પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો અનોખો અંગ્રેજી વર્ગ

પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો સામાન્ય રીતે સંગીત શિખવતા હોય છે, પરંતુ નોર્મલ શિક્ષકોને પણ મુશ્કેલ પડે તેવી અંગ્રેજી ભાષા ભણાવવાનું કામ અંજારની સરકારી કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મુકુંદરાય સોરઠિયા કરી રહ્યાં છે. તેઓ જન્મથી જ કુદરતની અવકૃપાનો ભોગ બન્યા હોવા છતાં વિદ્યાર્થિનીઓને કમ્પ્યૂટર અને પ્રોજેક્ટરના માધ્યમથી અંગ્રેજી સફળતાપૂર્વક શીખવી રહ્યાં છે.

જન્મથી જ મુકુંદરાયની કીકીનું કદ નાનું અને પડદો અડધો જ, આથી તેઓની દ્રષ્ટિ માત્ર ૧૦ ટકા જ છે. તેઓ નાના હતા ત્યારે વિઝન થોડું વધુ હતું, પરંતુ ઉંમર વધવાની સાથે દ્રષ્ટિ ઘટતી ગઇ. તેઓ કહે છે, “ભારે મુશ્કેલી પડતી હોવા છતાં આંખની સાવ નજીક રાખીને હું થોડું-ઘણું વાંચી શકતો. તેથી સામાન્ય શાળા-કૉલેજમાં જ રહીને મેં ભણતર પૂર્ણ કર્યું.

એમ.એ., બી.એડ., એમ.ફીલ.ના ભણતરમાં અનેક તકલીફો પડી પણ મેં તે ગણકારી નહીં. પ્રજ્ઞાચક્ષુ હોવાથી અનામત કક્ષામાં નોકરી મળી ગઈ. બાદમાં મેં સી.સી.સી. પ્લસની પરીક્ષા ટોકિંગ સોફ્ટવેરની મદદથી પાસ કરી.

આ સોફ્ટવેર જ મને વિદ્યાર્થિનીઓને ભણાવવામાં મદદરૂપ બને છે.” મુકુંદરાયે ભણાવેલા ૬ વિદ્યાર્થીઓ હાલ સરકારી કૉલેજોમાં અંગ્રેજીના પ્રોફેસર છે. બીજા ૬ વહીવટી શાખામાં તો અન્ય કેટલાંક શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જેનો તેમને ગર્વ છે. ‘મન હોય તો માળવે જવાય’ એ કહેવતને મુકુંદરાયે સાર્થક કરી છે.

You might also like