પ્રજાસત્તાક દિન: રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી દિલ્હીની સરહદો સીલ

નવી દિલ્હી: આવતી કાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનારી પરેડ માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રજાસત્તાક દિન સમારોહ પર ઝળુંબી રહેલા ત્રાસવાદી ખતરાને લઈને આજે રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી દિલ્હીની સરહદો સીલ થઈ જશે. કોઈ પણ મોટા અને કોમર્શિયલ વાહનોને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એ જ રીતે પ્રજાસત્તાક દિનની પરેડ દરમિયાન નવી દિલ્હી અને મધ્ય દિલ્હીના અનેક માર્ગો પર કોઈ પણ વાહન પ્રવેશ કરી શકશે નહીં. કેન્દ્રીય સચિવાલય, પટેલ ચોક, રેસકોર્સ, ઉદ્યોગ ભવન સહિત કેટલાક મેટ્રો સ્ટેશન પર પરેડ દરમિયાન પ્રવેશ અને નિર્ગમન પર પ્રતિબંધ રહેશે.

પ્રજાસત્તાક દિને સવારે ૯.૦૦ વાગ્યે પરેડ શરૂ થઈ જશે જે લાલ કિલ્લા મેદાન સુધી પહોંચશે. ટ્રાફિક પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર શરદ અગ્રવાલે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસના ૫,૦૦૦થી વધુ જવાનો પરેડ માર્ગ પર તહેનાત રહેશે. સોમવારે રાત્રે ૧૧.૦૦ વાગ્યથી પ્રજાસત્તાક દિન સુધીની સમાપ્તિ સુધી દિલ્હીના મોટા ભાગના માર્ગો વાહન માટે પ્રતિબંધિત રહેશે. માત્ર સ્થાનિક લોકો વાહનો અને વીવીઆઈપી લોકોના સ્ટિકર લગાડેલાં વાહનોને પ્રવેશ આપવામાં આવશે. સવારે ૬.૦૦ વાગ્યા બાદ ટેક્સીને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.

રુદ્ર હેલિકોપ્ટરનું ડેબ્યૂ
પરેડ દરમિયાન સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર રુદ્ર પ્રથમ વાર ડેબ્યૂ કરશે. સંરક્ષણ મંત્રાલયની માલિકી ધરાવતા હિન્દુસ્તાન એરોનોટોકિસ લિમિટેડ દ્વારા નિર્મિત આ હેલિકોપ્ટરનો ફેબ્રુઆરી ૨૦૧૩થી ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી તેને રાજપથ પર પ્રદર્શિત કરાયું ન હતું.

You might also like