બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની પાંચેય આંગળી ઘીમાં…

બાહુબ‌િલ અને ‘બાહુબ‌િલ-ધ કનક્લૂૂઝન’ જેવી ફિલ્મની સફળતા બાદ દિગ્દર્શક એસ. એસ. રાજામૌલી પોતાની નવી આગામી ફિલ્મ ‘આર.આર.આર.’ના કામમાં વ્યસ્ત થઇ ગયા છે, જોકે તેમની આ બે ફિલ્મ વચ્ચે ખાસ્સો સમય નીકળી ગયો છે.
રાજામૌલીની આ ખર્ચાળ ફિલ્મમાં સાઉથના અભિનેતા જુનિયર એનટીઆર અને રામચરણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે, સાથે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ મહત્ત્વનાં પાત્ર ભજવશે. આ ભારે ભરખમ મલ્ટિસ્ટારર અને ખર્ચાળ ફિલ્મમાં સંજય દત્ત અને વરુણ ધવનને પણ સાઇન કરવામાં આવ્યા છે પણ સત્તાવાર ઘોષણા કરવામાં આવી ન હોવાથી ભવિષ્યમાં આ નામ બદલાઇ જાય તો નવાઇ નહીં.

વરુણ ધવન અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘કલંક’ તો આવી જ રહી છે. ઉપરાંત મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ આલિયા મુખ્ય ભૂમિકા ભજવવા જઇ રહી છે. આમ, આલિયાની ગાડી જોરમાં છે. રાજામૌલી જેવા દિગ્દર્શકે પણ તેમની ફિલ્મ માટે તેને પસંદ કરી લીધી એટલે હવે તે સ્ટારમાંથી સુપરસ્ટાર બની જશે .

હાલમાં ‘આર.આર.આર.’ ફિલ્મનું શૂટિંગ પુણેમાં થઇ રહ્યું છે. ફિલ્મની કથા બે ફ્રીડમ ફાઇટર અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ પર આધારિત છે. આ બંને ફાઇટરનાં પાત્ર જુનિયર એનટીઆર અને રામચરણ ભજવી રહ્યા છે. સ્વતંત્રતા પહેલાં એટલે કે ૧૯ર૦ના સમયગાળા દરમિયાનની આ બંને વીર યોદ્ધાની વાર્તા દર્શાવવામાં આવશે.

ફિલ્મમાં આલિયા રામચરણ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આલિયાની એન્ટ્રીથી કથામાં ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ આવે છે તેવું બતાવાશે. તેથી તેનું પાત્ર અત્યંત મહત્ત્વનું છે એમ કહેવાઇ રહ્યું છે. વરુણ ધવન અને સંજય દત્તની એન્ટ્રીથી ફિલ્મમાં કેટલા ફેરફાર કરાશે એ જાણવું દર્શકો અને ચાહકો માટે વધુ રસપ્રદ રહેશે. •

You might also like