કર્મનું બંધન

ભારતીય સંસ્કૃતિમાં કર્મને આધારભૂત માનવામાં આવ્યું છે. જેવું કરીએ તેવું ભરવું પડે. હસતાં હસતાં કરેલાં કર્મો રડતાં રડતાં પણ ભોગવવાં પડે છે. જે વ્યક્તિ જેવું કરે છે તેવું જ ભોગવે છે. આખી જિંદગી બાવળ વાવ્યાં હોય તો થોડાં વર્ષો પછી તેને કેરી નહીં, પણ બાવળની શૂળ જ મળે છે. જીવ કેવા રસથી, કેવી તીવ્રતાથી કેવા ભાવથી કર્મ બાંધે છે તે ઉપર કર્મ ઉદયમાં આવવાની અવધિ બંધાય છે. સામાન્ય રીતે આજે બાંધેલા કર્મો ઉદયમાં આવતા સેંકડો વર્ષ લાગતાં હોય છે. (અપવાદ સિવાય) જે પરિસ્થિતિમાં આપણે જન્મ્યા હોય તેમાં આપણાં કર્મોનો જ ભાગ હોય છે. આપણે કોઇ ભવમાં કોઇનાં અંગ ઉપાંગો છેદ્યાં હોય તો આપણો બીજો ભવ ખોડ ખાંપણવાળો થાય છે. અથવા પાછળથી આપણામાં ખોડખાંપણ આવે છે. કોઇની આપણે મશ્કરી, ઉપહાસ કર્યા હોય તો આપણી પરિસ્થિતિ પણ એવી જ થાય છે.

જે લોકો કૂડકપટમાં રાચતા હોય અન્ય લોકોને છેતરતાં હોય, દગો ફટકો કરતાં હોય, કોઇની રોજી-રોટી છીનવતાં હોય કે તેવી કોશિશ કરતાં હોય તેઓ તેવી જ પરિસ્થિતિમાં જે તે કર્મ બંધનો ઉદય થતાં આવી પડે છે. ક્રોધ, અભિમાન, માયા-કપટ, લોભ-મોહ આટલા મૂળભાવ છે. હાસ્ય, રતિ-ગમો, અરતિ-અણગમો, ભય-શોક, પુરુષ વેદ, સ્ત્રી વેદ, ઉભયવેદ, નપુંસકવેદ વગેરે ઉપરના મૂળ ભાવના સહાયક ભાવ છે. આ બધા ને કારણે આપણા શરીરમાં વિચાર આવે છે. તે પ્રમાણે આપણે ક્રિયા કે પ્રતિક્રિયા કરીએ છીએ. જે મન, વચન, કાયા દ્વારા થાય છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિને ‘યોગ’ કહે છે. આ યોગને કારણે કર્મ બનવાની યોગ્યતાવાળા પરમાણુઓ જીવ પોતાની તરફ ખેંચીને પોતાની સાથે ભેળવી દે છે. કેટલા વેગથી, કેટલા રસથી અને કેટલા પ્રમાણમાં જીવે છે.

આ કર્મ પરમાણુઓ ગ્રહણ કર્યા તેનાં આધારે કર્મના વિવિધ બંધ પડે છે. જીવ પોતાનાં જ કર્મનાં બંધથી હવે પછી ક્યાં જન્મ લેશે ? તે નકકી થાય છે. જીવની ગતિ તેનાં પોતાનાં કર્મોને આધિન છે. એટલું જ નહીં તેનો દેખાવ કેવો હશે ? તે સુંદર હશે કે કદરૂપો ? તે પણ તેનાં ભૂતકાળનાં કે ગત ભવનાં કર્મોને આધારે જ નક્કી થાય છે. જો તમને કોઇ પૈસાદારને ત્યાં સુંદર રૂપાળો ચહેરો ધરાવતા પુત્ર-પુત્રી, પત્ની જોવા મળે તો તે રૂપાળો ચહેરો ધરાવનાર ગત જન્મનો જ કોઇ પુણ્યશાળી આત્મા સમજી લેવો. તેમાં મીનમેખ ફેર ન સમજવો. એવી જ રીતે જો કોઇ પૈસાદારનાં ઘરમાં કદરૂપી વ્યક્તિ જુુઓ તો સમજી લેવાનું કે તેનાં પાપ તથા પુણ્ય સરખાં હશે, પરંતુ તેનાં પાપકર્મો તીવ્ર રસમાં ઘુંટાઇને ઉદયમાં આવ્યાં હશે. જેથી તેને આવી સાનકૂળ, પ્રતિકૂળ સ્થિતિ મળી.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like