બોલિવૂડનું ‘દિલ્હી કનેક્શન’ શાહરૂખથી લઇને……

જ્યારે પણ હિંદી સિનેમામાં રાજધાની દિલ્હીના યોગદાનની વાત આવે છે ત્યારે શાહરુખખાનનું નામ સૌથી ઉપર આવે છે. દિલ્હીના રાજેન્દ્રનગરની ગલીઓથી શરૂ થયેલી તેની સફર હંસરાજ કોલેજથી ગ્રેજ્યુએશન મેળવવા સુધી અને બેરી જોનના માર્ગદર્શન અંતર્ગત તેના થિયેટરના દિવસો સુધી જાય છે. જ્યારે તે મુંબઇ શિફ્ટ થયો ત્યારે તેણે સફળતા મેળવી અને બોલિવૂડનો બાદશાહ બની ગયો. રૂપેરી પરદાને પોતાની રોશનીથી ચમકાવનાર શાહરુખ જેવા અન્ય સ્ટાર પણ છે, જે ભારતની રાજધાની દિલ્હીથી મુંબઇ પહોંચીને સ્ટાર બન્યા છે.

સાનિયા મલ્હોત્રા
નવી દિલ્હીની ગાર્ગી કોલેજના એક સમારંભ દરમિયાન સાનિયા મલ્હોત્રાએ કહ્યું હતું કે દિલ્હી મારો પહેલો પ્રેમ છે, કેમ કે હું અહીં ઊછરી છું, પરંતુ મને મુંબઇ સાથે લગાવ પણ છે. સાનિયાએ હવે મુંબઇના અંધેરી વિસ્તારમાં એક ઘર ખરીદી લીધું છે. હવે તેણે ‘દંગલ’, ‘બધાઇ હો’ અને ‘પટાખા’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. સાનિયા પંજાબી ખત્રી પરિવારમાંથી આવે છે.

વાણી કપૂર
બિઝનેસમેન પિતા અને ટીચર-માર્કેટિંગ એક્ઝિક્યુટિવ માતાની પુત્રી વાણીનું પાલનપોષણ રાજધાની દિલ્હીમાં થયું હતું. થોડાં મોડલિંગ કેમ્પેન કર્યા બાદ તે એક જાણીતો ચહેરો બની ગઇ હતી. ઇન્ડસ્ટ્રીમાં તે હજુ માત્ર બે ફિલ્મ જૂની છે. હવે તેણે મુંબઇને જ પોતાનો બેઝ બનાવી દીધો છે. તે ભલે હવે મુંબઇમાં હોય, પરંતુ દિલ્હીનું ખાવાનું રાજમા-ચાવલ તેનું ફેવરિટ છે.

કૃતિ ખરબંદા
કૃતિ દિલ્હીમાં જન્મી હતી, પરંતુ તે જન્મનાં થોડાં જ વર્ષ બાદ બેંગલુરુ ચાલી ગઇ, જોકે તે હજુ દિલ્હીને જ પોતાનું ઘર કહે છે. તે દિલ્હીના પંજાબીબાગમાં રહેતી હતી. તે રાજૌરી ગાર્ડનની નજીક છે. અહીં તે ખાવા કે શોપિંગ કરવા જતી હતી. કૃતિએ કન્નડ અને તેલુગુ ફિલ્મોથી કરિયર શરૂ કરી હતી અને ‘રાજ રિબૂટ’ બાદ બોલિવૂડમાં આવી.

અમિત સાધ
અમિત સાધે નાના પરદાથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેણે ઘણી પ્રસિદ્ધિ પણ મેળવી છે, છતાં પણ દિલ્હીના આ છોકરાની આંખો બોલિવૂડ પર હતી. ૨૦૧૩માં તેને ફિલ્મ ‘કાઈપો છે’ મળી અને થોડાં જ વર્ષમાં અમિતે અમિતાભ બચ્ચન સાથે ‘સરકાર-૩’ અને અક્ષયકુમાર સાથે ‘ગોલ્ડ’ જેવી ફિલ્મો કરી. આર. માધવન સાથેની વેબ સિરીઝ ‘બ્રીથ’માં પણ જોવા મળ્યો હતો. તે છેલ્લાં ૧૨ વર્ષથી મુંબઇમાં છે, પરંતુ દિલ્હીમાં તેના ઘણા મિત્રો છે. તે કહે છે, મારું દિલ દિલ્હી છે.

સ્વરા ભાસ્કર
દિલ્હીમાં ઊછરેલી સ્વરા ભાસ્કર પહેલાં એક થિયેટર ગ્રૂપનો ભાગ હતી. આ દરમિયાન તેણે મુંબઇમાં જવાનો અને ફિલ્મોનો ભાગ બનવાનો નિર્ણય લીધો. દિલ્હી યુનિવર્સિટીથી સોશિયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવેલી સ્વરાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવી.

સિદ્ધાર્થ મલ્હોત્રા
દક્ષિણ દિલ્હીના યુવાન સિદ્ધાર્થ મલ્હોત્રાનું સૌથી ફેવરિટ સ્થળ દિલ્હીનાં જીકે માર્કેટ, ડિફેન્સ કોલોની અને સાકેત છે. દિલ્હી યુનિવર્સિટીની શહીદ ભગતસિંહ કોલેજથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તે મુંબઇ આવી ગયો અને એક્ટિંગમાં કરિયર બનાવવાના રસ્તે ચાલી નીકળ્યો. તે કહે છે કે હું આજે પણ દિલથી ‘દિલ્હી કે મુંડે’ જેવો જ છું. હું બિલકુલ બદલાયો નથી.
હું મધ્યમવર્ગીય રીતે વિચારું છું, જેવી રીતે હું પહેલાં વિચારતો હતો.

ક્રીતિ સેનન
ચાર વર્ષ પહેલાં ક્રીતિ સેનન પોતાના બોરિયા-બિસ્તરા બાંધીને મુંબઇ આવી ગઇ હતી. પહેલી ફિલ્મ ‘હીરોપંતી’ પહેલાં તે દિલ્હીની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આગળ જતાં તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો. ત્યાર બાદ ફિલ્મકારોની નજર તેના પર પડી. ક્રીતિ કહે છે કે મને દિલ્હીની ખૂબ યાદ આવે છે. ખાસ કરીને ત્યાં મળનારી મીઠાઇને
હું મિસ કરું છું. •

You might also like