એસજી હાઇવે પર કારનાં શોરૂમમાં બોમ્બની અફવાથી દોડધામ

અમદાવાદ : એસજી હાઇવે પર આવેલા ટોયોટાનાં શોરૂમમાં બોમ્બ મુકાયો હોવાનો નનામો ફોન આવ્યા બાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી. શોરૂમમાં બોમ્બનાં ફોન બાદ શોરૂમ સંચાલકે તમામ કર્મચારીઓને બહાર કાઢવાની સાથે પોલીસને જાણ કરી હતી. જેનાં પગલે પોલીસ અને ત્યાર બાદ બોમ્બ સ્કવોર્ડ આવી પહોંચી હતી. જો કે કોઇ શંકાસ્પદ વસ્તું નહી જણાતા તથા બોમ્બ સ્કવોર્ડની તપાસમાં કાંઇ પણ બહાર નહી આવતા તમામને હાશકારો થયો હતો.

શોરૂમનાં લેન્ડલાઇન પર ફોન આવ્યો હતો. જેમાં અજાણ્યા વ્યક્તિએ તમારા શો રૂમમાં બોમ્બ છે તેવી ધમકી આપી હતી. જેથી ટેલિફોન ઓપરેટરે મેનેજરને જાણ કરી હતી. આ ફોનને ગંભીરતાથી લેતા મેનેજરે તમામ કર્મચારીઓને બહાર કાઢવાની સાથે પોલીસ તથા માલિકને પણ જાણ કરી હતી. પોલીસ તરત જ ઘટનાં સ્થળે પહોંચીને આસપાસનાં લોકોને પણ દુર ખસેડીને સમગ્ર શોરૂમને કોર્ડન કરી લીધો હતો. ત્યાર બાદ બોમ્બ સ્કવોર્ડ દ્વારા આખા શોરૂમમાં તપાસ હાથ ધરાઇ હતી. જો કે કાંઇ મળી આવ્યું નહોતું.

હાલ તો શોરૂમનાં સંચાલક દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે હાલ પોલીસ તે મુદ્દે તપાસ કરી રહી છે કે શોરૂમ સંચાલકને નનામો ફોન કરવા પાછળ કોનો હાથ છે. અગાઉ કોઇ નોકરી કરી ચુકેલો અસંતોષી વ્યક્તિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ માની રહી છે. જો કે હાલ તો પોલીસે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

You might also like