બોપલવાસીઓએ હજુ મહિનો હાડમારી સહન કરવી પડશે

અમદાવાદ: સરદાર પટેલ રિંગરોડ પર બની રહેલા બોપલ ફલાય ઓવર અને જંક્શન શરૂ થવાની રાહ જોઇ રહેલા બોપલવાસીઓએ હજુ વધુ એક મહિનાની રાહ જોવી પડશે. બોપલ-ઘુમાના રહીશો બોપલ જંક્શન ખૂલે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

ટ્રાફિકની ગીચ સમસ્યાની વચ્ચે નાગરિકોએ અમદાવાદ શહેરથી બોપલ-ઘુમા વગેરે જવા-આવવા વધુ બે કિલોમીટરનું અંતર કાપવું પડે છે. બ્રિજની કામગીરી હજુ પણ અધૂરી હોઇ બ્રિજ કાર્યરત થતાં મહિનો લાગશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. પ ઓગસ્ટ, ર૦૧૪એ બ્રિજની કામગીરી શરૂ કરાઇ હતી. ૯૪.પ૧ કરોડના ખર્ચે તૈયાર થનારા બ્રિજની અવ‌િધ ૩૦ મહિનાની નિયત કરાઇ હતી. ૧૪૧પ મીટર લંબાઇ ધરાવતા બ્રિજનું કામ ૪ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે તેવું જાહેર કરાયું હતું, પરંતુ હજુ પણ ધીમી ગતિની કામગીરીના કારણે એપ્રિલ મહિનાની મુદત વધારવા છતાં બોપલવાસીઓને ૧ મહિનો વધુ ટ્રાફિકની હાડમારી સહન કરવી પડશે, કારણ કે મેના અંત સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે. ૧૪૧પ મીટર લાંબો બોપલ ફલાય ઓવર ૬ લેનની ર૭ મીટરની પહોળાઇ ધરાવે છે. બ્રિજની બંને તરફ ૧૦ મીટરનો સર્વિસ રોડ બની રહ્યો છે.

ઔડા ઓથોરિટી દ્વારા બની રહેલા આ રોડની કામગીરી હજુ થોડા પ્રમાણમાં બાકી હોવાથી થોડો સમય તેને પૂર્ણ કરતાં લાગશે તેવું ઔડાનાં સૂત્રોએ જણાવ્યું હતું. બ્રિજ પૂરો થતાં જ હાલમાં ડાઇવર્ઝન છે ત્યાં ટ્રાફિક પોઇન્ટ પણ બનાવવાની કામગીરી તંત્રએ ઝડપભેર કરવી પડશે. સાઉથ બોપલ કે શેલા તરફ જતો ટ્રાફિક ડાઇવર્ટ કરવા બ્રિજના છેડે ટ્રાફિક સર્કલ બનાવવું પડશે, જેની કામગીરી પણ બાકી છે.

આ અંગે ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ માસના અંત સુધીમાં બ્રિજ તૈયાર થવાની શક્યતા છે. તેથી ૧પ જૂન આસપાસ તેનું લોકાર્પણ થાય તે દિશામાં પ્રયત્ન થઇ રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like