બોપલમાં મકાન ખાલી કરાવવા ૪૦ લોકોના ટોળાનો હુમલો

અમદાવાદ: બોપલ વિસ્તારમાં આવેલી રાજવી શેફાયર સોસાયટીમાં મકાન ખાલી કરાવવા બાબતે ૪૦ જેટલા શખસોના ટોળાએ લાકડીઓ અને છરી જેવાં હથિયારો વડે હુમલો કર્યો હતો. રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ યુવકને આપવામાં આવી હતી.

બોપલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સાઉથ બોપલના ગાલા જિમખાના રોડ પર આવેલી રાજવી શેફાયર સોસાયટીમાં હિમ્સ નવીનચંદ્ર મોઢા રહે છે. ગઇ કાલે રાત્રે તેઓ પોતાના ઘેર હાજર હતા ત્યારે બિરેન્દ્ર એ. સુત‌િરયા અને ૪૦ જેટલા શખસો તેમના ઘરે આવ્યા હતા. બિરેન્દ્રએ વેચેલા મકાનને ખાલી કરાવવા બાબતે બોલાચાલી કરી ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી અને લાકડી વડે માર માર્યો હતો.રિવોલ્વર અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર મકાનના વિવાદને લઇ આ હુમલો કરાયો હતો. ટોળાએ ઘરમાં તોડફોડ કરી રૂ.૬૦ હજારના બે આઇ ફોન અને લાઇસન્સવાળી રિવોલ્વર રૂ.૮૦,૦૦૦ની ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગેની જાણ બોપલ પોલીસને કરાતા બોપલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ અંગે હિમ્સે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા બોપલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like