તમારે અહીં રહેવાનું નહીંં તેમ કહીને બુટલેગરે યુવક પર ચપ્પાના ઘા ઝીંક્યા

અમદાવાદઃ મેઘાણીનગરમાં આવેલ સ્લમ ક્વાટર્સમાં રહેતા એક બુટલેગર અને તેના સાગરીતો જૂની અદાવતમાં એક યુવક પર ચપ્પા વડે હુમલો કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

મેઘાણીનગરના સ્લમ ક્વાટર્સમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા નારણભાઇ જાલુભાઇ પટણીએ મેધાણીનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. શનિવારે સાંજે નારણભાઇની તબિયત ખરાબ હોવાથી તેમનો ભત્રીજો દીપક પટણી તેમની ખબર કાઢવા માટે તેમજ રૂપિયા આપવા માટે આવ્યો હતો. તે સમયે સ્લમ ક્વાટર્સમાં રહેતો અને દારૂના ધંધામાં સંડોવાયેલો દશરથ ઉર્ફે ડચો મારવાડી નારણભાઇના ઘરે આવ્યો હતો અને તું કેમ અહીં આવ્યો છે તેવું કહીને દીપકને ઘરની બહાર લઇ ગયો હતો. જૂની અદાવતને ધ્યાનમાં રાખીને દશરથે દીપક સાથે ઝઘડો કર્યો હતો અને તમારે લોકોને અહીં રહેવાનું નહીં ઘર ખાલી કરીને જતા રહો તેમ કહીને બીભસ્ત ગાળો બોલ્યો હતો.

દીપકે દશરથને ગાળો બોલાવાની ના પાડતાં તે ઉશ્કેરાયો હતો અને દીપક પર હુમલો કર્યો હતો. દરમિયાનમાં દશરથના મિત્ર અજય ઉર્ફે બાબો મારવાડી, અરુણ પ્રહલાદભાઇ અને દીપક જવાનજી ઠાકોર ઘટના સ્થળ પર આવી ગયા હતા અને દીપકને ઉપરાછાપરી ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરી હતી. આ હિંસક ઘટનામાં સ્થાનિકો ભેગા થઇ જતા ચારેય યુવકો ફરાર થઇ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત દીપકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ચારેય યુવકો વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like