રૂ. ૯૪ કરોડના ખર્ચે બનેલા બોપલ ઓવર બ્રિજમાં પહેલા વરસાદમાં જ ખાડા પડી ગયા

અમદાવાદ: તાજેતરમાં શહેરમાં પડેલા ધોધમાર વરસાદે ૯૪.પ૧ કરોડના ખર્ચે બનેલા બોપલ ફલાય ઓવરબ્રિજની નબળી કામગીરીના મુદ્દે તંત્રની પોલ ખોલી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે હજુ તો ગણતરીના ૧૪ દિવસ પહેલાં જ લોકાર્પણ થયેલા આ બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને છેવટે તંત્રને બ્રિજની એક તરફ વાહનચાલકોની સલામતીના ભાગરૂપે ફરજિયાતપણે બેરીકેડ મૂકીને ટ્રાફિક બંધ કરવાની ફરજ પડી છે.

૧૪ દિવસ પહેલાં જ બોપલ ફલાય ઓવરબ્રિજનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થયું હતું. સરદાર પટેલ ‌િરંગરોડ પરના સૌથી મોટા એવા ૧.૪ કિલોમીટર લાંબા બોપલ ઓવરબ્રિજ માટે ૯૪.પ૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી તેના નિયત સમય કરતાં મોડી ચાલી રહી હતી. જાન્યુઆરી-ર૦૧૭ના અંતમાં બ્રિજ ચાલુ કરી દેવાનો હતો. છેલ્લે ચૂંટણી નજીક આવતાં ઝડપી લાેકાર્પણ કરવાની લહાયમાં કોન્ટ્રાક્ટરે આડેધડ રોડ સરફેસની કામગીરી ઉતાવળમાં કરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

અમદાવાદનો હજુ સુધીનો આ સૌથી લાંબો ફલાય ઓવરબ્રિજ છે. બ્રિજનું કામ ર૦૧૪ના વર્ષમાં ઔડા દ્વારા સોંપવામાં આવ્યું હતું. જેને પૂરું કરવાનો ટાર્ગેટ જાન્યુઆરી-ર૦૧૭ હતો. પરંતુ ચાર મહિના જેટલો વધુ સમય બ્રિજ પૂરો કરવામાં લાગ્યો હતો.

ઉદ્ઘાટનના નિયત સમય પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા રાત દિવસ યુદ્ધને ધોરણે બ્રિજની બંને તરફના સર્વિસ રોડ અને ફ્લાય ઓવર પર રિસરફેસની કામગીરી ચાલી હતી.
http://sambhaavnews.com/

You might also like