બોલિવૂડના સૌથી મોંઘા અને આલીશાન મૂવી સેટ

જ્યારે પણ બોલિવૂડની વાત આવે છે ત્યારે આપણા મગજમાં રોમેન્ટિક ગીતો, એક્શન, સ્ટંટ, હીરાે-હીરોઇન, સુંદર લોકેશન જેવી વસ્તુઓ આવવા લાગે છે. ઘણીવાર તો ફિલ્મોના મોટા મોટા સેટ આપણી આંખો સામે તરવરે છે. આવા જ કેટલાક મોંઘા અને આલીશાન સેટ, જેના પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા.

‘મુગલેઆઝમ’નો શીશમહેલ
૧૯૬૦માં બનેલી આ ફિલ્મનો સેટ તે સમય દરમ્યાન તેની ભવ્યતા માટે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ‘મુગલેઆઝમ’નું ગીત ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ લાહોર કિલ્લાના શીશમહેલની હૂબહૂ કોપીમાં શૂટ કરાયું હતું અને શીશમહેલની આ કોપી એટલે કે સેટ બનાવવામાં બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ સમયે તે ભારતનો સૌથી મોંઘો સેટ હતો. તેને બનાવવામાં તે સમયે ૧પ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

‘દેવદાસ’માં ચંદ્રમુખીનો કોઠો
સંજય લીલા ભણસાળી પોતાની ભવ્ય ફિલ્મો ઉપરાંત ભવ્ય સેટ માટે પણ જાણીતા છે. તેમની ફિલ્મ ‘દેવદાસ’ના સેટ ડિઝાઇનમાં જ ભણસાળીએ લગભગ ર૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ચંદ્રમુખીના કોઠાનો સેટ ૧ર કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયો.

‘સાંવરિયા’
ભણસાળીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ભલે પીટાઇ ગઇ, પરંતુ તેનો મોંઘો સેટ ખૂબ જ ચર્ચામાં રહ્યો. ફિલ્મ માટે એક પરલોક જેવું શહેર બનાવાયું હતું, જેના માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

‘જોધા અકબર’
આશુતોષ ગોવારિકરની આ ફિલ્મનો સેટ પણ ચર્ચામાં રહ્યો હતો. અકબર અને જોધાના પ્રેમ અને ત્યાગની કહાણીને ગોવારિકરના સેટ અને વિઝયુઅલ ઇફેકટ્સે ફિલ્મી પરદા પર જીવંત કરી. ફિલ્મનો એક-એક સીન જોવાલાયક હતો.

‘ગોલિયોં કી રાસલીલા-રામલીલા’
સ્પેશિયલ ઇફેકટ્સ અને ફિલ્મોની ભવ્યતા વારંવાર દર્શાવનાર સંજય લીલા ભણસાળી તેમની દરેક ફિલ્મમાં બેજોડ કહાણી અને ભવ્ય સેટને મહત્ત્વ આપે છે. રણવીરસિંહ અને દી‌િપકા પદુકોણ સ્ટારર ‘ગોલિયોં કી રાસલીલા – રામલીલા’ પણ આ રીતે ખાસ છે. આ ફિલ્મનો સેટ ડિઝાઇન કરવામાં કરોડો રૂપિયા લાગ્યા.

‘બોમ્બે વેલવેટ’
અનુરાગ કશ્યપની ‘બોમ્બે વેલવેટ’ની કહાણી ૬૦ના દાયકા પર આધારિત હતી. તેને એવો જ લુક આપવા માટે કશ્યપે સેટ પર મહેનત કરી. અનુરાગ કશ્યપે કોલંબોમાં ૯.પ એકર જમીન પર બોમ્બે વેલવેટ શહેરનો સેટ બનાવ્યો હતો. રિપોર્ટ મુજબ આ સેટ બનાવવામાં લગભગ ૧૧ મહિના લાગ્યા હતા અને આખી ફિલ્મ ૧ર૦ કરોડમાં બનીને તૈયાર થઇ.

‘પ્રેમ રતન ધન પાયો’
સલમાનખાન સ્ટારર આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મમાંની એક માનવામાં આવે છે. ફેમિલી ડ્રામા બનાવવા માટે જાણીતા સૂરજ બડજાત્યાએ આ ફિલ્મ માટે એક રોયલ પેલેસ બનાવ્યો હતો. ફિલ્મ માટે રાજસ્થાનના ઐતિહાસિક કિલ્લા બનાવાયા હતા અને શીશમહેલ પણ. આ ઉપરાંત સેટ પર જે લાઇટિંગ કરાયંુ હતું તેમાં પણ કરોડો રૂપિયા ખર્ચાયા.

‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’
બાકી ફિલ્મોની જેમ સંજય લીલા ભણસાળીની આ બે ફિલ્મોના સેટ પણ ખૂબ જ મોંઘા અને ભવ્ય હતા. ‘બાજીરાવ મસ્તાની’ના આઇનામહેલ માટે ર૦,૦૦૦ ડિઝાઇન મિરર્સનો ઉપયોગ કરાયો હતો. બીજી તરફ ‘પદ્માવત’ માટે ભણસાળીએ ચિત્તોડ કિલ્લો જ બનાવી દીધો. •

You might also like