ભેદી પેકેટ મળતાં જર્મનીના ચાન્સેલર મર્કેલની ઓફિસ સીલ કરવામાં અાવી

બર્લિન: શકમંદ પેકેટ મળ્યા બાદ પોલીસે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલની ઓફિસને સીલ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શકમંદ પેકેટ મળ્યું ત્યારે ચાન્સેલર એન્જેલા મર્કેલના કેબિનેટના તમામ પ્રધાનો એક બેઠક યોજવા મળ્યા હતા.

સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે પોલીસે સેન્ટ્રલ બર્લિનમાં ચાન્સેલર ઓફિસની આસપાસ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો અને ત્યાર બાદ ચાન્સેલર એન્જેલા મર્કલે પોતાની નિયમિત બેઠકમાં ભાગ લીધો હતો.

સાક્ષીએ એવું પણ જણાવ્યું હતું કે, ઓફિસના પ્રવેશદ્વાર પર કોઈએ પીળા રંગનાં પ્લાસ્ટિકનાં ચાર પોસ્ટલ ક્રેટ છોડી દીધાં હતાં. જર્મનીની ફેડરલ પોલીસના પ્રવકતાએ આ અંગે જણાવ્યું હતું કે અમે આ રહસ્યમય પેકેટની તપાસ કરી રહ્યા છીએ. તેની તપાસ કરવા માટે અમે નિષ્ણાતોને બોલાવ્યા છે અને તેમની પ્રતીક્ષા કરી રહ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૦માં પોલીસને ગ્રીસથી મર્કેલના બર્લિન સ્થિત કાર્યાલયને મોકલવામાં આવેલ એક પેકેટ પ્રાપ્ત થયું હતું. જેમાં વિસ્ફટકો રાખવામાં આવ્યા હતા. પેરિસમાં ઈસ્લામિક સ્ટેટમાં આતંકી હુમલા બાદ જર્મની સહિત યુરોપ હાઈ એલર્ટ પર છે.

You might also like