… બોર બોય!

મથુરે જોયું તો એક બારી પાસે સારિકા બેઠી હતી. મથુર સારિકાને જોઈને મલકાયો અને ઝડપથી તેની પાસે ગયો. ડોક ઊંચી કરીને બસની અંદર ડોકિયું કર્યું. બાજુની સીટ પર કોઈ વૃદ્ધ માજી બેઠાં હતાં. તે પોતાના પર જ હસ્યો.

તમે મને ઓળખી ગયા?’ મથુરે સારિકાને પૂછ્યું.

કેમ ના ઓળખું? ૩ મહિના પહેલા તારા બોર ખાધાતા… હજીય યાદ છે કેવા ખાટા હતા!સારિકા હસી. લાવ આજે પણ ખાઈ જ લઉં!

તમે આમ અચાનક આટલા મહિના પછી દેખાયા?’ મથુરે તેને બોરની થેલી

આપતા પૂછ્યું.

હા યાર, શિખાને લીધે! પહેલી વખત તેની ટ્રેનિંગનો પહેલો દિવસ હતો એટલે તેને કંપની આપવા આવી હતી અને આજે ફરી તેના જ કામ માટે જાઉં છું, તેનું સર્ટિફિકેટ લેવા. પોતે બીમાર પડી ગઈ એટલે મારે આવવું પડ્યું.

કેમ? શું થયું મેડમને?’ મથુરે ગભરાઈને પૂછ્યું.

અરે! કઈ સિરિયસ નથી…તાવ આવી ગયો હતો! હવે સારું છે. હમમમ… બોર મીઠાં છે.મથુરને થયું કે શિખા વિષે બધું પૂછી લઉં, પણ હંમેશની જેમ તેના હોઠ ન ખૂલ્યા. તે પોતાના વિચારોમાં ખોવાઈ ગયો.

પણ આ શિખા પણ અજબ છે, પહેલાં તો બોવ કહેતીતી કે દરરોજનું અપ-ડાઉન કરવું પડે છે, આ હાલાકી ભોગવવી પડે છે, ધક્કા ખાવા પડે છે ને અને જ્યારે ૨ મહિનાની ટ્રેનિંગ પૂરી થઈ તો મેડમ સામેથી મૅનેજમેન્ટ પાસે જઈને એક મહિનાની વધારાની ટ્રેનિંગ માગી આવી! ટ્રેનિંગ તો ક્યારની પૂરી થઈ ગઈ હતી… તેમ છતાં દરરોજ અમદાવાદથી રાણપુર અપ-ડાઉન કરતી અને એમાં જ બીમાર પડી!આ સાંભળતા જ પોતાના વિચારોમાં ખોવાયેલો મથુર ચમક્યો. શું? મેડમે સામેથી ૧ મહિનો ટ્રેનિંગ લંબાવી? કેમ? તેને શિખાના શબ્દો યાદ આવ્યા. જ્યારે કોઈની સાથે કોઈ પણ કામ વિના બેસી રહેવાનું મન થાય, તેને દરરોજ જોવાનું, તેને દરરોજ મળવાનું મન થાય, તેની સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનું મન થાય… એને પ્રેમ કહેવાય અને એવું તે વ્યક્તિને થાય તો સમજી લેવાનું કે તે તમને પ્રેમ કરે છે.મથુરના શરીરમાં વીણા, સિતાર, વાંસળી, મૃદંગ, મંજીરા બધા જ વાજિંત્રો એક સાથે વાગવા માંડ્યાં. તે ઊછળી પડ્યો. તેને તેનો જવાબ મળી ગયો. તે હરખઘેલો થઈને દોડ્યો. સારિકાને આશ્ચર્ય થયું. તેણે બૂમ પાડી, ‘અરે, બોર બોય, શું થયું? ક્યાં ભાગ્યો? તારા પૈસા તો લેતો જામથુર ખુશીમાં, હરખમાં પાછળ ફર્યો, ચમકતી આંખોમાં ઉલ્લાસ અને પ્રેમનો ધોધ વરસાવતો બોલ્યો, ‘સારિકાબેન, એ રૂપિયા હવે અમદાવાદ આપજો. મેડમને કહેજો, હું અમદાવાદ આવું છું, કૉલેજ કરવા!‘ 

સારિકા તેને જોતી રહી, ‘આ પણ પાગલ છે!સારિકા મોંમાંથી બોરનો ઠળિયો કાઢીને ફેંકવા ગઈ, પણ અચાનક અટકી ગઈ, ‘એવું તે શું છે આ બોર અને આ ઠળિયામાં કે શિખાએ આ ઠળિયાનો સંગ્રહ કરીને રાખ્યો છે! જાણે ઠળિયા નહીં, કોઈ માણસ હોય! આ ઠળિયા મેં ફેંક્યા તો શિખાળી મને ફેંકી દેશે.તે પણ ઠળિયા પોતાની થેલીમાં નાખવા લાગી…! 

 

——————————–.

Maharshi Shukla

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago