ધોરણ ૯ અને ૧૧ના પુસ્તકો નવા શૈક્ષણિક સત્રથી બદલાશે

અમદાવાદ: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૯ અને ૧૧ સામાન્ય પ્રવાહના પાઠ્યપુસ્તકો બદલવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. જેથી આગામી શૈક્ષણિક વર્ષથી ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ હવે નવો અભ્યાસક્રમ ધરાવતા પુસ્તકો ભણશે. વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૦૬ દરમિયાન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯થી ૧૨નો અભ્યાસક્રમ ક્રમશઃ બદલવામાં આવ્યો હતો. ૧૧ વર્ષ પછી ફરી ધો.૯ અને ૧૧નો અભ્યાસક્રમ બદલાઈ રહ્યો છે. આ અંગે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક પ્રમુખ ડો.નીતિન એમ.પેથાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ બોર્ડ દ્વારા નવો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે વિષય દીઠ ૫ સભ્યોની કમિટી નિમાઈ છે. મોટા ભાગે કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

આ માસના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પ્રિન્ટિંગની કામગીરી હાથ ધરાશે. નવા અભ્યાસક્રમમાં અંદાજે ૩૦થી ૫૦ ટકા જેટલા ફેરફારો વિષયવાર કરવામાં આવશે. ગણિત, સંસ્કૃત અને કમ્પ્યૂટર સિવાય તમામ વિષયોનો અભ્યાસક્રમ બદલાશે. જેમાં અર્થશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન, એકાઉન્ટ, સમાજવિદ્યા, ગુજરાતી, રાજ્યશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ભૂગોળ, મનોવિજ્ઞાન સહિતના વિષયોમાં ૩૦થી ૫૦ ટકા જેટલો ફેરફાર કરાયો છે.

કેટલાક પુસ્તકોમાં પાઠ બદલવામાં આવશે. જેમાં નવા સીમાંકન, ઈમ્પ્રૂવમેન્ટ, વ. મુદ્દા આવરી લેવાશે. ગુજરાતીમાં કાવ્યમાં કવિનો પરિચય કે તેમાં થયેલા ફેરફાર, નકશાઓ અને તેના સ્પષ્ટીકરણ અગાઉ ન સમાવી શકાય હોય અને પછી ફેરફાર થયા હોય તેવા તમામ મુદ્દા આવરી લેવાશે. નવા અભ્યાસક્રમમાં કરન્ટ સબ્જેક્ટ ઉપરાંત યોગ, ટ્રાફિકના નિયમોનું પાલન, જાગૃતિ, સ્વચ્છતા, સ્વાસ્થ્યપ્રદ બાબતો દૈનિક ક્રિયાનાં નોંંધાય તે રીતે વિષયો સાથે જોડવામાં આવશે. પુસ્તકોના ભાવ જ્યાં સુધી અભ્યાસક્રમ ન બદલાય ત્યાં સુધી એક જ કિંમત રહે તે પ્રમાણે ગણવામાં આવશે. નવા પુસ્તકોના ભાવ તેનું દળ અને ફર્મા આધારિત પ્રિન્ટિંગ ખર્ચ, કાગળનો ખર્ચ અન્ય ખર્ચ ગણીને જાહેર કરાશે.

You might also like