નેપાળમાં ભારતીય દૂતાવાસ પાસે બોમ્બ વિસ્ફોટઃ સરહદે અેલર્ટ

વિરાટનગર (નેપાળ): નેપાળના વિરાટનગર સ્થિત ભારતીય વાણિજ્યિક દૂતાવાસની નજીક મોડી રાત્રે બોમ્બ વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ બોમ્બ વિસ્ફોટ ભારતના વાણિજ્યિક દૂતાવાસની પાછળ થયો હતો. સદ્નસીબે આ બોમ્બ બ્લાસ્ટમાં કોઈ જાનમાલની ખુવારી થઈ હોવાના સમાચાર નથી. ભારતીય દૂતાવાસ કાર્યાલયની પાછળની દીવાલને આ બોમ્બ બ્લાસ્ટના કારણે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ સરહદ અને દૂતાવાસ કાર્યાલયની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.

ભારત-નેપાળ સરહદે જોગબની નજીક સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. નેપાળની સરહદે આવેલ રકસોલના ડીએસપી રાકેશકુમારે સરહદે તકેદારી વધારી હોવાને સમર્થન આપ્યું છે, જોકે તેમણે વિરાટનગરમાં દૂતાવાસ પાછળ થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે કોઈ વધુ જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો.

પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર બે યુવાનો બાઈક પર દૂતાવાસની નજીક પહોંચ્યા હતા. દૂતાવાસની પાછળની દીવાલ પર તેમણે કૂકર બોમ્બ રાખ્યો હતો, જેમાં ટાઈમર લગાવવામાં આવ્યું હતું. આ બંને યુવાનો બોમ્બ મૂકીને ફરાર થઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે ટાઈમર દ્વારા જ આ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. બોમ્બ વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો હતો.

આ બોમ્બ વિસ્ફોટ પાછળ કોનો હાથ હતો? અને તેમનો મકસદ શું હતો તે હજુ જાણવા મળ્યું નથી. સ્થાનિક લોકોમાં આ ઘટના અંગે વિવિધ તર્ક-વિતર્ક વહેતા થયા છે. કેટલાક લોકો તેને નેપાળના મઘેશી આંદોલન સાથે જોડી રહ્યા છે. આ ઘટના બાદ ભારતીય સરહદે સુરક્ષા દળો એલર્ટ થઈ ગયાં છે. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો એટલું જ નહીં, ભારત-નેપાળ સરહદે કોઈના પણ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

You might also like