બોર્ડિંગ પાસ પર લખ્યું હતું ‘બોમ્બ’ ..ને એરપોર્ટ પર અફરાતફરી મચી

અમદાવાદ: અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ લખેલો બોર્ડિંગ પાસ સફાઈ કામદારને મળતાં અમદાવાદ એરપોર્ટ ઉપર અફરાતફરી મચી જવા પામી હતી. અા બોર્ડિંગ પાસ અંગે જાણ થતાં સરદારનગર પોલીસમથક સહિતનો પોલીસ કાફલો એરપોર્ટ ઉપર ધસી અાવ્યો હતો. પોલીસે ફ્લાઈટમાં બેસેલા મુસાફરો-ક્રૂ મેમ્બર્સ સહિત તમામને નીચે ઉતારીને તપાસ હાથ ધરી હતી, જોકે અા તપાસમાં કશું વાંધાજનક મળ્યું ન હતું, જેના કારણે એરપોર્ટ અોથોરિટી, પોલીસતંત્ર અને મુસાફરોએ રાહતનો દમ લીધો હતો અને ત્રણ કલાક બાદ ફ્લાઈટને મુંબઈ જવા રવાના કરાઈ હતી. અા મામલે એસઅોજી દ્વારા જે સીટ નીચેથી ‘બોમ્બ લખેલો બોર્ડિંગ’ મળી અાવી હતી તે સીટ ઉપર મુંબઈથી અાવેલા શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

અા અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટ ઉપર સવારે ૭-૩૦ કલાકે મુંબઈ જતી જેટ એરવેઝની ફ્લાઈટ નંબર એસ-ર-૪૭૩૮માં મુંબઈ જવા માટે પેસેન્જરો ચેકિંગ કર્યા બાદ ફ્લાઈટમાં બેસી ગયા હતા ત્યારે ફ્લાઈટ ઉપડવાની ગણતરીની મિનિટો પહેલાં જ ફ્લાઈટમાંથી એક સફાઈ કામદારને એક સીટ નીચેથી એક બોર્ડિંગ પાસ મળ્યો હતો. અા બોર્ડિંગ પાસને વાંચતાં તેના હોશકોશ ઊડી ગયા હતા. તેણે અા બોર્ડિંગ પાસ ક્રૂ મેમ્બરને બતાવી હતી, જેમાં બોમ્બ એવું લખ્યું હતું. અા બોર્ડિંગ પાસના કારણે ફ્લાઈટના ક્રૂ મેમ્બર અને પેસેન્જરોમાં ગભરાટ અને દહેશતની લાગણી ફેલાઈ ગઈ હતી. અા અંગે ફ્લાઇટના ક્રૂ મેમ્બર દ્વારા એરપોર્ટ અોથોરિટીને જાણ કરવામાં અાવી હતી, જેના કારણે તંત્ર દ્વારા ફ્લાઈટમાં બેસેલા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને નીચે ઉતારી લેવાયા હતા.

દરમિયાનમાં એરપોર્ટ અોથોરિટી દ્વારા પોલીસને જાણ કરાતાં સરદારનગર પોલીસ મથક, સ્પેશિયલ અોપરેશન ગ્રૂપ (એસઅોજી) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતનો કાફલો એરપોર્ટ ઉપર દોડી ગયો હતો. પોલીસે ફ્લાઈટમાં જઈને તપાસ કરી હતી, જોકે એક કલાકથી વધુ સમયની જહેમત બાદ અા ફ્લાઈટમાંથી એવી કોઈ વાંધાજનક ચીજવસ્તુઅો મળી ન હતી ,જેના કારણે મુંબઈ જતા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને પુન: ફ્લાઈટમાં બેસાડીને અંદાજે ત્રણ કલાક બાદ મુંબઈ જવા રવાના કરાયા હતા.

દરમિયાન પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે સફાઈ કામદારને પેસેન્જરના બોર્ડિંગ પાસ ઉપર બોમ્બ લખેલી ચિઠ્ઠી ર૪-એ સીટની નીચેથી મળી હતી, જે અંગે પોલીસે તપાસ કરતાં મુંબઈથી અાવેલી અા ફ્લાઈટમાં ર૪-એ નંબરની સીટ ઉપર સુબ્રમણ્યમ નામની વ્યક્તિ અાવી હતી અને તેની સીટ નીચેથી બોર્ડિંગ પાસ ઉપરથી બોમ્બ લખેલી ચિઠ્ઠી મળી અાવી હોવાથી એસઅોજીએ તેને બોલાવીને તેની પૂછપરછ હાથ ધરી છે.

You might also like