ઓઢવમાં બોઈલર ફાટતાં પાંચ ગંભીર રીતે ઘાયલ

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં આજે સવારે એકાએક બોઈલર ફાટતાં કંપનીમાં કામ કરતા પાંચ કર્મચારીઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની જાણ નિકોલ પોલીસને કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ ઓઢવ વિસ્તારના સિંગરવા ગામ નજીક આવેલી મેઝ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આજે વહેલી સવારે કોઈ કારણસર બોઈલર ફાટ્યું હતું. બોઈલર ફાટતાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટનામાં કંપનીમાં કામ કરતા અાઠેક કર્મચારીઓને શરીરના ભાગે ઈજાઓ થઈ હતી જેમાં પાંચ લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બાપુનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે નિકોલ પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે હાલ બોઈલર શા કારણે ફાટ્યંુ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

You might also like