બોડકદેવમાં ટીવી ચેનલની એન્કરનો ફાંસો ખાઈ આપઘાત

અમદાવાદ: અમદાવાદના બોડકદેવ વિસ્તારના પ્રિન્સ એપાર્ટમેન્ટમાં ટીવી ચેનલની એન્કરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૂળ ગોંડલની વતની ક‌િરશ્મા ભટ્ટ પ્રિન્સ એપાર્ટમેન્ટમાં અન્ય યુવતીઓ સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. પોલીસને ક‌િરશ્માની ડાયરી મળી છે. ડાયરીના લખાણના આધારે પ્રેમસંબંધના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

ટીવી ચેનલમાં કામ કરતી 23 વર્ષીય ક‌િરશ્મા ભટ્ટ ગઇ કાલે તેની નોકરી પૂરી કરીને તેના રૂમ ઉપર આવી હતી ત્યારે તે ગુમસુમ હતી. તેની સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીઓએ તેને જમવા માટેનું કહ્યું હતું પરંતુ તેણે જમવા માટે જવાની ના પાડી દીધી હતી. યુવતીઓ બહાર જમવા ગઇ ત્યારે દરવાજો બંધ કરીને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

ક‌િરશ્મા સાથે રહેતી યુવતીઓ જમીને પરત આવી ત્યારે ફલેટનો મુખ્ય દરવાજો બંધ હતો.  ઘણા સમય સુધી ખખડાવ્યા છતાં દરવાજો નહીં ખોલતાં યુવતીઓએ તેમના ફલેટની બાજુની અગાસીમાંથી જોયું તો ક‌િરશ્મા ગળાફાંસો ખાઇને લટકેલી જોવા મળી હતી. તાત્કા‌િલક યુવતીઓએ પોલીસને જાણ કરી દીધી હતી. વસ્ત્રાપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક‌િરશ્માની લાશને નીચે ઉતારી હતી.

પોલીસને ક‌િરશ્માની એક ડાયરી મળી આવી હતી, જેમાં ક‌િરશ્મા તેની રો‌િજંદા જીવનના કેટલાક અંશો લખતી હતી. ડાયરીના એક-બે પેજ પર ક‌િરશ્માએ લખ્યું હતું કે તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છે. આ લખાણ ઉપરથી આત્મહત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ક‌િરશ્મા સાથે રહેતી યુવતીઓનાં નિવેદનો પણ લેવાની તજવીજ હાથ ધરી છે.

You might also like