ડિપ્રેશનનો શિકાર થયા આ બોલિવૂડ સ્ટાર્સ

ડિપ્રેશન આજે પણ એક એવી સમસ્યા છે કે જે ગમે ત્યારે કોઇની પણ જિંદગીમાં પ્રવેશી જાય છે. માનસિક રોગોને એટલા ગંભીરતાથી નથી લેવાતા જેટલી ગંભીરતાથી આપણે શારીરિક રોગોને લઇએ છીએ, પરંતુ તે ખરેખર જેણે ભોગવ્યું હોય તેને જ ખબર પડે. માત્ર સામાન્ય વ્યક્તિઓ નહીં, બોલિવૂડ સ્ટાર્સ પણ ઘણી વાર ડિપ્રેશનનો શિકાર બન્યા હોય છે. આપણને દૂરથી ઝળહળતી લાગતી તેમની લાઇફ જોઇને થતું હોય કે આ લોકોને શું તકલીફ હશે, પરંતુ જ્યારે આવા સુપરસ્ટાર ડિપ્રેશનનો શિકાર બને ત્યારે ખરેખર નવાઇની વાત કહેવાય છે. બોલિવૂડનો શહેનશાહ ગણાતો અમિતાભ બચ્ચન, બોલિવૂડની ટોચની અભિનેત્રીમાં સામેલ દીપિકા પદુકોણ, પોતાના જમાનાનો સ્ટાર અને કરોડો યુવા હૃદયની ચાહત ધર્મેન્દ્ર, બોલિવૂડનો કિંગ ખાન બનીને લાખો યુવતીઓનાં દિલ પર રાજ કરનારો શાહરુખ ખાન તેમજ ક્યૂટ નેપાળી બ્યુટી મનીષા કોઇરાલા અને પહેલી જ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી બોલિવૂડમાં છવાઇ જનાર અનુષ્કા શર્મા જેવા કલાકાર ડિપ્રેશનનો ભોગ બની ચૂક્યા છે.

દીપિકા પદુકોણઃ માત્ર ડિપ્રેશન જ નહીં, દીપિકા ઘણી બધી સમસ્યાઓ સામે ઝઝૂમી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે ખૂલીને પોતાના ડિપ્રેશનની વાત કરી. તેણે કહ્યું કે મને સમજ પડતી ન હતી કે હું ક્યાં જાઉંં, શું કરું? હું માત્ર રડ્યા કરતી હતી. દીપિકાના આ નિવેદનને લોકોએ બહાદુરીભર્યું ગણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ તેના ડિપ્રેશનને લઇને ચર્ચાઓ ચાલી હતી. દીપિકા એ સમયમાંથી સફળતાપૂર્વક બહાર આવી અને આજે નંબર વન અભિનેત્રી છે.

અમિતાભ બચ્ચનઃ ફિલ્મોમાં સખત પાત્ર ભજવનાર અમિતાભ બચ્ચન પણ ડિપ્રેશનના ખરાબ સમયગાળામાંથી પસાર થઇ ચૂક્યા છે. ૯૦ના દાયકામાં નિર્માતા તરીકે પોતાની કંપની શરૂ કર્યા બાદ એક-એક ફિલ્મ ફ્લોપ જતાં તેમની કંપનીનું દેવાળું ફૂંકાયું. આ કારણે બચ્ચન ડિપ્રેશનનો શિકાર બન્યા, જોકે પરિવારના સહયોગથી તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યા.

શાહરુખ ખાનઃ બોલિવૂડનો બાદશાહ શાહરુખ ખાન આજે પોતાની ફિલ્મોથી લોકોનું ભરપૂર મનોરંજન કરે છે, પરંતુ તે પણ ક્યારેક ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. આ વાત સાંભળવામાં કદાચ અજીબ લાગે, પરંતુ શાહરુખે માન્યું કે તેના ખભાની સર્જરી બાદ તે થોડા સમય માટે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ આત્મવિશ્વાસ અને આત્મબળના લીધે તે બહાર આવી શક્યો.

ધર્મેન્દ્રઃ ‘શોલે’માં જય (અમિતાભ બચ્ચન) સાથે વીરુનું પાત્ર ભજવીને અમર થઇ જનાર ધર્મેન્દ્ર પણ ડિપ્રેશનના ખરાબ સમયગાળામાંથી પસાર થઇ ચૂક્યા છે. તેઓ લગભગ ૧૫ વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યા હતા અને તેના કારણે દારૂ પીવા લાગ્યા હતા. તેને દારૂ પીવાની એટલી ખરાબ આદત પડી કે તેની પર્સનલ લાઇફ પર પણ અસર થવા લાગી, જોકે પંજાબના આ શેરે આ લતમાંથી પીછો છોડાવી દીધો.

મનીષા કોઇરાલાઃ ગર્ભાશયના કેન્સરના કારણે મનીષા કોઇરાલા ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી, પરંતુ પરિવાર અને મિત્રોના સાથના કારણે તેને ફાયદો થયો અને તે આ મુશ્કેલીના સમયમાંથી બહાર આવી. તે કહે છે કે હું નિરાશાવાદી નથી, તેથી ડિપ્રેશન સામે લડતાં પણ મને આવડે છે. ક્લિનિકલ ડિપ્રેશનની અસર મનીષાના રંગ-રૂપ પર પણ પડી.

અનુષ્કા શર્માઃ દીપિકા બાદ અન્ય એક અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ પોતાના ડિપ્રેશન અંગે વાત કરી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે કોઇ એક સમયે તેને એંગ્ઝાઇટી ડિસઓર્ડર હતો. તેને ડોક્ટર પાસે તેનો ઇલાજ કરાવવો પડ્યો હતો. તે કહે છે કે જેવી રીતે પેટમાં દુખાવો થતાં આપણે ડોક્ટર પાસે જઇએ છીએ તે જ રીતે આવી સમસ્યા માટે ડોક્ટર પાસે જવું પડે છે. •

You might also like