બોપલ-ઘુમા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય

અમદાવાદ: વર્ષ ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજની જિલ્લા અમદાવાદની ૩ સહિતની ૫૬ નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોનો ટ્રેન્ડ અા લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ કરતા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. જાહેર થયેલાં અત્યાર સુધીનાં કુલ પરિણામોમાં જાહેર થયેલી બેઠકોમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૧ બેઠક ભાજપના ફાળે અને ૧૨૪ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. એકંદરે અત્યાર સુધી જાહેર થયેલાં પરિણામોમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે. સાથેસાથે કોંગ્રેસ પક્ષ પણ બરાબરની ટક્કર આપી રહ્યો છે.

કડી, કેશોદ, સચીન, પાદરા, ઊંઝા, અંજાર, અંકલેશ્વર, કલોલ, કડી, મહેસાણા વગેરે નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ સાથે ચાલી રહ્યા છે. અમદાવાદ જિલ્લાની વિરમગામ પાલિકામાં હાર્દિકના ગઢ સમાન નિવાસસ્થાન વોર્ડ નં. ૨માં ભાજપની પેનલે વિજય મેળવ્યો છે તો બીજી તરફ પહેલી વખત ચૂંટણી લડી રહેલી બોપલ અને ઘુમામાં પણ વિજયનો ટ્રેન્ડ ભાજપ તરફ જઇ રહ્યો છે.
જ્યારે ધોળકામાં અત્યાર સુધી જાહેર થયેલાં પરિણામમાં કોંગ્રેસ આગળ છે.

નગરપાલિકાની કુલ ૨૦૮૮ બેઠકોમાં ભાજપ ૩૫૯ અને કોંગ્રેસ ૨૮૪ તેમજ ૫૭ બેઠક પર અન્ય વિજયી થઇ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનું અંતર અા લખાય છે ત્યાં સુધી પણ કાંટે કી ટક્કરની જેમ આગળ વધી રહ્યું છે. મત ગણતરીનાં સ્થળોઅે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અા વર્ષે કુલ ૧.૦૩ ટકા વધુ મતદાન સાથે ૬૧.૯૭ ટકા મતદાન થયું હતું.

અમદાવાદ જિલ્લાની બોપલ ઘુમા નગરપાલિકાની અા પહેલી ચૂંટણી હોઈને લોકોનાં ટોળેટોળાં પરિણામોની ઉત્કંઠાઅે રસ્તા ઉપર ઊતરી અાવ્યાં હતાં.
પાટીદાર અનામત આંદોલન વચ્ચે અનેક અટકળો અને પાસના ઉમેદવારો સહિત પટેલોના વિરોધની આશંકાએ ભાજપ માટે જીતવા માટે કપરાં ચઢાણ હોવાનું ચર્ચાઇ રહ્યું હતું, પરંતુ અનેક પ્રકારના વિરોધ વંટોળ વચ્ચે ભાજપ ધીરે ધીરે વિજય પર મજબૂત પકડ જમાવતું જોવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની કુલ ૫૬ નગરપાલિકા પૈકી ગત ટર્મમાં ૪૭ ન.પા.માં ભાજપ અને ૯ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. ભાજપની શાખ ગત ચૂંટણીની જેમ જળવાઇ રહેશે કે કેમ તે મુદ્દે અનેક લોકોના મનમાં પ્રશ્ન ઘોળાઇ રહ્યો હતો. ખુદ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ પરિસ્થિતિ અનિર્ણિત અને અસ્પષ્ટ હોવાના મુદ્દે ચૂપ રહ્યા હતા.

એક તરફ નારાજ પાટીદારો મતદારયાદીમાંથી નામો ગુમ થઇ જવાની ફરિયાદો અને સ્થાનિક સમસ્યાના મુદ્દે સત્તાના તાજ અંગેનો નિર્ણય પ્રજાએ હાલમાં ભાજપની તરફેણમાં લીધો છે.

અમદાવાદ જિલ્લાની કુલ નગરપાલિકા વીરમગામ, ધોળકા અને બોપલ ઘુમામાં ૧૦૮ બેઠક માટે કુલ ૮,૦૩,૧૧૮ મતદારો હતા. નવ માસ પૂર્વે જ બોપલ ઘુમાને નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

You might also like