માત્ર એક્ટિંગ નહીં, પરોપકારમાં પણ અવલ

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ બોલિવૂડ સુંદરીઓ વિદેશમાં પણ સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવી રહી છે. તાજેતરના દિવસોમાં ઘણી બોલિવૂડ સુંદરીઓ વૈશ્વિક સ્તર પર જરૂરિયાતમંદ લોકોને મદદ તથા પરોપકારી કાર્યોમાં સહયોગ આપી રહી છે. ઘણા વૈશ્વિક મુદ્દાઓને પ્રમુખ રીતે ઉઠાવવાનું કામ તે કરી રહી છે. ખરેખર એ સારી બાબત છે કે અભિનેત્રીઓ માત્ર અભિનય પર ધ્યાન કેન્દ્રિત ન કરતાં પરોપકારી કાર્યોમાં પણ પોતાના દેશનું નામ રોશન કરી રહી છે.

ફ્રેડા પિન્ટો: ‘સ્લમડોગ મિલિયોનર’ ફિલ્મથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર ફ્રેડા પિન્ટો આજે હોલિવૂડની ઘણી મોટી ફિલ્મોનો ભાગ બની ચૂકી છે. ફેશનની ઉમદા સમજ માટે હંમેશાં તેની પ્રશંસા થતી રહે છે. આ સુંદરી મહાન ટેનિસ ખેલાડી આન્દ્રે અગાસી તથા તેની પત્ની સ્ટેફી ગ્રાફ દ્વારા સ્થાપિત સંગઠન અગાસી ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે. આ સંસ્થા દુનિયાભરમાં બાળકોના શિક્ષણને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન: પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રખ્યાત ઐશ્વર્યા રાય બચ્ચન એક સફળ અભિનેત્રી હોવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એટલી જ લોકપ્રિય છે. વર્ષ ૨૦૦૩માં તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી બનવાનું સન્માન મળ્યું હતું. ૨૦૦૯માં ઐશ્વર્યા એક આંતરરાષ્ટ્રીય ચેરિટી ‘સ્માઇલ ટ્રેઇન’ની પહેલી ગુડવિલ એમ્બેસેડર બની હતી. આ સંસ્થા જરૂરિયાતમંદ બાળકોના કપાયેલા હોઠ અને તાળવાની સર્જરી કરાવે છે. આ સંસ્થાનું કામ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ૭૬ વિકાસશીલ દેશોમાં ચાલી રહ્યું છે.

રુચા ચઢ્ઢા: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની નવોદિત અભિનેત્રી રુચા ચઢ્ઢા તાજેતરમાં એક પ્રમુખ કોસ્મેટિક બ્રાન્ડનો ચહેરો બની છે. આ બ્રાન્ડનું સામાજિક અભિયાન ‘ધ જસ્ટિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેન્ડર બેઝ્ડ વાયોલન્સ’ ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ ઘરેલુ હિંસાનો શિકાર બનેલી મહિલાઓને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં મદદ કરવામાં આવી રહી છે.

નંદિતા દાસ: અભિનય અને નિર્દેશનના ક્ષેત્રમાં કરિયર બનાવી ચૂકેલી આ અભિનેત્રી લેખિકા પણ છે. તે પહેલાંથી જ સમાજ માટે કંઇક ને કંઇક કરતી આવી છે. તેની ફિલ્મોની પસંદગી અને સાદગીભરી જીવનશૈલી પરથી આ બાબત જાણી શકાય છે. તે દુનિયાભરમાં પરોપકારનું મહત્ત્વ સમજાવતાં લેક્ચર આપે છે. તે લીપ પ્રોગ નામના એક એડ્વર્ટાઇઝિંગ સંગઠનની સહસંસ્થાપક છે. તેનું લક્ષ્ય સામાજિક જાગૃતિ ફેલાવતી એડ્ બનાવવાનું છે. તાજેતરમાં આ અભિનેત્રી સામાજિક અભિયાન ડાર્ક ઇઝ બ્યુટીફૂલનો ચહેરો બની છે. તેના આધારે ભેદભાવ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.

પ્રિયંકા ચોપરા: બોલ્ડ અને બ્યુટીફૂલ પ્રિયંકા ચોપરા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી રહી છે. તેનાં પોપ ગીતોથી લઇને અમેરિકામાં નાના પરદા પર ચાલી રહેલી સિ‌િરયલ પણ ખૂબ લોકપ્રિય થઇ છે. વર્ષ ૨૦૦૦માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને લોકપ્રિય થયેલી આ સુંદરીની કરિયર સતત નવી ઊંચાઇઓ સર કરી રહી છે. તે ૨૦૧૦થી જ પરોપકારી કાર્યોમાં પોતાનું યોગદાન આપી રહી છે. તે બાળ અને કિશોર અધિકારો માટે યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર પણ બની છે.

You might also like