વાચક પાસે જતી પુસ્તકોની દુકાન

અમદાવાદમાં રહેતા અનેક લોકો માટે જૂના અમદાવાદમાં આવેલું અપના બજાર કોઈ અજાણી જગ્યા નથી. પ્રોપર્ટી ખરીદી હોય કે પછી સ્મોલ કૉઝ કોર્ટમાં કોઈ કામ હોય. નાનાંમોટાં વહીવટી કામ અને સરકારી કામ માટે સેંકડો લોકો ત્યાં રોજ આવે જાય છે. લોકો પોતાનાં કામકાજ પતાવીને ત્યાંથી નીકળી જાય છે. આ લોકોને ત્યાં નાના વેપારીઓ જરૂરિયાતની ચીજો પૂરી પાડે છે. પાણીની બોટલ હોય કે પછી નાસ્તો, ખભે થોડીઘણી વસ્તુઓ નાખીને નાના વેપારીઓ ત્યાં પણ ઘરાક શોધી કાઢે છે. અહીં આવો જ એક પુસ્તક વિક્રેતા છે, જિગર બુકવાળો.

અપના બજારમાં જિગર અનેક પુસ્તકો પોતાના બંને હાથમાં લઈ જહેમતપૂર્વક સાચવીને પેસેજમાં ઊભેલા લોકો પાસે જઈને પૂછે, “સાહેબ, બુક ખરીદશો?” અહીં સરકારી કામ અર્થે આવેલા લોકો પાસે સમય પસાર કરવા માટે બીજો કોઈ રસ્તો નથી હોતો.

આથી બુક્સના ટાઈટલ પર નજર નાખીને ઘણાં લોકો કોઈ બુક્સ ખરીદે પણ ખરા. જિગર કહે છે, “અહીં હું ઘણી બુક વેચું છું, પરંતુ દાદીમાના નુસખા અને પોઝિટિવ થિંકિગનાં પુસ્તકો સૌથી વધુ વેચાય છે. કોઈ ગ્રાહક-વાચક મારી પાસે ન હોય એવી બુક માગે તો હું કોઈ પણ રીતે બુક મેનેજ કરીને એમને એ પુસ્તક પહોંચાડવાની કોશિશ કરું. કેટલાંય લેખકોની બુક્સનાં ટાઈટલ અને એમના લેખો મને જિંદગી જીવવાની પ્રેરણા પૂરી પાડે છે.”

You might also like