બોર્ડની નીતિઃ જમવામાં જગલો, કૂટવામાં ભગલો!

હાલ રાજ્યભરમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે અને વિવિધ સેન્ટરો પર ખાનગી અને સરકારી શાળાના શિક્ષકો દ્વારા બોર્ડની પરીક્ષાનાં પેપરોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં મહેનતાણાંને લઈને સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષકો વચ્ચે વિવાદ ઊભો થયો છે. શિક્ષણ બોર્ડ સરકારી શાળાના શિક્ષકને રૂ. ૩૭૦ દૈનિક ભથ્થું અને ૨૫ પેપર તપાસવાના રૂ. ૬ લેખે રૂ. ૧૫૦ મળી કુલ રૂ. ૫૨૦ ચૂકવે છે. જેની સામે ખાનગી શાળાના શિક્ષકોને દૈનિક ભથ્થું રૂ. ૮૦ વત્તા પેપર તપાસવાના ૧૫૦ મળીને માત્ર રૂ. ૨૩૦ મળે છે. જેને લઈને ખાનગી શાળાના શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

બીજો મોટો વિરોધાભાસ એ છે કે પરીક્ષાનું પેપર ૫૦ માર્કનું હોય કે સો માર્કનું બંને પેપર તપાસવાના એકસરખા રૂપિયા જ નિરીક્ષકને આપવામાં આવે છે. એક ખાનગી શાળાના શિક્ષકના જણાવ્યા પ્રમાણે આવા ઓછા માર્કનાં પેપર તપાસવામાં સરકારી શાળાના શિક્ષકો વધુ હોય છે. ધોરણ ૧૨ના સો માર્કના પેપર તપાસવામાં અમને એટલે કે ખાનગી શાળાના શિક્ષકોને ગોઠવી દેવાય છે. અમે સરકારી શાળાના શિક્ષકો કરતાં વધુ મહેનત કરીએ તો પણ વેતનમાં ભેદભાવ રખાય છે. સરકારની આ વાત જમવામાં જગલો અને કૂટવામાં ભગલો જેવી બની રહી છે.

You might also like