શહેરમાં છેલ્લા એક મહિનાથી રોડનાં તમામ કામ સંપૂર્ણ ઠપ

અમદાવાદ, સોમવાર
છેલ્લી ત્રણ ટર્મથી શહેરમાં સત્તાનાં સૂત્રો સંભાળતા ભાજપ માટે ગત ચોમાસાના રોડનાં કૌભાંડ ભારે નામોશીભર્યા બન્યાં છે. અમદાવાદના રસ્તાના કૌભાંડ રાજ્યભરમાં ગાજ્યાં છે. વિધાનસભામાં ચૂંટણી દરમિયાન ‘વિકાસ ગાંડો થયો છે’ તેવા રસપ્રદ સૂત્રો પણ વહેતા થયાં હતાં. રોડનાં કામનાં ભ્રષ્ટાચારની હાઇકોર્ટ ઉપરાંત ગાંધીનગર સ્તરેથી પણ ગંભીર નોંધ લેવાઇ હોવા છતાં હજુ પણ કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગત યથાવત્ છે. આ સાઠગાંઠના કારણે શહેરમાં છેલ્લા એક મહિનાથી રોડનાં કામ ઠપ છે.

દિવાળીના દિવસોમાં સત્તાવાળાઓએ રોડનાં કામમાં થોડીક ગતિ દાખવી હતી. ત્યાર બાદ હાઇકોર્ટના આદેશને પગલે તંત્રને ટોચના ઇજનેર સહિતના ઇજનેર વિભાગના સ્ટાફને શો કોઝ નોટિસની બજવણી કરવાની ફરજ પડતાં રોડનાં કામની સ્થિતિ કથળી હતી. રોડના કામના કોન્ટ્રાકટર એક અથવા બીજું કારણ આગળ ધરીને ચાલુ કામમાં પણ સહકાર આપતા નથી
.
કોન્ટ્રાકટર પાસે તૂટેલા રોડ નવેસરથી રિસરફેસ કરાવવાને બદલે જ્યાં ત્યાં રોડ પર થીંગડાં મારવાનાં નાટક શહેરમાં ભજવાઇ રહ્યાં નથી. છેલ્લાં બે વર્ષમાં રોડ પાછળ રૂ.પપ૦ કરોડથી વધુનું આંધણ કરાયા બાદ પણ અમદાવાદીઓને મગરની પીઠ જેવા રોડ મળ્યા છે. એક તરફ હાઇકોર્ટ રોડને લીધે ઇજા પામનારાને વળતર ચૂકવવાનો અમદાવાદ કોર્પોરેશનને આદેશ કરે છે. તો બીજી તરફ તૂટેલા રસ્તાને હજુ સુધી મોટરેબલ કરાયા નથી.

ગત તા.ર૦ ફેબ્રુઆરીથી હોળી-ધુળેટીના તહેવારના કારણે ગામડે ગયેલા મજૂર હજુ સુધી અમદાવાદ પરત ફર્યા નથી. જેના કારણે આજની સ્થિતિમાં પણ અમદાવાદમાં એક પણ પેવરના કામ ચાલતા નથી. રોડનાં કામનાં અેક પણ પેવર જો ચાલતાં ન હોય તો આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે તેમ છતાં શાસકો પણ નિશ્ચિંત બેઠા છે.

અઢી મહિના બાદ એટલે કે તા,૧૫ જૂનથી ચોમાસાના કારણે રોડનાં કામ કાયદેસર રીતે બંધ કરવાં પડશે. એટલે શહેરમાં દરરોજ ૧૩થી ૧૪ પેવર ચાલતાં થાય તે જરૂરી છે. દરમિયાન ગયા શનિવારે મળેલી એમપી, એમએલએ સંકલન સમિતિની બેઠકમાં વેજલપુર વોર્ડના ભંગાર રસ્તાનો મામલો ગાજ્યો હતો. વેજલપુર વોર્ડના બળિયાદેવ મંદિરથી જીવરાજ પાર્ક સુધીનો રસ્તો ઉપરાંત અન્ય રસ્તા આજે પણ ઊબડખાબડ હોઇ આ મામલે તંત્ર પર પસ્તાળ પડી હતી.

You might also like