બોપલ-ઘુમામાં એમટીએસ બસ પર કાપ મુકાતાં રહીશો પરેશાન

અમદાવાદ: એએમટીએસ દ્વારા બોપલ, ઘુમા અને સાણંદ સુધીની બસ દોડવામાં આવી રહી છે, પણ છેલ્લા કેટલાય સમયથી આ રૂટની બસ પર કાપ મુકાતાં સ્કૂલ જતાં બાળકો તથા મધ્યમવર્ગના લોકો, ખેડૂત, નોકરિયાતોને જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હજારોની સંખ્યામાં બોપલ-ઘુમા અને સાણંદથી લોકો રોજબરોજ એએમટીબસમાં મુસાફરી કરે છે અને આ રૂટ પર એમટીએસ બસો રાબેતા મુજબ દોડતી હોય છે અને આ રૂટ પર એમએમટીએસની 138/1, જે સાણંદથી ઇસ્કોન, 49 ગોધાવીથી આદિનાથનગર, 151/3 હાટકેશ્વરથી ગોધાવીની બસ કોર્પોરેશન દ્વારા પહેલાંથી જ દોડાવાતી હતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ બસ પર કોર્પોરેશને કાપ મૂકી દીધો છે અને રૂટ પણ બદલી દીધા છે, જેમ કે 49 નંબર બસ ઈસ્કોનથી આદિનાથનગર કરી દીધી છે અને 138/1 અને 151/3ની બસ પણ સમયસર આવતી નથી.

કોર્પોરેશને બોપલથી ઘુમા બીઆરટીએસ સેવા ચાલુ કરી છે તેમાં બેસીને લોકો જાય તે માટે બસ પર કાપ મૂક્યો છે તેવું સ્થાનિકોનું કહેવું છે, પરંતુ બીઆરટીએસમાં પાસ નથી ચાલતા, બોપલ અને ઘુમામાં મધ્યમવર્ગના લોકો નોકરી કરે છે અને સ્કૂલનાં બાળકો પાસે મોટા ભાગે એમએમટીએસના બસ પાસ હોય છે, પરંતુ સમયસર બસ ન આવવાના કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

આ અંગે એએમટીએસ બસના ચેરમેન ચંદ્રકાંત દવેએ જણાવ્યું કે બોપલ-ઘૂમાના રહીશોએ અમને રજૂઆત કરી છે. થોડા સમયમાં વધુ બસો ફાળવવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like