નાઈજિરિયામાં ત્રણ ગામ પર બોકો હરામનો હુમલોઃ ૩૦નાં મોત

કાનો (નાઈજિરિયા): બોકો હરામના ઈસ્લામી ત્રાસવાદીઓ દ્વારા અશાંત ઉત્તર પૂર્વીય નાઈજિરિયાનાં ત્રણ ગામમાં કરવામાં આવેલા હુમલામાં ૩૦ લોકો માર્યા ગયા છે અને અન્ય ૨૦ ઘાયલ થયા છે. વિજિલન્સ કમિટીના એક સભ્યએ આ જાણકારી આપી હતી.

નાઈજિરિયાના લશ્કરને બોકો હરામ સામે લડવામાં મદદ કરી રહેલા નાગરિક મુસ્તફા કરીમબેગે બોર્નો રાજ્યના વારવરા, મંગરી અને બુરા શિકા નામનાં ગામ પર થયેલા હુમલા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે બોકો હરામના ત્રાસવાદીઓએ મોટાભાગના પીડિતોની હત્યા કરી નાંખી હતી અને ઘાયલ થયેલા લોકોને છરીથી હુમલાના જખમ કર્યા હતા. આ હુમલા અંગે મોડી જાણકારી પ્રાપ્ત થઈ છે, કારણ કે બોકો હરામે વિસ્તારના ટેલિકોમ નેટવર્કનો નાશ કર્યો હતો અને તેના કારણે કોમ્યુનિકેશન સેવા ખોરવાઈ ગઈ હતી.

બોકો હરામના ત્રાસવાદીઓએ ત્રણ ગામ પર હુમલા કરીને ગામનો કબજો લઈ લીધો હતો અને ગામના લોકોને મારી નાંખીને ત્રણેય ગામને આગ ચાંપી નાંખી હતી. આ ગામ બુરાતૈઈની નજીક આવેલા છે જે નાઈજિરિયન લશ્કરના પ્રમુખ ટી. યુસુફ બુરાતેઈનું વતન હોવાનું કહેવાય છે. એક અન્ય સભ્ય મુસા સુલેમાને જણાવ્યું હતું કે સૌથી પ્રભાવિત વારવરામાં ૨૦ લોકો માર્યા ગયા હતા, જ્યારે બુરા શિકામાં હુમલાખોરોએ છ લોકોને મારી નાખ્યા હતા અને મંગેરીમાં ચારની હત્યા કરવામાં આવી હતી.

એએફપીના આંકડા અનુસાર રાષ્ટ્રપતિ મોહમ્મદ બુખારીએ કાર્યભાર સંભાળ્યા બાદ અત્યાર સુધીમાં બોકો હરામના હુમલામાં ૧૫૩૦ લોકોનાં મોત થયાં છે. આ ગામમાંથી લોકો ભાગીને ૩૦ કિમી દૂર આવેલા બિઉમા ચાલ્યા ગયા છે.

You might also like