આમિરના અસહિષ્ણુતાના નિવેદન પર બોલિવૂડની પ્રતિક્રિયા

અસહિષ્ણુતા માત્ર ૧૦૦ લોકોની રમત છેઃ નિદા ફાઝલી

શાયર અને ગીતકાર નિદા ફાઝલીએ જણાવ્યું છે કે આમિરે દેશ છોડવાની જે વાત કરી છે તે બિલકુલ યોગ્ય નથી. દુનિયામાં એવો કોઇ જ દેશ નથી કે જ્યાં સંપૂર્ણપણે સ્વર્ગ હોય કે નરક હોય. અસહિષ્ણુતા એ વાસ્તવમાં મુઠ્ઠીભર લોકોનો ખેલ છે. ૧૦૦ લોકોની એક પ્રકારની રમત છે. આ લોકોમાં ભાગલા પાડીને વોટબેન્કનું રાજકારણ ખેલે છે. સાક્ષી મહારાજ, યોગી આદિત્યનાથ, ઓવૈસી જેવા ગણ્યાગાંઠ્યા લોકો ભાગલા પડાવીને ખોટા સિક્કા ચલાવી રહ્યા છે.

આમિરખાનને બીક લાગતી હોય તો યુપી આવતા રહેઃ શિવપાલ યાદવ
મુલાયમસિંહના નાના ભાઇ શિવપાલ યાદવે તો એટલી હદ સુધી કહી દીધું કે જો આમિરખાન અસુરક્ષા અનુભવી રહ્યા હોય તો ઉત્તર પ્રદેશમાં રહેવા આવી જાય. આમિરખાને દેશ છોડીને જવાની જરૂર નથી. અમારો પક્ષ આમિરને સાથ આપશે. આમિર મુંબઇ, યુુપી કે દેશના કોઇ પણ પ્રદેશમાં રહે અમારો પક્ષ તેમની સાથે છે.

આમિરખાન સિસ્ટમથી દૂર ન ભાગેઃ રિશી કપૂર
બોલિવૂડ સ્ટાર રિશી કપૂરે આમિરના નિવેદન પર નારાજગી વ્યકત કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે મિસ્ટર અને મિ‌સિસ આમિરખાન જ્યારે બધી બાબતો ઊલટી ચાલી રહી હોય અને સુધારાની જરૂર હોય ત્યારે તેમાં સુધારો કરે અને સિસ્ટમથી દૂર ન ભાગે, તેમાં જ બહાદુરી છે.

ત્રણ મુસ્લિમ સુપરસ્ટાર બની શકે તો પછી અસહિષ્ણુતા ક્યાં છેઃ રામગોપાલ વર્માનો પ્રહાર
જાણીતા ફિલ્મ મેકર રામગોપાલ વર્માએ આમિરના નિવેદનનો વિરોધ કરતાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જો આમિર, શાહરુખ અને સલમાન ત્રણેય મુસ્લિમ હોવા છતાં હિંદુ દેશ ભારતના સૌથી મોટા સુપરસ્ટાર બની શકે છે તો પછી મને સમજાતું નથી કે અસહિષ્ણુતા ક્યાં છે?

You might also like