બુટલેગરનો નવતર કીમિયોઃ પાણીનાં ટેન્કરની અાડમાં વિદેશી દારૂની હેરાફેરી

અમદાવાદ: ગુજરાતમાં નશાબંધીના કાયદાનો કડક અમલ કરવામાં અાવતા બુટલેગરો યેનકેન પ્રકારને બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવા માટે નિતનવા કિમીયા અજમાવે છે. ગઈ મોડી રાતે થરાદ ચેકપોસ્ટ નજીકથી પોલીસે પાણીના ટેન્કરમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી એક શખસની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરી એક ટેન્કર થરાદ નજીક ખોડા ચેકપોસ્ટ પાસેથી પસાર થવાનો છે. અા બાતમીના અાધારે પોલીસે ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મોડી રાતે પાણીનું ટેન્કર પુરઝડપે ચેકપોસ્ટ પરથી પસાર થવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કરી ઝડપી લઈ ટેન્કરની તલાસી લેતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂની બોટલો ભરેલી સંખ્યાબંધ પેટીઓ મળી અાવી હતી.

પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ટેન્કર મળી અાશરે રૂપિયા દસ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાતના અંધારાનો લાભ લઈ ટેન્કરનો ચાલક લખમણ મેઘવાલ નાસી છૂટ્યો હતો. જ્યારે મનસુખ નાગજી નામના શખસને પોલીસે અાબાદ ઝડપી લઈ અા અંગે ગુનો દાખલ કરી અાગળની સઘન તપાસ શરૂ કરી છે.

You might also like