મંદ પડેલા અલંગના ઉદ્યોગને તેજીનો હાશકારો

ભાવનગર નજીકનું અલંગ ‘શિપ બ્રેકિંગ’ માટે જાણીતું છે. ભાવનગરના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન અલંગનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ છેલ્લાં થોડાં વર્ષોથી મંદીની ભીંસમાં હતો, પરંતુ ત્રણેક માસથી ફૂંકાયેલા તેજીના પવને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે. ગલ્ફ ઓફ ખંભાતના ખોળે પથરાયેલા આ શિપિંગ યાર્ડના સામ્રાજ્યે અનેક વાર પડતીનો સામનો કર્યો છે.

૨૦૧૪-૧૫ની કારમી મંદી પહેલાં અલંગને ૨૦૦૮ની મંદીનો ભયંકર ફટકો પડ્યો હતો. ઉતાર-ચઢાવ એ અર્થતંત્રનો ભાગ છે, પરંતુ અલંગની ગરિમા કાયમ માટે ઝબકારા મારતી રહી છે. દુનિયાભરના શિપયાર્ડમાં અલંગનું વિશેષ મહત્ત્વ હોવાનું કારણ તેનું ભૌગોલિક વાતાવરણ છે. ભૌગોલિક રીતે સમૃદ્ધ અલંગ પર સૌથી મોટો બોજ આકરા કરવેરા અને ડૉલર સામે નબળો પડી રહેલો રૂપિયો છે.

બે મહિનામાં ૧૦૦ જહાજનું આગમન
શિપ રિસાયકલિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર અલંગમાં ૨૦૧૧-૧૨માં ૪૧૪, ૨૦૧૨-૧૩માં ૩૯૪, ૨૦૧૩-૧૪માં ૨૯૮, ૨૦૧૪-૧૫માં ૨૭૫ જહાજો આવ્યાં હતાં. જો કે ૨૦૧૫નું વર્ષ કફોડી સ્થિતિમાં પસાર થયું હતું. એપ્રિલ,૨૦૧૫થી ડિસેમ્બર, ૨૦૧૫માં માત્ર ૧૦૯ શિપ જ આવ્યાં હતાં. શિપ બ્રેકિંગમાં થતાં ઘટાડાની અસર કામદારો અને ઉદ્યોગપતિ ઉપરાંત સરકારની તિજોરીને પણ થતી હોય છે.

૨૦૧૬નું વર્ષ અલંગ માટે શુકન લઈને આવ્યું છે. પોર્ટ ઓફિસર કેપ્ટન સુધીર ચઢ્ઢા કહે છે કે, “૨૦૧૫માં જેટલાં શિપ ભાંગવા માટે આવ્યાં હતાં એટલાં શિપ તો આ વર્ષના બે મહિનામાં આવી ગયાં છે. છેલ્લા બે મહિનામાં ૧૦૦ જેટલાં જહાજો ભાંગવા માટે આવ્યાં છે. લાંબાગાળાની મંદી પછી અલંગમાં તેજીનો પવન ફૂંકાયો છે. મંદીના સમયમાં માત્ર ૩૦ જેટલા પ્લોટ કાર્યરત હતા આજે ૯૮ જેટલા પ્લોટમાં શિપ ભાંગવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.”

પરપ્રાંતના મજૂરો અલંગ ભણી પરત
તેજીના સમાચાર ફેલાતાંની સાથે જ મંદીમાં વતન જતાં રહેલા મજૂરો અલંગ તરફ પરત ફર્યા છે. બે લાખથી વધુ લોકોની રોજીરોટી અલંગ સાથે જોડાયેલી છે. ઉદ્યોગકારોના કહેવા મુજબ અલંગમાં સૌથી વધારે મજૂરો ઉત્તરપ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાંથી આવે છે. તેજીના લીધે ફરી તેમનો ધમધમાટ જોવા મળે છે. માત્ર ઉદ્યોગપતિઓ જ નહીં પણ સ્થાનિક ટ્રાન્સપોર્ટરો, સ્થાનિક દુકાનદારો, લેબર કન્સલટન્ટ્સ સહિતના ધંધાદારીઓને તેજીનો લાભ મળે છે.

મંદીમાં એકમ ચલાવવો મોટો પડકાર
અલંગનો આ ઉદ્યોગ અંદાજે દસ હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે. મંદીમાં ઉદ્યોગપતિને તેનો એકમ ચલાવવો પડકાર બની જાય છે. અલંગ શિપ રિ-સાઈક્લિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સેક્રેટરી હરેશભાઈ પરમાર કહે છે, “હાલમાં જ્યાં કામ ચાલી રહ્યું છે તે ૨૦ કિમીના અલંગના દરિયાકિનારા પર જ્યાં નજર કરો ત્યાં શિપ લાંગરેલાં નજરે પડે છે. એક સમયે ખાલી લાગતું શિપયાર્ડ ફરી ધમધમતું થયું છે. વીસેક મહિનાની કારમી મંદી બાદ બે મહિનાથી તેજી જોવા મળી રહી છે. બે મહિનામાં જ ૧૦૦ જેટલાં જહાજો ભાંગવા માટે આવ્યાં છે. આ કામ ચારપાંચ મહિના ચાલશે એટલે આગામી સમય અલંગ માટે સારો રહેશે.”

રાજ્ય સરકારે અલંગ ઉદ્યોગ માટે ખાસ નીતિ જાહેર કરી તેની અસરો દેખાઈ છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી હોવાથી શિપના નિભાવ ખર્ચા માલિકોને પોસાય તેમ ન હોવાથી ભાંગવા માટે મોકલી રહ્યા છે. બીજું, કેન્દ્ર સરકારે એમઆઈપી ( મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈસ ) વધારતા આયાત થતો સ્ક્રેપ મોંઘો થયો તથા ચીનના સ્ટીલ માર્કેટમાં મંદી જેવાં કારણોથી અલંગના ઉદ્યોગને ફાયદો થયો છે. અલંગની સાથે શિહોરનો રોલિંગ મિલ ઉદ્યોગ પણ તેજીમાં આવ્યો છે. શિહોરના આ ઉદ્યોગમાં સ્ક્રેપમાંથી લોખંડના સળિયા તૈયાર થાય છે.

અલંગમાં મંદીનું મુખ્ય કારણ એક તરફ વળતર ઓછું અને બીજી તરફ જટિલ સરકારી પ્રક્રિયા હતી. આકરા ટેક્સ ભારણથી ઉદ્યોગકારોને બેવડો ફટકો પડતો હતો. આકરા કરબોજ અને લેબરને લગતા અનેક પ્રશ્નો વચ્ચે યુનિટ ચલાવવું મોટો પડકાર છે. જો કે સરકાર દ્વારા કરમાળખા અંગે સમિક્ષા માટે પ્રયાસ થઈ રહ્યાં છે.

અલંગ યાર્ડ સરકાર માટે કમાઉ દીકરો
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ સરકાર માટે કમાણીનો મોટો સ્ત્રોત છે. ૨૦૧૧-૧૨માં કસ્ટમ ડ્યૂટીના ભાગ રૂપે ૧૫૬૫ કરોડ રૂપિયા, ૨૦૧૨-૧૩માં ૧૬૫૬ કરોડ રૂપિયા મળ્યા હતા. ૨૦૧૩-૧૪માં જહાજોની સંખ્યા ઘટતાં સરકારને નુકસાન સહન કરવું પડ્યું હતું. જો કે અધિકારીઓ માને છે કે અધૂરો રહેલો ટાર્ગેટ આ વર્ષે પૂરો થવાની શક્યતા છે.

પર્યાવરણના કડક કાયદા
પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતમાં શિપ બ્રેકિંગ યાર્ડના નિયમો વધુ કડક બનાવાયા છે. શિપ બ્રોકરોને એટોમિક રેડિએશન ફ્રી સર્ટિફિકેટ, લેબર ઈન્સ્યોરન્સ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર સર્ટિફિકેટ, ગેસ ફ્રી ફોર મેન એન્ટ્રી સર્ટિફિકેટ, બીચ પરમિશન, વેસ્ટ ડિસ્પોઝલ યોગ્ય રીતે કરવા સહિતની અનેક પ્રકારની મંજૂરી લેવી પડે છે. અમુક જટિલ પ્રક્રિયાઓ આ ઉદ્યોગને કનડગત કરે છે.

કસ્ટમ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પ્રદૂષણ નિયત્રંણ બોર્ડ, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપ્લોઝિવ, સ્ટેટ લેબર ડિપાર્ટમેન્ટ, એટોમિક એનર્જી એન્ડ રેડિએશન બોર્ડ, મેરિટાઈમ બોર્ડ જેવી રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકની અનેક એજન્સીઓના કડક નિયમોનો અમલ કરવો પડે છે, જ્યારે તેના હરીફો પડોશી રાષ્ટ્રો બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શિપ બ્રોકરોને આવા કડક નિયમોનો સામનો કરવો પડતો નથી. આ દેશોમાં કાયદાઓની પ્રક્રિયા સરળ છે. સરકારે અલંગના ઉદ્યોગને આગળ વધારવા આ પ્રક્રિયા હજુ સરળ બનાવવી જોઈએ તેવી માગણીઓ થઈ રહી છે.

દેવેન્દ્ર જાની

You might also like