ર૦૧૭ની સૌથી વધુ પાઇરસી થયેલી ફિલ્મ બની ‘રઈસ’, બીજા નંબરે રિતીકની ‘કાબિલ’

મુંબઇ, ગુરુવાર
બોલિવૂડમાં બે ફિલ્મોની ટક્કરની અસર ફિલ્મોના બિઝનેસ પર થાય છે, પરંતુ ફિલ્મની પાઇરસીની અસર પણ ફિલ્મના વકરા પર વધુ જોવા મળે છે. જર્મની સ્થિત એક કંપની દ્વારા ર૦૧૭માં સૌથી વધુ પાઇરસી થયેલી ફિલ્મોનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. આ રિપોર્ટમાં શાહરુખ ખાનની ‘રઇસ’ સૌથી વધુ પાઇરસી થયેલી ફિલ્મ બની.

આ લિસ્ટમાં બીજા ક્રમે ઋત્વિક રોશનની ‘કાબિલ’, ત્રીજા ક્રમે અક્ષયકુમારની ‘જોલી એલએલબી-ર’ છે. કાબિલના ડિરેક્ટર સંજય ગુપ્તાએ જણાવ્યું કે બોલિવૂડમાં લગભગ પાંચ પ્રોડ્યૂસર એસોસીએશન છે. આ પાંચ એસોસીએશન એકસાથે મળીને કામ કરી શકતાં નથી તો પછી ઇન્ડસ્ટ્રીઝમાં બદલાવ કેવી રીતે આવશે. પાઇરસી સામે બધાંએ સાથે મળીને કામ કરવું જરૂરી છે.

ર૦૧૭ની ટોપ ટેન પાઇરેટેડ ફિલ્મો
‘રઇસ’, ‘કાબિલ’, ‘જોલી એલએલબી-ર’, ‘ટોઇલેટ-એક પ્રેમકથા’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘બદરીનાથ કી દુલ્હનિયા’, ‘ગોલમાલ અગેઇન’, ‘ઓકે જાનૂ’, ‘ધ ગાઝી એટેક’, ‘જુડવા-ર’.

સાઉથની ઇન્ડસ્ટ્રીમાં તમામ એક્ટર અને પ્રોડ્યૂસર સાથે મળીને કામ કરે છે. ગયા વર્ષે ‘બાહુબ‌િલ-ર’ની રિલીઝ પહેલાં સાઉથની ઇન્ડસ્ટ્રીએ ભારતનું પહેલું એ‌િન્ટપાઇસરી યુનિટ તેલંગણા ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ક્રાઇમ યુનિટ શરૂ કર્યું હતું. આ યુનિટે ઓનલાઇન મોનિટરિંગ કરીને જે તે વેબસાઇટને બ્લોક કરી હતી. તેનાં વખાણ કરતાં સંજય ગુપ્તાએ કહ્યું કે પાઇરસીના પ્રોબ્લેમ સામે સાઉથે એકસાથે મળીને બળવો કર્યો ત્યાર બાદ પાઇસરી ઓછી થઇ રહી છે. એકસાથે મળીને કામ કરવા બોલિવૂડ હજુ ઘણું દૂર છે. ર૦૧૬માં પાઇરસીના કારણે બોલિવૂડનેે રૂ.૧૮,૦૦૦ કરોડનું નુકસાન થયું હતું.

સાઉથના એક્ટરની ફેન ક્લબનાં વખાણ કરતાં મૂકેશ ભટ્ટે કહ્યું હતું કે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકસાથે મળીને કામ કરે છે અને તેણે પાઇરસીનો સામનો કર્યો છે. મોટા ભાગના સ્ટાર્સની ફેન કલબ છે, જે તેમની નવી ફિલ્મની પાઇરસી થતાં અટકાવે છે.

કેટલાક ડિરેક્ટર એમ પણ કહી રહ્યા છે કે પાઇરસી અટકાવવી એ સરકારનું કામ હોય છે. સરકાર આ માટે કોઇ નવી પો‌િલસી નક્કી કરે તે જરૂરી છે. અહીં એ‌િન્ટપાઇરસી લો પણ નથી. દુનિયાભરમાં કરવામાં આવેલી પાઇરસી ફાઇલ શેરમાં ભારતમાં ૬૦ ટકા અને પાકિસ્તાનમાં ખાસ કરીને લાહોરમાં ૧૬ ટકા કરવામાં આવી છે.

You might also like