સીમા ક્યારેય નહીં ઓળંગુંઃ સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાની કોશિશ હોય છે કે તે હંમેશાં અલગ અલગ પ્રકારની ફિલ્મો કરે. ‘દબંગ’ સિરીઝ, ‘બુલેટ રાજા’, ‘ફોર્સ’, ‘રાઉડી રાઠોડ’, ‘અકીરા’, ‘નૂર’ સુધીની તેની ફિલ્મો એકબીજાથી ખૂબ જ અલગ રહી.

તે કહે છે કે સાચી વાત એ છે કે જ્યારથી હું ઇન્ડસ્ટ્રીમાં આવી છું ત્યારથી મેં એ જ કામ કર્યું છે, જે મારા દિલે કહ્યું છે. હું હંમેશાં વિચારું છું કે હું એવા રોલ કરું, જે એક કલાકાર તરીકે મને હંમેશાં પડકારતા રહે.

આ જ કારણ છે કે મેં ‘દબંગ’માં સિમ્પલ, ‘અકીરા’-‘ફોર્સ-૨’માં એક્શન, ‘નૂર’માં જર્નાલિસ્ટ તો ‘ઇત્તફાક’માં ગ્રે શેડનો રોલ કર્યો. મને ખુશી છે કે આ ફિલ્મોમાં ઓડિયન્સને એક અલગ સોનાક્ષી જોવા મળી.

તાજેતરમાં રિલીઝ ફિલ્મ ‘વેલકમ ટુ ન્યૂયોર્ક’માં દર્શકોને એક અલગ સોનાક્ષી દેખાઇ. સોનાક્ષી કહે છે કે આ ફિલ્મમાં મારી સાથે દિલજિત દોસાંજ હતો. આ ફિલ્મમાં મેં સાવ અલગ ભૂમિકા ભજવી છે. પહેલી વાર મેં ગુજરાતી છોકરીનો રોલ કર્યો. લોકોને કંઇક અલગ જોવા મળ્યું.

બોલિવૂડમાં પ્રચલિત પરંપરાનો હિસ્સો ન બની શકવાના કારણે સોનાક્ષીની કરિયર થોડી સુસ્ત છે. તે કહે છે કે જો તમે બોલિવૂડની પ્રચલિત પરંપરાની આડમાં ઇન્ડસ્ટ્રીમાં ચાલ્યું આવતું અંગપ્રદર્શન કરવા લાગો તો તમે સો ટકા ચાલો છો, પરંતુ આ અંગે હું ફરી એક વાર સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે હું તેનો ભાગ નહીં બનું. જે કલાકારો અંગપ્રદર્શનનો સહારો લે છે હું તેમના વિરુદ્ધ નથી, પરંતુ એ તેમની પસંદગી હોય છે. હું મારા વિશે કહું તો ક્યારેય સીમા ઓળંગવા ઇચ્છતી નથી. •

You might also like