ઢાકામાં ઈદની સૌથી મોટી નમાજમાં બ્લાસ્ટઃ પાંચનાં મોત, ૧૨થી વધુ ઘાયલ.1 આતંકી પકડાયો

ઢાકા: શુક્રવારે બાંગ્લાદેશના પાટનગર ઢાકાના ડિપ્લોમેટિક ઝોનમાં આવેલી એક મશહૂર રેસ્ટોરાંમાં ખોફનાક ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસએ ગળાં કાપીને ૨૦ કરતાં વધુ બંધકોની કરેલી હત્યાની ઘટનાના આઘાતમાંથી હજુ બાંગ્લાદેશ બહાર આવ્યું નથી ત્યાં આજે ઢાકાના કિશોરગંજ વિસ્તારમાં પવિત્ર ઈદના તહેવાર નિમિત્તે બાંગ્લાદેશના સૌથી મોટા ઈદ આયોજન સ્થળ શોલકિયા ઈદગાહમાં થયેલા પ્રચંડ બોમ્બ બ્લાસ્ટમાં બે પોલીસકર્મીઓ સહિત પાંચનાં મોત થયાના અને ૧૨થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. સુરક્ષાકર્મીએ એક હુમલા ખોરને જીવતો પકડી લીધો છે.

આજે ઢાકા ફરી બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઊઠતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આમ, માત્ર સાત દિવસની અંદર બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં આજે બીજો ખોફનાક આતંકી હુમલો થયો છે.

બ્લાસ્ટ વખતે હજારોની સંખ્યામાં ઈદની નમાજ માટે લોકો એકત્ર થયા હતા ત્યારે આ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલા બાદ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ જારી છે. અહેવાલો અનુસાર હુમલાખોરો નજીકની એક ઈમારતમાં છુપાયા છે અને પોલીસ સાથે તેમની અથડામણ હજુ જારી છે. પોલીસ અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ઈમારતની અંતર છુપાયેલા આતંકવાદીઓ થોડી થોડી વારે ફાયરિંગ કરી રહ્યા છે. સુરક્ષા દળોએ પણ મોરચો સંભાળી લીધો છે. બંને બાજુએથી ફાયરિંગ જારી છે. અહેવાલો અનુસાર સુરક્ષા દળોએ એક હુમલાખોરને ઢાળી દીધો છે.

ઈદગાહની અંદર એકત્ર થયેલ નમાજીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે, જ્યારે ઘાયલ થયેલાંઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ પ્રધાનના જણાવ્યા અનુસાર ઈદગાહમાં ત્રણ લાખ લોકો નમાજ માટે એકત્ર થયા હતા. આ હુમલામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કિશોરગંજ પોલીસ કંટ્રોલરૂમના જણાવ્યા પ્રમાણે એક પોલીસ કોન્સ્ટેબલનું હુમલામાં મોત થયું છે. અહેવાલો અનુસાર હુમલામાં મોટોવોલ કોકટેલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ પ્રધાન હસનઉલ હક્કાના જણાવ્યા પ્રમાણે ઉપસ્થિત પોલીસ ટીમ વચ્ચે આ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.

દરમિયાન ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આ અગાઉ એક નવો વીડિયો જારી કરીને ચેતવણી આપી છે કે બાંગ્લાદેશ અને દુનિયાભરમાં જ્યાં સુધી શરિયત કાયદો લાગુ પાડવામાં નહીં આવે ત્યાં સુધી અમે હુમલાઓ ચાલુ રાખીશું અને ગત સપ્તાહે કરવામાં આવેલ આતંકી હુમલો માત્ર એક ઝાંખી હતી. બાંગ્લાદેશ સરકારને ચેતવણી આપતો આ વીડિયો યુદ્ધગ્રસ્ત ‌સિરિયામાં આ આતંકવાદી સંગઠનના કબજાવાળા રક્કાથી બાંગ્લાભાષામાં જારી કરવામાં આવ્યો છે. સૌ પહેલાં આ વીડિયો ખોફનાક ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસની વેબસાઈટ પર મૂકવામાં આ‍વ્યો હતો અને ત્યાર બાદ આજે સવારે યુ-ટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

ગયા શુક્રવારે આઈએસઆઈએસના આતંકીઓએ ઢાકાના રાજદ્વારી વિસ્તારમાં એક જાણીતી રેસ્ટોરાં પર હુમલો કર્યો હતો, જેમાં ૨૨ બંધકની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરાયેલ મોટા ભાગના ઈટાલી, જાપાન, ભારત અને અમેરિકાના નાગરિકો હતા. આ હુમલાની જવાબદારી પણ આઈએસઆઈએસએ લીધી હતી. આઈએસઆઈએસનો વીડિયો ગઈ કાલે એસઆઈટીઈ ઈન્ટેલિજન્સ સાઈટ પર સાઈટ પર જારી કરવામાં આવ્યો હતો.

You might also like