બોડકદેવ વોર્ડમાં એસ.જી. હાઇવેની પાછળ ગેરકાયદે ‘ડમ્પિંગ સાઇટ’

અમદાવાદ: મ્યુુનિ. કોર્પોરેશનમાં ઘનકચરાના નિકાલની કામગીરી હંમેશાં વિવાદાસ્પદ રહી છે. પીરાણાની ડમ્પિંગ સાઇટ પર ઘનકચરાના ૭પ ફૂટ ઊંચા ઢગલા ખડકાયા છે. પરંતુ શહેરના બોડકદેવ વોર્ડ જેવા પોશ વિસ્તારમાં પણ તંત્રની બેદરકારીથી ગેરકાયદે ડમ્પિંગ સાઇટ ઊભી થઇ છે.

શહેરમાં દરરોજ ઉત્પન્ન થતો ૪રપ૦ મેટ્રિક ટન ઘનકચરો પૈકી હાલમાં ફક્ત ૯૦૦ મેટ્રિક ટન ઘન કચરો પ્રોસેસ કરવામાં આવે છે. ઘન કચરામાંથી પેદા કરાતા ખાતરનો પ્રોજેકટ નિષ્ફળ પુરવાર થયો છે. ખેડૂતો રીંગણાં જેવા શાકભાજીના રંગ બદલાઇ જતા હોવાથી ખેડૂતો ખાતર ખરીદવાનું જ રાખે છે. પીરાણા ડમ્પિંગ સાઇટ આજુબાજુના હજારો રહેવાસીઓના આરોગ્ય માટે જોખમી પુરવાર થઇ છે.
પરંતુ બોડકદેવ જેવા શહેરના પોશ વિસ્તારમાં ગેરકાયદે ડમ્પિંગ સાઇટ ઊભી થઇ છે.

એસ.જી. હાઇવે પરની ઇડન હોટલવાળી ગલીમાં કેટલાક લેભાગુ તત્ત્વો ખાલી પડેલા પ્લોટમાં તેમજ રોડ પર મોડીરાત્રે ટ્રેકટર દ્વારા કન્સ્ટ્રકશનનો કચરો ઠાલવીને જતા રહે છે. જે તે કન્સ્ટ્રકશનના ભંગાર ઉપરાંતના કચરાના કારણે આસપાસના પુરષોત્તમ બંગલા સોસાયટી જેવી સોસાયટીના લોકો ત્રાસી ઉઠ્યા છે. કેટલાક સ્થાનિક લોકોએ તો આવી ગેરકાયદે ડમ્પિંગ સાઇટ માટે ખુદ કોર્પોરેશનને જવાબદાર ઠેરવ્યું છે. આ નાગરિકો કહે છે, “અહીં ગેરકાયદે ડમ્પિંગ સાઇટ બનાવવા પાછળ તંત્રના લેભાગુ તત્ત્વો સાથેની મિલીભગત છે.”

બોડકદેવ ર્વોડમાં કન્સ્ટ્રકશન અને ડેબ્રીજ (સીએન્ડડી) ઠાલવવા માટેનું કોઇ સ્થળ નક્કી નથી કરાયું. શહેરભરમાં સીએન્ડડીના કુલ સોળ સ્થળ નિશ્ચિત કરાયા છે. જ્યાં નાગરિકો પોતાના ખર્ચે સીએન્ડડી ઠાલવે છે. આ સ્થળોએથી તંત્ર અન્ય કોન્ટ્રાકટર પોતાના વાહનથી સીએન્ડડીનો કંપનીના પ્લાન્ટમાં નિકાલ કરે છે. આ કામગીરી માટે કોર્પોરેશન કોન્ટ્રાકટરને પ્રતિ મેટ્રિક ટન રૂ.૧૬ર.પ૦ ચૂકવે છે. જોકે બોડકદેવમાં તંત્ર સામે લેભાગુ તત્ત્વો સામે કૂણું વલણ દાખવવાના આક્ષેપ ઊઠ્યા છે.

આ અંગે નવા પશ્ચિમ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. તેજસ શાહને પૂછતાં તેઓ કહે છે, આ સ્થળે કેટલાક અજાણ્યા શખ્સો મોડીરાત્રે ટ્રેકટરથી કન્સ્ટ્રકશન ડેબ્રીજ ઠાલવે છે. ત્રણેક મહિના અગાઉ અમે એક ટ્રેકટર જપ્ત કરીને પાંચેક હજારની પેનલ્ટી કરી હતી. ઉપરાંત કેટલાક સમય માટે સિક્યોરિટી પણ ગોઠવી હતી. જોકે ફરીથી ફરિયાદો મળી છે. આ સમસ્યાના કાયમી નિરાકરણનો પ્રયાસ કરાશે. દરમ્યાન આ પ્રશ્નની ફરિયાદ નવા પશ્ચિમ ઝોનના નવનિયુુક્ત ડેપ્યુટી કમિશનર ધર્મેન્દ્ર શાહ સમક્ષ પણ કરાઇ છે.

You might also like