દિવાળીમાં શું કરે છે ફિલ્મ સ્ટાર?

દિવાળીનું પર્વ નાના-મોટા, ગરીબ-તવંગર તમામ લોકો ઊજવતા હોય છે. ફિલ્મ સ્ટાર પોતાની પર્સનલ જિંદગીમાં શું કરે છે તે જાણવાનો રસ દરેક સામાન્ય વ્યક્તિને રહ્યો છે. દિવાળીનો તહેવાર આ લોકો પણ ખૂબ જ શાનથી ઊજવે છે. દિવાળીના તહેવારમાં લોકો વર્ણ કે જાતિના ભેદભાવને પણ ભૂલી જાય છે. ખુશીના આ તહેવારમાં ફિલ્મી સ્ટાર્સ પોતાની ભાવનાઓ દર્શાવવામાં કોઇ કચાશ રાખતા નથી.

સોનમ કપૂરઃ સોનમ કપૂરને લાઇટિંગથી ઝગારા મારતો માહોલ ખૂબ જ પસંદ છે. તે કહે છે કે હું નાની હતી ત્યારથી જ ખૂબ જ ક્રિયેટિવ રહી છું. તેથી ઘરની સાજસજાવટની જવાબદારી પણ મને આપવામાં આવે છે. હું રંગોળી પણ બનાવું છું. દિવાળીના દિવસે મીણબત્તીઓથી વધુ ને વધુ દીવા પ્રગટાવવા મને ખૂબ ગમે છે.

બિપાશા બાસુઃ બિપાશાના ઘરે દિવાળીની સજાવટની તૈયારી થોડા દિવસ પહેલાં જ શરૂ થઇ જાય છે. તે કહે છે કે મારા હાથે ઘરને શણગારવાનો મને આનંદ મળે છે. અમે ફટાકડા ફોડતાં નથી, કેમ કે તેનાથી પ્રદૂષણ ફેલાય છે. અમે ઘરના આંગણામાં રંગોળી બનાવીએ છીએ. હેલ્થ કોન્શિયસ હોવા છતાં હું રસગુલ્લાં ખાવાથી મારી જાતને રોકી શકતી નથી.

યામી ગૌતમઃ યામી કહે છે કે મેં દિવાળીના ઘણા રંગ જોયા છે, પરંતુ હવે વ્યસ્તતા વચ્ચે આ તહેવારની ઉજવણી થોડી સીમિત બની છે. હું અને મારો પરિવાર દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડીએ છીએ, નવાં કપડાં પહેરીએ છીઅે અને ખૂબ ખાઇએ-પીએ છીએ. દિવાળીના દિવસે નવાં કપડાં પહેરવાં અને મીઠાઇ ખાવાનો આનંદ કંઇક અલગ જ હોય છે. દિવાળી મને ગમે છે, કેમ કે આ જ બહાને ઘરના દરેક ખૂણેખૂણાની સફાઇ થઇ જાય છે. આ દિવસે પરિવારની સાથે પૂજા કરીને અલગ જ સુખ-શાંતિ મળે છે.

સોનાક્ષી સિંહાઃ બોલિવૂડના ‘શોટગન’ની દબંગ પુત્રી સોનાક્ષી સિંહા તેના પિતા શત્રુઘ્ન સિંહા, માતા પૂનમ સિંહા અને ભાઇ લવ-કુશ સાથે ઘરની અંદર બનેલા મંદિરમાં પૂજા કરે છે. સોનાક્ષી કહે છે કે તહેવારના આ દિવસોમાં તમામ નાના લોકો મોટાંના આશીર્વાદ લે છે. અમે પણ એમ કરીએ છીએ. આ આપણા દેશની પરંપરા અને સંસ્કૃતિ છે.

ઉર્વશી રોતેલાઃ મને આ તહેવાર ખૂબ જ ગમે છે. હું ફટાકડા માટે ક્રેઝી નથી, પરંતુ મને લોકોને આતશબાજી કરતાં જોવા ગમે છે. દિવાળીના તહેવારની કલ્પના રંગોળી વગર અધૂરી છે. હું મારા ઘરે જાતે રંગોળી બનાવું છું. હું રંગોળીમાં ફૂલનો ઉપયોગ પણ કરું છું. દિવાળી ખૂબ જ સજાવટ અને ધામધૂમનો તહેવાર છે. કદાચ જ કોઇ તહેવારમાં આવા ધુમધડાકા થતા હશે. અમે બધાં મળીને પૂજા પણ કરીએ છીએ.

દીપિકા પદુકોણઃ દિવાળીનો દીવો દીપિકા પદુકોણને દુનિયાની સૌથી સુંદર વસ્તુ લાગે છે. તે કહે છે કે દિવાળી પર દીવડા પ્રગટાવવા મને ખૂબ ગમે છે. અમારા પરિવારમાં આ ઉત્સવ સાથે મળીને ઊજવવામાં આવે છે. મને આ પરંપરા ખૂબ જ પસંદ છે. દિવાળીમાં ફટાકડા ફોડવાની સાથે-સાથે ચારે બાજુ રોશનીનો ઝગમગાટ મને ખૂબ પસંદ છે.

You might also like