બોધગયા સીરિયલ બ્લાસ્ટઃ તમામ પાંચ આરોપીને દોષી જાહેર કરાયા

ગયા (બિહાર): ભગવાન બુદ્ધનાં જ્ઞાન સ્થળ બોધગયામાં વર્ષ ૨૦૧૩માં થયેલા નવ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટે આજે તમામ પાંચેય આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. એનઆઈએ કોર્ટના સ્પેશિયલ જજ મનોજકુમારે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આજે ચુકાદો સંભળાવ્યો હતો.

અદાલતે જણાવ્યું હતું કે દોષિત જાહેર કરેલા તમામ પાંચ આરોપીઓને ૩૧ મેના રોજ સજા સંભળાવવામાં આવશે. બોધગયા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી માટે પાંચ આરોપીઓને આજે એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી શરૂ થઈ તે પહેલાં મહાબોધિ મંદિરમાં દોષિતોને કડક સજા થાય અને વિશ્વ શાંતિ માટે બૌદ્ધ ભિક્ષુઓની સ્પેશિયલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ૭ જુલાઈ ૨૦૧૩ના રોજ બોધગયામાં નવ સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને ત્રણ અલગ અલગ સ્થળોએથી જીવતા બોમ્બ મળી આવ્યા હતા. આ સમગ્ર બ્લાસ્ટની તપાસ દેશની સૌથી મોટી સંસ્થા એનઆઈએ કરી રહી હતી. એનઆઈએ દ્વારા બોમ્બ બ્લાસ્ટમાં છ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમને પટણાની બેઉ જેલમાં રાખવામાં આવ્યા હતા.

You might also like