શાહરુખની ગેરકાયદે કેન્ટીન પર BMCએ બુલડોઝર ફેરવી નાખ્યું

મુંબઈ: એક બાજુ શાહરુખ ખાનના નવા ટીવી શો ‘ટેડ ટોક્સ’ને લઈ ચર્ચા ચાલી રહી છે તો બીજી બાજુ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ શાહરુખ ખાન સામે કાર્યવાહી કરી છે. મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ ઓફિસની બિલ્ડિંગમાં બીએમસીએ બુલડોઝર ફેરવી દીધું છે અને આ બિલ્ડિંગમાં ગેરકાયદે બનાવવામાં આવેલી કેન્ટીનને તોડી પાડી છે.

બીએમસીનું કહેવું છે કે ચોથા માળે બાંધવામાં આવેલ આ કેન્ટીન ગેરકાયદે હતી અને આ માટે શાહરુખ ખાને બીએમસીની મંજૂરી લીધી ન હતી. આ કેન્ટીન શાહરુખ ખાનની ઓફિસના ચોથા માળે ૨૦૦૦ ચો.ફૂટમાં બનાવવામાં આવી હતી. પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

બીએમસીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શાહરુખ ખાને પોતાના કર્મચારીઓ માટે આ ઈમારતમાં કેન્ટીન બનાવી હતી. તેના આ ગેરકાયદે બાંધકામ અંગે બીએમસીને ફરિયાદ મળતાં તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બિલ્ડિંગ ગોરેગાંવ વેસ્ટમાં ડીએલએક્સ મેક્સ બિલ્ડિંગમાં છે. બીએમસીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સ્થાનિક વોર્ડ અધિકારીઓને કેન્ટીનના ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદ મળી હતી અને તપાસ કરતાં આ ફરિયાદ સાચી હોવાનું જણાયા બાદ બીએમસીએ આ કેન્ટીન તોડી પાડી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરણ આચરેકરની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંગે શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ તરફથી પણ પ્રતિક્રિયા મળી છે. તેમના જણાવ્યા પ્રમાણે રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ આ પ્રોપર્ટીની માલિક નથી, પરંતુ ભાડુઆત છે. આ બિલ્ડિંગની બહાર એક ખૂલી જગ્યા છે, જ્યાં બેસવાની સુવિધા છે. અહીં તમામ કર્મચારીઓ પોતાના ઘરેથી લાવેલાં ટિફિન જમતા હતા. આ કોઈક કેન્ટીન ન હતી.

You might also like