શહેરમાં કેસરી નહીં, માત્ર વાદળી અને લીલા રંગની જ ડસ્ટબિન

અમદાવાદ: ગત તા.પ જૂનના આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે કોર્પોરેશન દ્વારા શહેરમાં પચાસ હજાર ડસ્ટ‌િબનનું વિતરણ કરાયું હતું. કેન્દ્ર સરકારની નવી સૂચના મુજબ કચરાને સૂકો અને ભીનો કચરો એમ અલગ કરવાનો થાય છે. સૂકા કચરાના ડસ્ટ‌િબન માટે વાદળી રંગ અને ભીના કચરાના ડસ્ટ‌િબન માટે લીલો રંગ નિશ્ચિત કરાયો છે, જોકે અત્યાર સુધી અમદાવાદીઓમાં ભાજપનું પ્રતિનિધિત્વ કરતા પ્રજાના પ્રતિનિધિઓ કેસરી રંગનાં ડસ્ટ‌િબનનું વિતરણ કરતા હતા, પરંતુ કેન્દ્રની તાકીદના પગલે કોર્પોરેશન દ્વારા ડસ્ટ‌િબનને કેસરી રંગથી રંગીને નાગરિકોમાં વિતરણ કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

તાજેતરમાં ભાજપના ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા તેમના જમાલપુર-ખાડિયા વિધાનસભા મતવિસ્તારમાં નાગરિકોને કેસરી રંગનાં ડસ્ટ‌િબનનું વિતરણ કરાયું હતું. ખુદ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ઘરે-ઘેર ફરીને ગૃહિણીઓને કેસરી રંગનાં ડસ્ટ‌િબન વહેંચ્યાં હતાં. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને નરોડાના કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિએ પણ લોકોમાં કેસરી રંગનાં ડસ્ટ‌િબન વહેંચ્યાં હતાં.

એક તરફ તંત્ર શહેરમાં ભવ્ય સમારંભ યોજીને લીલા અને વાદળી રંગનાં ડસ્ટ‌િબનનો પ્રચાર કરે છે, બીજી તરફ શહેરના શાસક ભાજપ પક્ષના ધારાસભ્ય અને કોર્પોરેટરો દ્વારા જ તંત્રના આ નિર્ણયની વિરુદ્ધ કેસરી રંગનાં ડસ્ટ‌િબનનું ખુલ્લેઆમ વિતરણ થઈ રહ્યું છે, જોકે આના ગંભીર પડઘા કોર્પોરેશનમાં પડ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને આ અંગે પૂછતાં તેઓ કહે છે, કોર્પોરેટરોના જૂના બજેટમાં આવી જોગવાઈ હતી. હવે નવા બજેટમાં ડસ્ટ‌િબનને કેસરી રંગ આપી શકાશે નહીં.

જોકે કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં ડસ્ટ‌િબન માટે નાણાં ફાળવનાર સંસદસભ્ય, ધારાસભ્ય અને કોર્પોરેટરોને ફક્ત વાદળી અને લીલા રંગનાં ડસ્ટ‌િબનનું વિતરણ કરવાની મૌખિક સૂચના અપાઈ ગઈ છે.

આ અંગે વધુ માહિતી આપતાં હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી કહે છે, પહેલાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનો મનપસંદ રંગ ડસ્ટ‌િબનને આપી શકતા હતા, પરંતુ હવે કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ ફક્ત વાદળી અને લીલો રંગ જ માન્ય છે એટલે ટૂંક સમયમાં તમામ પ્રજાના ચૂંટાયલા પ્રતિનિધિઓને વાદળી અને લીલા રંગનો ઉપયોગ કરવાની પત્ર લખીને તાકીદ કરાશે.
http://sambhaavnews.com/

You might also like