બોલિવૂડની સૌથી લાંબી ફિલ્મો આ રહી…

બોલિવૂડમાં દર વર્ષે સેંકડો ફિલ્મો બને છે, તેમાંથી કેટલીક ફિલ્મો શોર્ટ હોય છે તો કેટલીક ફિલ્મોની લંબાઈ થોડી વધુ હોય છે. આમ તો ફિલ્મ સામાન્ય રીતે સવા બેથી અઢી કલાકની વચ્ચેની હોય છે. બોલિવૂડમાં જ ઘણી એવી ફિલ્મો બની છે, જેનો રનિંગ ટાઈમ બે કે ત્રણ નહીં, પરંતુ ચારથી પાંચ કલાકનો છે.

ર૦૧રમાં આવેલી અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અત્યાર સુધીની સૌથી લાંબી ફિલ્મ ગણાય છે. આ ફિલ્મ પાંચ કલાક ૧૯ મિનિટ લાંબી છે. કોઈ પણ થિયેટર આટલી લાંબી ફિલ્મ રજૂ કરવા તૈયાર ન થયું. તેથી આ ફિલ્મને બે પાર્ટમાં રિલીઝ કરવી પડી હતી. પહેલો પાર્ટ જૂન-ર૦૧રમાં જ્યારે બીજો પાર્ટ ઓગસ્ટ-ર૦૧રમાં રિલીઝ કરાયો હતો.

ર૦૦૩માં આવેલી ‘એલઓસી કાર‌િગલ’ ફિલ્મ ચાર કલાક ૧પ મિનિટ લાંબી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચેના કાર‌િગલ યુદ્ધ (ઓપરેશન વિજય) પર આધારિત આ મેગા બજેટ ફિલ્મનું ડિરેક્શન જે. પી. દત્તાએ કર્યું હતું. બોલિવૂડના ટોચના કલાકારોનો કાફલો અને સુમધુર સંગીત હોવા છતાં પણ આ ફિલ્મની લંબાઈથી દર્શકો કંટાળી ગયા હતા.

૧૯૭૦માં આવેલી રાજ કપૂરની ડ્રીમ પ્રોજેક્ટ સમાન ફિલ્મ ‘મેરા નામ જોકર’ તે સમયગાળાની સૌથી લાંબી ફિલ્મ હતી. આ ફિલ્મ ચાર કલાક અને ચાર મિનિટની હતી. આ ફિલ્મ ખૂબ જ લાંબી હોવાના કારણે દર્શકો કંટાળી પણ ગયા હતા. ફિલ્મની તોતિંગ લંબાઈને ધ્યાનમાં રાખીને બે ઈન્ટરવલ રાખવા પડ્યા હતા. આ ફિલ્મને બનતાં છ વર્ષ લાગ્યાં હતાં અને તે બોક્સ ઓફિસ ડિઝાસ્ટર સાબિત થઈ હતી.

૧૯૬૪ના વર્ષમાં રિલીઝ થયેલી ‘સંગમ’ ફિલ્મ હિટ રહી હતી, પરંતુ આ પણ એક લાંબી ફિલ્મ હતી. તેનો રનિંગ ટાઈમ ૩.૪૪ કલાકનો હતો. રાજ કપૂર, રાજેન્દ્રકુમાર અને વૈજયંતી માલા જેવા કલાકારોવાળી આ પ્રણયત્રિકોણ ફિલ્મ આજે પણ ક્લાસિક ગણાય છે. આ ફિલ્મનાં ગીતો યાદગાર બની રહ્યાં છે.

આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘લગાન’ ર૦૦૧ના વર્ષમાં રિલીઝ થઈ. આમિર ખાન અને ગ્રેસી સિંહને ચમકાવતી ડિરેક્ટર આશુતોષ ગોવારિકરની આ ફિલ્મે ભલે અનેક એવોર્ડ્સ મેળવ્યા, પરંતુ આ ફિલ્મની લંબાઈ ૩.૪૪ કલાકની હતી. ગોવારિકરની લગભગ મોટા ભાગની ફિલ્મોમાં તેની વધુ પડતી લંબાઈ દર્શકો માટે કંટાળો લાવનારી બની રહેતી હોય છે. આમિર ખાને ફિલ્મના એડિટિંગમાં પણ ધ્યાન આપીને આ ફિલ્મ રસપ્રદ બનાવી હતી.

શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય જેવી જોડી ઉપરાંત અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારની સ્ટારકાસ્ટ તથા યશરાજ જેવા પ્રખ્યાત બેનરની ફિલ્મ ‘મોહબ્બતેં’ વર્ષ ર૦૦૦ની દિવાળીની રજાઓમાં રિલીઝ થઈ હતી. તેનો રનિંગ ટાઈમ ૩.૩૬ કલાકનો હતો, પરંતુ આ ફિલ્મે દર્શકોને બોર કર્યા ન હતા અને તે વર્ષની સુપરડુપર હિટ ફિલ્મ બની હતી. ‘મોહબ્બતેં’ની સીધી ટક્કર વિધુ વિનોદ ચોપરાની ‘મિશન કશ્મીર’ સાથે થઈ હતી, પરંતુ દર્શકોએ ‘મોહબ્બતેં’ પર પસંદગી ઉતારી હતી.
૧૯૯૧ના વર્ષમાં આવેલી સની દેઓલ, ડિમ્પલ કાપડિયા, ઓમ પુરી અભિનીત ફિલ્મ ‘નરસિમ્હા’નો રનિંગ ટાઈમ ૩.૩૪ કલાકનો હતો. ડિરેક્ટર એન. ચંદ્રાની આ ફિલ્મ લાંબી હોવા છતાં પણ દર્શકોને પસંદ પડી હતી.

વિવેક મુશરાન, મનીષા કોઈરાલાની નવી જોડી અને રાજકુમાર, દિલીપકુમાર જેવા ટોચના સ્ટાર ધરાવતી સુભાષ ઘાઈ દિગ્દ‌િર્શત ‘સૌદાગર’ ફિલ્મ ૧૯૯૧ના વર્ષમાં રિલીઝ થઈ હતી. તેનો રનિંગ ટાઈમ ૩.૩૩ કલાકનો હતો. રાજકુમાર અને દિલીપકુમારની ટક્કર અને તેમના યાદગાર સંવાદોએ આ ફિલ્મને સુપરહિટ બનાવી દીધી.

શાહરુખ ખાન, કાજોલ, ઋત્વિક રોશન, કરીના કપૂર, અમિતાભ-જયા બચ્ચન અભિનીત ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મનો રનિંગ ટાઈમ સાડા ત્રણ કલાકનો હતો, પરંતુ ‌િબગ બી-કિંગ ખાનના દમદાર અભિનયે લોકોનાં દિલ જીત્યાં અને ફિલ્મ જરાય કંટાળાજનક ના લાગી.

રાજશ્રી પ્રોડક્શનની તમામ રેકોર્ડ તોડી નાખનારી સુપરહિટ ફિલ્મ ‘હમ આપ કે હૈ કૌન’નો રનિંગ ટાઈમ ૩.ર૬ કલાકનો હતો. તે સમયે મલ્ટિપ્લેક્સનો જમાનો ન હતો, પરંતુ કેટલાય દિવસો સુધી થિયેટરોમાં હાઉસફૂલનાં પાટિયાં જોવા મળ્યાં હતાં. •

You might also like