બોગસ બિલકાંડઃ રોડમાં ભ્રષ્ટાચાર કરનારા 7 ઈજનેરો સામે ફરિયાદ દાખલ થઈ

અમદાવાદ, સોમવાર
રોડનાં કામનાં સંદર્ભમાં આઇઓસીના બોગસ બિલ્ડિંગ કૌભાંડમાં મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર દ્વારા પ્રાથમિક વિજિલન્સ તપાસના આધારે એક ડેપ્યુટી ઇજનેર સહિત સાત આસિસ્ટન્ટ ઇજનેરોને સસ્પેન્ડ કરી દેવાયા છે. આઇઓસી બોગસ બિલિંગ કૌભાંડમાં તંત્ર દ્વારા તાજેતરમાં કોન્ટ્રાક્ટર જીપી ચૌધરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાતાં આ તમામે તમામ સાત ઇજનેરોમાં પોલીસની ધરપકડથી બચવા આગોતરા જામીન લેવા દોડધામ મચી છે.

તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા આઇઓસીનાં ખોટાં બિલ રજૂ કરવાના મામલે કોન્ટ્રાક્ટર જીપી ચૌધરી સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાઇ છે. આથી અગાઉ આ કોન્ટ્રાક્ટરે રજૂ કરેલાં ખોટાં બિલનાં પેમેન્ટમાં કમિશનર મૂકેશકુમાર ડેપ્યુટી સિટી ઇજનેર મનોજ સોલંકી અને આસિસ્ટન્ટ સિટી ઇજનેર હિરેન બારોટ, અતુલ પટેલ, નવીન પટેલ, કૃણાલ ગજ્જર, નિકુંજ આદેશરા અને ભાવિન પટેલને સસ્પેન્ડ કર્યા હતા. રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલ દ્વારા આઇઓસી બોગસ બિલ કૌભાંડને પકડી પડાયું હતું. તેમણે બે બિલના પુરાવા કમિશનરને સોંપ્યા હતા.

જો કે આઇઓસી બોગસ બિલ કૌભાંડને પગલે એક જ ઝોનના અધિકારી વિરુદ્ધ પગલાં લેવાયાં તેમ જ મોટા અધિકારીને બચાવવા નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા જેવા વિવાદ ઉઠ્યા હતા. જેના કારણે પાંચસો જેટલા ઇજનરોએ તંત્રને આવેદનપત્ર સુપરત કરીને આ સસ્પેન્સન પરત ખેંચવાની માગણી પણ કરી હતી. આ ઉપરાંત તે સમયે શાસક ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો.

ગયા મંગળવારે કમિશનરે રોડના કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ વધારે આકરાં પગલાં ભરીને નુકસાની તેમજ દંડ પેટે રૂ.પાંચ કરોડની વસૂલાત કરવાની દિશામાં ક્વાયત હાથ ધરી છે. જીપી ચૌધરી સહિત પાંચ કોન્ટ્રાક્ટરોને કુલ ૩૮ નોટિસ ફટકારાઇ છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સૌથી વધુ નુકસાન ગણી ૯૦ રોડ પૈકી ૪પ રોડના નમૂનાના આધારે કોન્ટ્રાક્ટરો સામે શિક્ષાત્મક પગલાં લેતાં કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે તેમ જણાવતાં જાણકાર સૂત્રો વધુમાં કહે છે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જીપી ચૌધરી સામે મ્યુનિસિપલ તંત્રે એફઆઇઆર નોંધાવી હોઇ ગમે ત્યારે પોલીસ વિભાગ તપાસનાં ચક્ર ગતિમાન કરશે. તેવા સમયે સંભવિત ધરપકડથી બચવા કોર્ટના આગોતરા જામીન આવશ્યક હોઇ સઘળા સસ્પેન્ડેડ ઇજનેરો આગોતરા જામીન મેળવવા દોડતા થયા છે.

You might also like