બોલિવૂડ ડિરેક્ટર્સઃ હિટ ઓછી, ફ્લોપ વધુ

દર્શકો નિર્દેશકના નામથી જ વધુ પ્રમાણમાં ફિલ્મો જોવા જાય છે, કેમ કે તેમની આગલી ફિલ્મ ઘણી મનોરંજક હોય છે, પરંતુ કેટલાક ડિરેક્ટર્સે પોતાની શરૂઆત સારી ફિલ્મોથી કરી, જોકે આગળ જતાં તે દર્શકોને કંઇ ખાસ ન આપી શક્યા અને દર્શકોએ તેમને નકારી દીધા. એવા જ કેટલાક ડિરેક્ટર્સની જાણકારી મેળવીએ, જેમણે શરૂઆત તો સારી ફિલ્મોથી કરી, પરંતુ આગળ જઇને દર્શકોની અપેક્ષાએ ખરા ન ઊતરી શક્યા.

સંજય ગઢવી
ધૂમ સિરીઝની ફિલ્મો આપવાનું શ્રેય સંજય ગઢવીને જાય છે. તેમણે આ સિરીઝની પહેલી બંને ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું અને એક એવી એક્શન સિરીઝ આપી, જે દર્શકોએ ખૂબ પસંદ કરી. આગળ જતાં તેમણે જે ફિલ્મો બનાવી તે કોઇ કમાલ ન કરી શકી, ન તો દર્શકોને પ્રભાવિત કરી શકી. તેમની છેલ્લી ફિલ્મ ‘અજબ ગજબ લવ’ જોઇને તો કોઇ માની પણ ન શક્યું કે આ હોનહાર ડિરેક્ટર સંજય ગઢવીની ફિલ્મ હતી.

કુણાલ કોહલી
૨૦૦૪માં આવેલી ‘હમ તુમ’થી સફળતાનો સ્વાદ ચાખનાર કુણાલ કોહલીની બીજી ફિલ્મ ‘ફના’ ઠીકઠાક રહી. ત્યારબાદ તેણે ‘થોડા પ્યાર થોડા મેજિક’ અને ‘તેરી મેરી કહાની’ જેવી ફિલ્મો બનાવી, પરંતુ તેને જોવા દર્શકો મલ્ટિપ્લેક્સ સુધી પણ ન ગયા. આ ફિલ્મ ખૂબ જ ફ્લોપ રહી. છેલ્લા ઘણા સમયથી કુણાલ કોહલીએ હિટ ફિલ્મ આપી નથી.

રામગોપાલ વર્મા
એક સમય હતો જ્યારે રામગોપાલ વર્માની ફિલ્મો લગભગ પરફેક્ટ હતી. લોકો તેમને ખૂબ જ પસંદ કરતા હતા. ‘રંગીલા’, ‘સત્યા’, ‘કૌન’ અને ‘ભૂત’ જેવી ફિલ્મોએ કરોડો લોકોને તેમના ફેન બનાવી દીધા, પરંતુ ત્યારબાદનાં વર્ષોમાં ‘ધ એટેક ઓફ ૨૬/૧૧’, ‘નોટ એ લવ સ્ટોરી’, ‘રણ’ અને ‘રામગોપાલ વર્મા કી આગ’ જેવી ફિલ્મો જોઇને દર્શકોને વિશ્વાસ ન થયો કે આ એ જ ડિરેક્ટર છે, જેણે કોઇ એક સમયે ખરેખર ક્લાસિક ફિલ્મો બનાવી હતી.

આર. બાલ્કી
૨૦૦૭માં આર. બાલ્કીએ ‘ચીની કમ’ ફિલ્મ નિર્દેશિત કરી હતી. આ એક હાસ્યથી ભરપૂર પ્રેમકહાણી હતી, જે દર્શકોએ પહેલાં ક્યારેય જોઇ ન હતી. દર્શકોની નજરમાં આર. બાલ્કી એક મહાન ડિરેક્ટર બની ગયા. ત્યારબાદ ૨૦૦૯માં આવેલી ‘પા’ ફિલ્મમાં પણ તેમનાં ખૂબ વખાણ થયાં, પરંતુ તેમની ફિલ્મો ‘શમિતાભ’ અને ‘કી એન્ડ કા’ જેવો જાદુ બિલકુલ ન પાથરી શકી.
http://sambhaavnews.com/

You might also like