મજબૂત રોલ મળશે તો ફરી કામ કરીશઃ રવિના ટંડન

વર્ષ ૧૯૯૧માં સલમાન ખાનની સાથે ‘પથ્થર કે ફૂલ’ ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી રવિના ટંડને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિલ્વર જ્યુબિલી જર્નીને લઇને વાત કરતાં રવિના કહે છે કે આ સફરમાં હું ઘણુંબધું શીખી છું.

હું તેને મારા લર્નિંગ એક્સપિરિયન્સ તરીકે જોઉં છું. મં ઘણા બધા ચઢાવ-ઉતાર જોયા છે. હું એક પ્રોટેક્ટેડ ફેમિલીમાંથી આવી છું. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ મને જાણ થઇ કે કોઇ પણ વસ્તુ એટલી સરળ હોતી નથી, જેટલી દેખાય છે. અહીં બધું એટલું સુંદર હોતું નથી, જેટલું આપણે વિચારીએ છીએ.

રવિના વધુમાં જણાવે છે કે તમારા સિદ્ધાંતો અને મૂલ્યો પર ટકી રહેવું સરળ હોતું નથી, પરંતુ હું એ શીખી છું કે લાઇફમાં ઇમાનદારીથી કેવી રીતે જીવવું જોઇએ. રવિના પાસે અત્યારે પણ ઘણી ફિલ્મોની ‌િસ્ક્રપ્ટ આવે છે, પરંતુ જે રોલ આવે છે તે તેને પસંદ પડતા નથી. તે કહે છે કે મેં મારી આટલાં વર્ષની કરિયરમાં એટલા રોલ કર્યા છે કે હું દરેક રોલ માટે હા ન કહી શકું. જો કોઇ એવો રોલ આવે કે જે મેં પહેલાં ન કર્યો હોય તો હું તેવી ફિલ્મમાં જરૂર કામ કરીશ.

રવિનાએ એક ફિલ્મ કરી હતી, જેનું નામ હતું ‘દશ’. મુકુલ આનંદ ફિલ્મના ડિરેક્ટર હતા અને નીતિન મનમોહન તેના પ્રોડ્યૂસર હતા. આ ફિલ્મ ન બની શકી. રવિનાએ આ ફિલ્મમાં એક આતંકવાદીનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મમાં તે એક એવી કાશ્મીરી છોકરી બની હતી કે જે હથિયાર ઉઠાવવા મજબૂર બને છે. આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો કહે છે કે જો તે ફિલ્મ રિલીઝ થઇ હોત તો રવિનાનો પહેલો નેશનલ એવોર્ડ હોત. તે કહે છે કે મને સ્ટ્રોંગ રોલ મળશે તો હું કામ કરવાનું વિચારીશ. •

You might also like