વ્યાજખોરોનાં ત્રાસથી બોપલનાં જમીન દલાલે આપઘાત કર્યો

અમદાવાદ: રંગીલા રાજકોટ બાદ વ્યાજખોરોનો ત્રાસ અમદાવાદમાં વધી રહ્યા છે. વ્યાજે પૈસા આપી વ્યાજનાં ચક્કરમાં માણસને ફસાવતાં વ્યાજખોરોને પોલીસ પણ બચાવી વ્યાજનાં ધંધાને પ્રોત્સાહન આપી રહી છે. વ્યાજખોરોનાં ત્રાસનાં કારણે આજે બોપલ વિસ્તારનાં એક જમીન દલાલે પોતાની જિંદગી ગુમાવી દીધી છે.

બોપલ વિસ્તારમાં રહેતાં અને જમીનની દલાલીનું કામકાજ કરતાં હિરેન પ્રભુદાસભાઈ બ્રહ્મભટ્ટ (ઊં.વ. ૪૫)એ વહેલી સવારે આંબલી-બોપલ રોડ પર આવેલા ફાટક નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. તેઓ અંતિમ ચિઠ્ઠીમાં ‘હું દેવું ચૂકવી શકુ તેમ નથી’ તેમ લખ્યું હતું અને ૪ થી વધુ વ્યક્તિઓનાં ત્રાસના કારણે તેઓએ આપઘાત કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બોપલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંબલી રેલ્વે સ્ટેશનનાં સ્ટેશન માસ્તરે ગઈકાલે વહેલી સવારે ૬-૩૦ ની આસપાસ જાણ કરી હતી કે ડીપીએસ સ્કૂલનાં ફાટક નજીક એક વ્યક્તિએ ટ્રેન નીચે પડતુ મૂકી આપઘાત કર્યો છે. જેથી બોપલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસ તપાસમાં મૃતકનું નામ હિરેન પ્રભુદાસભાઈ બ્રહ્મભટ્ટ (ઉં.વ. ૪૫, રહે. ૪૦૧, ૪૦૨ ગાર્ડન રેસિડન્સી, સાઉથ બોપલ) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક હિરેનભાઈ જમીનની લે-વેચનું કામ કાજ કરતાં હતાં. તેઓનાં માથે પૈસાનું દેવું હતું. તેઓ પાસેથી પોલીસે ત્રણેક પાનાની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી જેમાં તેઓએ ૪ થી વધુ વ્યક્તિનાં નામ લખ્યાં હતાં અને તેઓનાં ત્રાસનાં લીધે આત્મહત્યા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પહેલાં નીચા વ્યાજમાં પૈસા આપ્યા બાદ વ્યાજનો દર ઊંચો કરી દીધો હતો જેથી સતત વ્યાજખોરોની માંગણીને લઈ તેઓએ આત્મહત્યા કરી લીધી હતી.

બોપલ પોલીસ સ્ટેશનનાં પીઆઈ સોઢાએ જણાવ્યું હતું કે હિરેનભાઈ જમીન દલાલીનો વ્યવસાય કરતાં હતાં અને તેઓની પાસેથી મળેલી ચીઠ્ઠીમાં તેઓ દેવું નહી ચૂકવી શકે’ તેવું લખ્યું હતું તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે અંતિમ ચીઠ્ઠીમાં શું લખ્યું છે તે બાબતે જણાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

અંતિમ ચીઠ્ઠીમાં કોના કારણે અને કોના નામ લખ્યાં છે તે બાબતે પણ તેઓએ તપાસના બહાને નામ આપી દેવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસ આવા વ્યાજખોરોને નામ નહી આપી છાવરી રહી હોવાનું જણાઈ આવે છે. ઉપરાંત કોઈ રાજકીય વ્યક્તિનું નામ પણ તેઓએ ચીટ્ઠીમાં લખ્યું છે કે કેમ તે બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે રાજકીય વ્યક્તિનું નામ છે અને તેમના પર આરોપ છે તો તેવા આક્ષેપો તો ન કરે.

બોપલ પોલીસે બનાવ સવારનો બન્યો હોવા છતાં આ બાબતે અકસ્માત મોત દાખલ કરવામાં વિલંબ કર્યો હતો. પોલીસ અંતિમ ચીઠ્ઠીમાં લખેલા નામો અંગે ફોડ પાડવા તૈયાર ન હોઈ પોલીસ આરોપીઓને છાવરી રહી હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવે છે. હાલમાં બોપલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like