બોડકદેવનાં વૃદ્ધાને ગઠિયાએ રૂ.૩ર.૭૬ લાખનો ચૂનો લગાવ્યો

અમદાવાદ: સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ક્રાઇમને રોકવા ફોન અથવા મેસેજ દ્વારા લોભામણી સ્કીમોમાં રોકાણ અથવા ક્રેડિટ-ડેબિટકાર્ડના નંબરની માહિતી ન આપવા અંગે જરૂરી સૂચનો અને જાણકારી આપવામાં આવે છે છતાં લોકો આવા લોભામણી સ્કિમની લાલચ આપનાર વ્યક્તિની જાળમાં ફસાઇ જાય છે. બોડકદેવ વિસ્તારમાં રહેતાં એક વૃદ્ધાએ ડ્રોમાં ઇન્ડિકા ગાડી લાગી હોવાની લાલચમાં આવી કુલ રૂ.૩ર.૭૬ લાખ ગુમાવ્યા છે. વૃદ્ધાએ એક જ મહિનામાં કુલ ૮૮ વખત બેન્ક એકાઉન્ટમાં પૈસા ઉમેર્યા હતા. ટીવીમાં જાહેરાતમાંથી મગાવેલા સ્લિમ બેલ્ટના ડ્રોમાં કાર લાગી હોવાની લાલચ આપી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બોડકદેવ વિસ્તારમાં પ્રતિષ્ઠા એપાર્ટમેન્ટમાં રહેતાં ઇન્દુબહેન પૂજારા (ઉ.વ.૬૦) તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ કનૈયાલાલ પૂજારા મહેસૂલ ખાતામાંથી નિવૃત્ત થયેલા છે. દોઢ મહિના અગાઉ ઇન્દુબહેને ટીવીમાં NAAPTOL નામની કંપનીની એડવર્ટાઇઝિંગમાંથી સ્લિમ બેલ્ટ મગાવ્યો હતો. જે ફોન નંબર આવ્યા તે નંબર પર તેઓએ ફોન કરી બુકિંગ કરાવ્યું હતું. બાદમાં ર૦ એપ્રિલના રોજ તેમના મોબાઇલ નંબર પર જિતેન્દ્ર મહેતા નામના શખસનો ફોન આવ્યો હતો અને NAAPTOLમાંથી સ્લિમ બેલ્ટ ખરીદ્યો છે. તમને ડ્રોમાં ઇન્ડિકા કાર લાગી છે.

ડ્રોમાં કારનો વિશ્વાસ ન આવતાં ગઠિયાએ એક મોબાઇલ નંબર આપી તેના પર વાત કરવા જણાવ્યું હતું. ઇન્દુબહેને તે નંબર પર વાત કરતાં ડ્રોની વાતમાં તેઓને ‌િવશ્વાસ આવી ગયો હતો અને બેન્ક એકાઉન્ટમાં પૈસા ભરવા જણાવ્યું હતું. જેથી તેઓએ બેન્ક એકાઉન્ટમાં પૈસા ભર્યા હતા. ગઠિયાએ વારંવાર અલગ અલગ નંબર પરથી ફોન કરી તેમને વિશ્વાસમાં લઇ ટેક્સ અને ટ્રાન્ઝેકશનને બહાને પૈસા ભરાવડાવ્યા હતા. જો તેઓ પૈસા નહીં ભરે તો ઇન્કમટેક્સમાં પૈસા જમા થઇ જશે તેવું જણાવ્યું હતું. જેથી અલગ અલગ તારીખોએ એસબીઆઇ, એકિસસ, કેનેરા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કનાં ખાતાંમાં કુલ ૮૮ વખત કુલ રૂ.૩ર.૭૬ લાખ ભરાવ્યા હતા. ઇન્દુબહેને તેમની બચતનાં, સગાં-સંબંધીઓ પાસેથી ઉધાર લઇ અને સોનાના દાગીના ગીરવે અને વેચી દઇ આ પૈસા ભર્યા હતા.
http://sambhaavnews.com/

You might also like