આજા મેરી સાઈ‌કલ પે બેઠ જા!

૧૯૫૭માં આવેલી ફિલ્મ ‘પેઈંગ ગેસ્ટ’નું ગીત ‘માના જનાબ ને પુકારા નહીં’ એ મજરૂહ સુલતાનપુરીએ લખ્યું અને કિશોરકુમારે ગાયું હતું. દેવાનંદ અને નૂતન ઉપર ફિલ્માવાયેલા આ ગીતમાં ખાસ વાત હતી સાઈકલ પર પ્રેમી યુગલ. આ એ જમાનાની વાત છે જ્યારે સાઈકલનો ઉપયોગ પરિવહનમાં સૌથી વધારે થતો હતો. હવે આ સાઈકલ ફરીથી લોકોના જીવનમાં પાછી ફરી છે. દરેક દાયકામાં ફિલ્મ નિર્માતાઓ દ્વારા અલગ અલગ પ્રકારની વાર્તાઓ ઉપર ફિલ્મો બને છે, જેમાં ઘણી નવી વસ્તુઓ અને નવા વિચારો લોકોની સમક્ષ આવ્યા છે. આ ફિલ્મોએ ઘણા નવા કલાકારોને દર્શકોથી પરિચિત કરાવ્યા અને ઘણાને સુપરહિટ બનાવ્યા.આ બધામાં એક એવી વસ્તુ છે, જે ભલે વચ્ચે દર્શકોમાં ગાયબ થઈ ગઈ હતી પણ આજે એ ફરીથી પાછી આવી છે. એ છે ફિલ્મોમાં કલાકારો દ્વારા ચલાવાતી સાઈકલ.

૧૯૭૦ના દાયકા સુધી દરેક ફિલ્મમાં સાઈકલ જોવા મળતી હતી. ત્યાર બાદ ધીમે ધીમે સાઈકલની જગ્યા સ્કૂટર, મોટરસાઈકલ અને મોપેડે લીધી અને ૮૦નો દાયકો આવતાં હીરો મોંઘી મોંઘી ગાડીઓ અને બાઈકનો ઉપયોગ કરવા લાગ્યા. એ વખતે ફિલ્મોમાં સાઈકલ ફક્ત દૂધવાળાઓ પાસે જોવા મળતી. સમયની સાથેસાથે ફેશન પણ બદલાઈ અને ફિલ્મ નિર્માતાઓની પસંદ પણ. આજે ઘણા મોટા મોટા સ્ટાર્સ પોતાની ફિલ્મોમાં સાઈકલોનો ઉપયોગ કરતા જોવા મળે છે. વચ્ચેના કેટલાક દાયકામાં ફિલ્મોમાંથી સાઈકલ સાવ ગાયબ જ થઈ ગઈ હતી, પણ કેટલાંક ગીતો એવાં છે, જેમાં સાઈકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે.

ધીમે ધીમે હીરો દ્વારા બાઈક અને હીરોઈન દ્વારા મોપેડ અથવા સ્કૂટરનો ઉપયોગ થવા લાગ્યો. એ વખતની ફિલ્મોમાં જ નહીં, પરંતુ લોકોની જિંદગી સાથે જોડાયેલી હકીકત હતી. ૧૯૯૨માં આવેલી ‘જો જીતા વહી સિકંદર’ ફિલ્મમાં આમિર ખાને સાઈકલ ચલાવી હતી. આ ફિલ્મ સાઈકલની રેસ ઉપર જ આધારિત હતી.

હમણાં જ થોડા સમય પહેલાંં આવેલી ફિલ્મ ‘પીકુ’માં ભાસ્કર બેનરજીનો રોલ અમિતાભ બચ્ચને કર્યો હતો, જે ગતિમાં જ પોતાની લાગણીઓ વ્યકત કરે છે. તેઓ સાઇકલ લઇને કોલકાતાની ગલીઓમાં ફરે છે અને પોતાની પુત્રી દીપિકા પદુકોણને જણાવે છે કે કેવી રીતે સાઇકલની સવારી પછી તેઓ સવારના સમયે આરામથી ફ્રેશ થઇ જાય છે.

બોલિવૂડની બ્લોક બસ્ટર ફિલ્મ ‘શાન’માં અમિતાભ બચ્ચન અને શશી કપૂર બંને મળીને સાઇકલની સવારી કરતા જોવા મળે છે, પરંતુ રોમાન્સ શરૂ થતાં પહેલાં જ હીરોઇન તેમની સાઇકલને પંચર કરી દે છે, જેનાથી બંને વચ્ચે પ્રેમનું પ્રકરણ શરૂ થઇ જાય છે.

સલમાન ખાને ‘કિક’ ફિલ્મમાં સાઇકલ ચલાવી છે. આ ફિલ્મમાં સાઇકલની સવારી તેને કોઇ પણ મુશ્કેલ રસ્તાઓમાંથી આરામથી બહાર કાઢે છે. ફિલ્મ ‘પીકે’માં આમિરખાન સાઇકલના ઉપયોગથી ફિલ્મને પ્રામાણિક બનાવવાના પ્રયત્નમાં સફળ નીવડયો હતો. તે અનુષ્કા શર્મા સાથે સાઇકલની સવારી કરતો જોવા મળ્યો.

આશુતોષ ગોવા‌િરકરની ફિલ્મ ‘ખેલેં હમ જી જાન સે’ ભલે બોક્સ ઓફિસ ઉપર નિષ્ફળ નીવડી, પરંતુ બ્રિટીશ રાજમાં ફિલ્મમાં અભિનેત્રી દીપિકા પદુકોણ પોતાનાં સપનાંઓને ઉડાન આપવા માટે જે વસ્તુનો સૌથી વધુ ઉપયોગ કરે છે તે સાઇકલ. ઇસ્તંબૂલના રસ્તાઓ ઉપર અનુષ્કા શર્મા અને રણવીરસિંહ પોતાના પ્રેમની વાર્તાને શબ્દોમાં ઢાળવા માટે નીકળી જાય છે. દુનિયાના આ સુંદર શહેરમાં રસ્તા ઉપર સાઇકલના પેડલ મારતાં બંને ફકત આજના યુગમાં સાઇકલની હાજરી અને તેની મહત્ત્વતા પ્રદર્શિત કરે છે અને બંનેના પ્રેમને સાર્થક બનાવવામાં પણ આ સાઇકલ જ કામમાં આવે છે. •

You might also like