સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આજે બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો

મુંબઇ: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઇકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. હાઇકોર્ટના ચુકાદા બાદ એ ખબર પડી જશે કે શકમંદ ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની અને સાગરીતનાં એન્કાઉન્ટર મામલામાં ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આરોપી છે કે નહીં.

સીબીઆઇના જણાવ્યા અનુસાર ર૦૦પ-૦૬માં બંને રાજ્યની પોલીસનાં નકલી એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસરબી અને તેના સાગરીત તુલસીરામ પ્રજાપતિનાં મોત થયાં હતાં. ગુજરાત પોલીસે એ વખતે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન શેખને આતંકવાદીઓ સાથે સાઠગાંઠ હતી.

ન્યાયમૂર્તિ એ.એમ.બદરનાં વડપણ હેઠળ ૧૬ જુલાઇએ હાઇકોર્ટની સિંગલ જજની બેન્ચ દ્વારા ગુજરાતની એક નીચલી અદાલત દ્વારા આ કેસમાં આરોપીઓને આરોપમુકત કરવા સામે પડકાર ફેંકનાર પાંચ રિવ્યુ પિટિશન પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

નીચલી અદાલતે ગુજરાતના આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન, ગુજરાત એટીએસના પૂર્વ વડા ડી.જી. વણજારા, ગુજરાતના પોલીસ અધિકારી એન.કે.અમીન, રાજસ્થાન કેડરના આઇપીએસ અધિકારી દિનેશ એમ.એન. અને રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપતસિંહ રાઠોડને દોષમુકત જાહેર કર્યા હતા.

ન્યાયમૂર્તિ એ.એમ.બદરે સોહરાબુદ્દીનના ભાઇ રબાબુદ્દીન અને સીબીઆઇ દ્વારા દાખલ પાંચ રિવ્યુ પિટિશન પર ૪ જુલાઇ બાદ નિયમિત સુનાવણી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસ ગુજરાતથી મુંબઇની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યાં ર૦૧૪થી ર૦૧૭ વચ્ચે ૩૮ લોકોમાંથી ૧પને દોષમુકત જાહેર કરાયા હતા.

You might also like