બોપલ-ઘુમા-શેલાના રહીશોને અાખરે ખાળકૂવાથી મુક્તિ મળશે

અમદાવાદ: મેગા સિટી અમદાવાદને સાવ અડીને આવેલા બોપલ, ઘુમા અને શેલાનો વિકાસ કૂદકે અને ભૂસકે થઇ રહ્યો છે. બોપલ, ઘુમા અને શેલા એક પ્રકારે અમદાવાદના આંતરિક હિસ્સા જ છે. ફક્ત વહીવટી દૃષ્ટિએ તેનો શહેરમાં સમાવેશ થતો નથી એટલે આંતર માળખાકીય સુવિધાઓના મામલે અહીં ખાસ પ્રગતિ થઇ નથી, જેના કારણે ગટરના ગંદા પાણીના નિકાલ માટે ખાળકૂવા અસ્તિત્વમાં છે, જોકે ઔડાના સત્તાવાળાઓ દ્વારા સિસ્ટેમેટિક ગટરલાઇનને લઇ હાથ ધરાયેલ કવાયતને જોતાં આગામી દિવસોમાં બોપલ, ઘુમા અને શેલાની આશરે ર.રપ લાખની વસ્તીને ખાળકૂવાથી મુક્તિ મળવાની છે.

છેક ર૦૦૯માં બોપલ ગ્રામ પંચાયત વખતે સ્વભંડોળમાંથી ગામતળ વિસ્તારમાં નાની ગટરલાઇન નખાઇ હતી, જેમાં પ્રારંભથી અનેક ટેકનિકલ પ્રોબ્લેમ હોઇ વારંવાર ગટરનાં પાણી બેક મારતાં હોઇ સ્થાનિક લોકો માટે આફતરૂપ જ બની છે, પરંતુ ઔડાએ ગામતળ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામને હાથ ધર્યું છે. ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રૂ.૪.પર કરોડના કામને ગત એપ્રિલ-ર૦૧૭માં વહીવટી મંજૂરી અપાઇ ગઇ છે.

આ અંગે ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ વધુમાં કહે છે, બોપલ ટીપી સ્કીમ ૧, ર, ૩ હેઠળની પ૭પ.૧૬ હેક્ટર જમીન પૈકી બોપલ ગામતળનો સમાવેશ ટીપી સ્કીમ-બેમાં થતો હોઇ તેનો વિસ્તાર ૭.૪૮ હેક્ટર જમીનનો છે. વર્ષ ર૦૧૧ની વસતીગણતરી મુજબ બોપલની વસતી ૯૪,૯૦ર છે, જેમાં બોપલ ગામતળની વસ્તી છ હજારની હોઇ વર્ષ ર૦૪પની વસતીગણતરીને જોતાં આ વસતી ૭,૮૪૬ થવાની હોઇ તે સમયના ૧.૦૬ એમએલડી ગટરનાં પાણીના નિકાલને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ ગટરલાઇનની લંબાઇ ૯પ૪૦ મીટરની રહેશે.

જ્યારે ઘુમા નગરપા‌િલકા વિસ્તારના ગામતળને પ્રથમ વખત ગટર લાઇનની સુવિધા મળવાની છે. ઘુમા ગામતળ માટે રૂ.૮.૮૪ કરોડનો પ્રોજેકટ તૈયાર કરાયો છે. ઘુમા ટી.પી. સ્કીમ ૧, ર, ૩ હેઠળ ઘુમા ગામતળનો વિસ્તાર ૧૧.૦૯ હેકટરનો છે. વર્ષ ર૦૧૧ની વસ્તીગણતરી મુજબ ઘુમા વસ્તી અંદાજે ૧પ,૪રર હોઇ ગામતળની વસ્તી ૮,પ૦૦ની છે. જે વર્ષ ર૦૪પમાં ૧૧૧૧પ થવાની હોઇ તે સમયની ૧.૬ર એમએલડી ગટરનાં પાણીના નિકાલની વ્યવસ્થાને આ પ્રોજેક્ટ હેઠળ ધ્યાનમાં
રખાઇ છે.
બોપલ-ઘુમા નગરપા‌િલકાના ચીફ ઓફિસર હેમંત પટેલ કહે છે, ઘુમા ગામતળમાં અંદાજે ૪૦૦થી પ૦૦ ખાળકૂવા હોઇ શકે છે, પરંતુ સ્થાનિક રહીશોને ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ પહેલી વખત ઔડા દ્વારા નખાનારી ડ્રેનેજ લાઇનનો લાભ મળશે. સમગ્ર ઘુમા અને શેલાનો ડ્રેનેજ પ્રોજેક્ટ પણ તૈયાર થયો છે.

ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ આ અંગે વધુ માહિતી આપતાં કહે છે ઘુમા અને શેલા વિસ્તારની આશરે ર૧૧૮૭પની વસ્તીને આવરી લેતી ૩પ કિ.મી.થી વધુની લંબાઇનું ડ્રેનેજ નેટવર્ક બિછાવવા રૂ.૧૪.ર૬ કરોડના ટેન્ડરને મંજૂરી અપાઇ છે. આગામી તા.૧ ઓક્ટોબરથી આ કામગીરીનો આરંભ થઇને તા.૩૧ ‌ડિસેમ્બર, ર૦૧૮માં તેને પૂર્ણ કરાશે. આશરે ૭૧.૧૯ એમએલડી ગટરનાં પાણીની ક્ષમતાને ધ્યાનમાં રખાય છે. ઔડાના આ ત્રણેય પ્રોજેક્ટ હેઠળ આગામી દિવસોમાં અંદાજે રૂ.ર૮ કરોડના ખર્ચે કુલ પ૧.૮ર કિ.મી. લાંબી ડ્રેનેજ લાઇન નખાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઔડા વિસ્તારના ઘુમા ટીપી સ્કીમ નં.૩ અને શેલા ટીપી સ્કીમ નં.૧નો ડ્રાફટ વર્ષ ર૦૧૬માં જાહેર કરાયો હતો. આ પ્રોજેક્ટથી દિન-પ્રતિદિન વિક‌િસત થતા ઘુમા નગરપા‌િલકા અને શેલા ગ્રામ પંચાયત વિસ્તારમાં ડ્રેનેજ માળખાગત સુવિધા ઉપલબ્ધ થશે.
http://sambhaavnews.com/

You might also like