બોલિવૂડમાં જે હિટ તે ફિટઃ હુમા કુરેશી

મોડલિંગથી અભિનયમાં આવેલી હુમા કુરેશીએ ૨૦૧૨માં ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી કારકિર્દી શરૂ કરી. આ ફિલ્મના બંને ભાગમાં તેના દ્વારા ભજવાયેલા પાત્રનાં ખૂબ જ વખાણ થયાં. ત્યારબાદ તેણે ‘લવ શવ તે ચિકન ખુરાના’, ‘એક થી ડાયન’, ‘ડેઢ ઇશ્કિયા’ અને ‘બદલાપુર’ જેવી ફિલ્મો કરી. તાજેતરમાં તે ‘પા‌િર્ટશન-૧૯૪૭’માં જોવા મળી. સાથે-સાથે તે સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ તામિલ ફિલ્મ ‘કાલા’માં જોવા મળશે. હાલમાં અભિનેત્રીઓનો હોલિવૂડનો ક્રેઝ વધ્યો છે, પરંતુ હુમા તે બધાથી અલગ છે. તે કહે છે કે હું હોલિવૂડ જવા ઇચ્છતી નથી. મને ગુરિન્દર ચઢ્ઢાની સ્ક્રિપ્ટ ગમી હતી. તેથી મેં તેમાં કામ કર્યું. આ ફિલ્મમાં વિભાજનની કહાણી દર્શાવાઇ છે, સાથે-સાથે એક હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી વચ્ચેની પ્રેમકહાણી પણ છે.

આજે દીપિકા અને પ્રિયંકા જેવી અભિનેત્રીઓ હોલિવૂડમાં નામ કમાઇ રહી છે. હુમા કહે છે કે હું લોસ એન્જલસ જાઉં અને ત્યાંના લોકોને સતત મળતી રહું એટલી ધીરજ મારામાં નથી. હું અહીં જ ફિલ્મો કરીશ, કેમ કે બોલિવૂડમાં મારી પાસે કામની કમી નથી. હું વધારે પડતી મહત્ત્વાકાંક્ષી પણ નથી. ‘જોલી એલએલબી-૨’ જેવી હિટ ફિલ્મ સાથે જોડાયા બાદ હુમાની કરિયરમાં શું પરિવર્તન આવ્યું તે અંગે વાત કરતાં હુમા કહે છે કે હોલિવૂડમાં મારો ભરોસો વધી ગયો છે. ઇન્ડસ્ટ્રીનો જૂનો નિયમ છે કે જે હિટ છે એ જ અહીં ફિટ છે. ફિલ્મની વ્યાવસાયિક સફળતાથી તેના કલાકારોને પણ ફાયદો થાય છે. મને પણ આ ફાયદો થયો છે. •

You might also like