અમરાઇવાડીમાં બુટલેગરનો અાતંક વેપારીના ઘર પર હુમલો કર્યો

અમદાવાદ: અમરાઇવાડી વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે બુટલેગર અને તેના સાગરીતોએ એક વેપારીના પરિવાર પર હુમલો કરીને તોડફોડ મચાવીને ખુરશીઓ સળગાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ હિંસક ઘટના બાદ ડીસીપી સહિતનો કાફલો મોડી રાતે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આતંક મચાવનાર ચાર શખ્સો વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરાઇવાડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની બાજુમાં મનીશા કાર્ટિંગ અને મનીશ કાર્ટિંગ નામથી રેતી અને ઇંટો વેચતા જશુભાઇ ઓડ અને તેમના બહેન ગજરાબહેન પવારના પરિવાર પર લુખ્ખા તત્વોએ મોડી રાતે હુમલો કર્યો છે. અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અશોક મારવાડી, અર્જુન સોની, હિતેશ અને વિકાસ નામના ચાર શખ્સોએ ગજરાબહેનના પરિવાર પર હુમલો કરીને તોડફોડ કરી હતી. અશોક અને અર્જુન બન્ને જણા પર દારૂ જુગારના અસંખ્ય કેસો થયેલા છે. બે દિવસ પહેલા દારૂ મામલે જશુભાઇ ઓડની અર્જુન અને અશોક સાથે માથાકુટ થઇ હતી.

જેની અદાવાત રાખીને મોડી રાતે અશોક, અર્જુન, હિતેશ અને વિકાસ લાકડી અને ધોકા લઇને આવ્યા હતા અને ગજરાબહેનના પુત્ર મહેશ અને કલ્પેશ પર હુમલો કર્યો હતો ત્યારે જશુભાઇ પર પણ હુમલો કર્યો હતો હુમલો કર્યા બાદ ચારેય શખ્સોએ તેમની ઘર પાસે મુકેલી ખુરશી સળગાવીને પાનના ગલ્લામાં તોડફોડ મચાવી હતી. ત્યારે હુમલા વખતે આરોપીઓએ સોનાની ચેઇન પણ લૂંટી લીધી હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલમાં થતા ડીસીપી, એસીપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઉશ્કેરાયેલા ટોળાને વેરવિખેર કરીને ૪ શખ્સો વિરુદ્ધમાં લુંટની ફરિયાદ દાખલ કરી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ચારેય શખ્સો લાકડા ગેંગ સાથે સંકળાયેલા હોય તેવી પણ ચર્ચા ઊઠી છે. હાલ તો પોલીસે સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને તપાસ શરૂ કરી છે.

You might also like