પાકિસ્તાને કિરપાલનાં અંગો કાઢીને મોકલ્યો દેહ

નવી દિલ્હી : પાકિસ્તાન જેલમાં શંકાસ્પદ પરિસ્થિતીમાં મૃત્યુ બાદ કિરપાલ સિંહનો મૃતદેહ વાઘા બોર્ડરના માર્ગે ભારત પરત લાવવામાં આવ્યો હતો. લાહોર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ દરમિયાન હૃદય અને લીવર કાઢી લેવામાં આવ્યા હતા. આ અંગે સરબજીતની બહેન દલબિર કૌરે કહ્યું કે પાકિસ્તાને કિરપાલ સિંહનું હૃદય સરબજીતની જેમ જ કાઢી નાખ્યું છે. કિરપાલને ઝેર અપાયુ હોવાની આશંકા વધારે મજબુત થતી જાય છે. કારણ કે હૃદય અને લીવર દ્વારા જાણી શકાય છે કે તેની સાથે શું થયું હતું.

કિરપાલ સિંહની અંતિમ વિધિ પંજાબનાં ગુરદાસપુર ખાતે કરવામાં આવી હતી. તેની સાથે મોકલાયેલા સામાનમાં પત્રો મળ્યા હતા. જેમાં તેમણે વકીલ રોકીને પોતાને જેલમાંથી મુક્ત કરાવવા માટેની અપીલ કરી હતી. તેણે લખ્યું હતું કે તેને ગુનેગાર તરીકે ખોટો ફસાવાઇ રહ્યો છે. તેણે તેવો પણ ઉલ્લેખ કર્યો કે તે પત્ર લખે છે તેનાં જવાબ તેને શા માટે નથી મળી રહ્યા. બીજા પત્રમાં આપવીતી સંભળાવતા તેણે અશફાકનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં કિરપાલે જફરનો વારંવાર ઉલ્લેખ કર્યો છે.

કિરપાલ સિંહનું 54 વર્ષની ઉંમરે પાકિસ્તાન કોટ લખપત જેલમાં 11 એપ્રિલે શંકાસ્પદ હાલતમાં મૃત્યું થયું હતું. જો કે હાલ તેનાં વળતર માટે પરિવારનાં એક પછી એક લોકો સામે આવી રહ્યા છે. હાલ કિરપાલનાં વારસાદનો વિવાદ પેદા થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કિરપાલ સિંહ 1991 બાદ અચાનક ગુમ થઇ ગયો હતો. જો કે થોડા સમય અગાઉ તેનો પત્ર મળ્યો હતો કે તે પાકિસ્તાનની જેલમાં બંધ છે. કિરપાલને 1991માં પાકિસ્તાનનાં ફૈસલાબાદ રેલ્વે સ્ટેશન બ્લાસ્ટ મુદ્દે આરોપી બનાવાયો હતો. કિરપાલને 20 મે 2002માં પાકિસ્તાનની કોર્ટે પાંચવાર મૃત્યુની સજા અને 60 વર્ષી જેલની સજા થઇ હતી. ઉપરાંત 27 લાખનો દંડ પણ થયો હતો.

You might also like